મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

ખૂની કપિરાજોનો આતંકઃ ખાઈ જાય છે બાળકોના કાન, અત્યાર સુધીમાં ૬૦ને બનાવ્યા શિકાર

બંને વાંદરા એ હદે નીડર બની ગયા છે કે, ઘરમાં ઘૂસીને પણ બાળક એકલું હોય તો તેના પર હુમલો કરી દે છે

નવી દિલ્હી, તા. ૧૧ : ઉત્ત્।ર પ્રદેશમાં અલીગઢના નગલા માનસિંહ વિસ્તારમાં ખૂની વાંદરાઓની એક ટોળકીએ છેલ્લા ૩ મહિનાથી આતંક મચાવી રાખ્યો છે. તેઓ નાના બાળકોને એકલા જોઈને તેમના પર હુમલો કરી દે છે. છેલ્લા ૩ મહિનામાં તેઓ ૬૦ કરતા પણ વધારે બાળકો પર હુમલો કરીને તેમને ઘાયલ કરી ચુકયા છે. સ્થિતિ એ હદે બદતર થઈ ચુકી છે કે, તે વિસ્તારનું કોઈ ઘર એવું નથી બચ્યું જયાં વાંદરાના હુમલાના કારણે કોઈ બાળક ઘાયલ ન થયું હોય. ગ્રામીણોમાં વાંદરાઓનો ભારે ડર જોવા મળી રહ્યો છે.

નગર નિગમ ક્ષેત્રમાં આવતા નગલા માનસિંહ વિસ્તારની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, ત્યાંના મોટા ભાગના નાના બાળકો એક કાનવાળા થઈ ચુકયા છે. આદમખોર બની ચુકેલા વાંદરાઓ પોતાના અણીયાળા દાંત વડે નાના બાળકોના કાન કાપીને ખાઈ જાય છે જેથી દરેક બાળકનો એક કાન ક્ષતિગ્રસ્ત થઈ ચુકયો છે.

ખાસ વાત એ જોવા મળી કે, વાંદરાઓ ફકત ૧૧-૧૨ વર્ષની ઉંમરના બાળકો પર જ હુમલો કરે છે. નાના બાળકોના હાથ કે પગને નિશાન બનાવે છે. તેઓ નાના બાળકોને સરળતાથી દબોચી લે છે અને સીધો તેમના કાન પર હુમલો કરે છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે બાળકોને પકડ્યા બાદ વાંદરો તેમના ખભે બેસી જાય છે અને કાન ખાઈ જાય છે. મહિલાઓના કહેવા પ્રમાણે બંને બાળકો કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ બાળકો પર હુમલો કરી દે છે. બંને વાંદરા એ હદે નીડર બની ગયા છે કે, ઘરમાં ઘૂસીને પણ બાળક એકલું હોય તો તેના પર હુમલો કરી દે છે.

ગ્રામીણોના કહેવા પ્રમાણે અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ વાંદરાને પકડવા નથી આવી રહ્યું અને એક-એક બાળકની સારવારમાં હજારો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે.

(10:00 am IST)