મુખ્ય સમાચાર
News of Wednesday, 11th November 2020

ભારતનો વિરોધ કરવો જ અમારી રોજી-રોટી: ઈમરાનખાનના મંત્રીની ખુલ્લેઆમ કબૂલાત

પાકિસ્તાનમાં નેતાઓની રાજનીતિ ભારત વિરોધ પર ટકેલી: એન્ટી ઇન્ડિયા સેન્ટીમેન્ટનું ચૂરણ સૌથી વધારે વેચાય :જે સૌથી વધારે વેચાય તેને જ સૌથી વધારે લોકો વેચે છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં નેતાઓની રાજનીતિ ભારત વિરોધ પર ટકેલી છે. આ વાત ખુદ ઇમરાન સરકારની મંત્રીએ સ્વીકારી છે. ઇમરાનની નજીકના મંત્રીમાં સામેલ ફિરદૌસ આશિક અવાને કહ્યું કે પાકિસ્તાનમાં એન્ટી ઇન્ડિયા સેન્ટીમેન્ટનું ચૂરણ સૌથી વધારે વેચાય છે. ભારતનો વિરોધ કરવો જ અમારી રોજી-રોટી છે. જેથી બધા રાજનેતા આ મુદ્દાને સૌથી વધારે ચગાવે છે.

 

  પાકિસ્તાનના પંજાબ સૂબેની સૂચના અને સંસ્કૃતિ મામલાની સ્પેશ્યલ આસિસ્ટન્ટ ફિરદૌસ આશિક અવાને પાકિસ્તાની મીડિયા સાથે વાતચીતમાં આ વાત કહી હતી. પ્રોગ્રામમાં એન્કરે કહ્યું હતું કે આપણે શું ગદ્દારી, ભારત, મોદી જેવા મુદ્દાને દરેક જુમલામાં ઉપયોગ કરવો ઘણો સામાન્ય કરી દીધો નથી? તેના જવાબમાં ફિરદૌસ આશિક અવાને કહ્યું કે આપણા અવામમાં જે એન્ટી ઇન્ડિયા સેન્ટીમેન્ટ છે, તે ચૂરણ સૌથી વધારે વેચાય છે. જે સૌથી વધારે વેચાય તેને જ સૌથી વધારે લોકો વેચે છે. આ ફક્ત સરકાર જ નહીં પણ બધા લોકો કરી રહ્યા છે. વિપક્ષે તો એવા એવા મસાલા વેચ્યા છે જે મજેદાર અને ચટાકેદાર છે

 

  ફિરદૌસ પીટીઆઈ સરકારમાં સામેલ થઇ તે પહેલા ઇમરાન ખાનના મૂવમેન્ટ ફોર ચેન્જના અભિયાનમાં સક્રિય ભાગીદારી કરી હતી. આ દરમિયાન ઇમરાન ખાને લગભગ મહિનો ઇસ્લામાબાદનો ઘેરાવ કર્યો હતો. ફિરદૌસ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીની સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂકી છે. એપ્રિલ 2019માં ઇમરાન ખાને પોતાની સરકારમાં તેમને સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં સ્પેશ્યલ આસિસ્ટન્ટનું પદ આપ્યું હતું.
ભારતનો વિરોધ કરવામાં પાકિસ્તાનમાં પીએમ ઇમરાન ખાન પોતે તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તે ભારત વિરોધી નિવેદન ના કરે એવો એકપણ દિવસ જતો નથી.

(12:38 am IST)