મુખ્ય સમાચાર
News of Monday, 11th November 2019

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા ભાજપની ભૂંડી ચાલઃ સંજય રાઉત

ભાજપ જનાદેશનું અપમાન કરીને રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફિરાકમાં

મુંબઈ : મહારાષ્ટ્રમા ચાલી રહેલી સરકાર રચનાની કવાયત વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ભાજપ જનાદેશનું અપમાન કરીને રાજયમા રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારીમા છે.

મહારાષ્ટ્રમા ભાજપે સરકાર રચવાના કરેલા ઇનકાર બાદ હવે શિવસેનાએ સરકાર રચના માટે ગતિવિધિઓ તેજ કરી દીધી છે. જેમાં શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જો કે શરદ પવારે કહ્યું આ અંગે કોંગ્રેસ સાથે વાતચીત બાદ જ નિર્ણય લેવામા આવશે.

જયારે બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉતે રાજકીય સ્થિતિને ડામાડોલ કરવા બદલ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ જેમ તેમ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફિરાકમા છે. તેમજ તેમણે કહ્યું કે ભાજપે ચુંટણી પૂર્વે જ ૫૦ -૫૦ની ફોર્મ્યુલા પર મંજુરી આપી હતી. જયારે હવે વિપક્ષે બેસવા તૈયાર છે પરંતુ સરકાર રચના માટે તૈયાર નથી.

તેમણે કહ્યું મહારાષ્ટ્રમા આ હાલત માટે શિવસેના નહીં ભાજપ જવાબદાર છે. ભાજપ સાથે સંબધ એક માત્ર ઔપચારિકતા રહી છે. તેમજ ભાજપે ઉદ્ઘવ ઠાકરે વિરુદ્ઘ નિવેદનબાજી ના કરવી જોઈએ. આ ઉપરાંત શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને લખ્યું હતું કે રસ્તાની પરવાહ કરીશ તો મંજીલ ખોટું માની જશે. તેમની ટ્વીટ સ્પષ્ટ કરે છે શિવસેનાનું લક્ષ્ય મુખ્યમંત્રી પદ છે અને તેના માટે તે ગમે તે રસ્તો પકડવા માટે તૈયાર છે.  (૪૦.૧૭)

(3:28 pm IST)