મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

પૂણે બાદ મુંબઈ-થાણેના વેપારીઓ દ્વારા 'મહારાષ્ટ્ર બંધ'નો વિરોધ: શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થશે

નવી મુંબઈનું APMC બજાર સોમવારે બંધ રહેશે:પૂણે બજાર સમિતિ અને સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પણ બંધમાં સામેલ થશે

મુંબઈ :યુપીના લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં મહા વિકાસ આઘાડીએ  સોમવારે (11 ઓક્ટોબર) મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. પૂણે બાદ મુંબઈ-થાણેના વેપારીઓએ પણ આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે.

વેપારીઓએ નક્કી કર્યું છે કે તેઓ સોમવારે દુકાનો ખુલ્લી રાખશે. વિરેન શાહે મુંબઈ વેપારી એસોસિએશન વતી કહ્યું છે કે ‘તેઓ ખેડૂતોની દુર્દશા અને પીડાને સમજે છે, તેમને ટેકો આપે છે, તેમની સાથે સહાનુભૂતિ રાખે છે. પરંતુ વેપારીઓને આ બંધમાં ખેંચવા જોઈએ નહીં.

મુંબઈ, પૂણે અને થાણે બાદ નાગપુર અને ઔરંગાબાદના વેપારી સંગઠનોએ પણ દુકાનો ખોલવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેની પાર્ટી મનસેની સિને વિંગના પ્રમુખ અમેય ખોપકરે પણ બંધનો વિરોધ કરતા કહ્યું છે કે ‘રાજકીય પક્ષોની રાજનીતિ શરૂ રહેવા દો પણ ફિલ્મોનું શૂટિંગ અટકશે નહીં.’ તેમનું કહેવું છે કે અમે ખેડૂતોને ટેકો આપીએ છીએ. પરંતુ શૂટિંગ બંધ રાખવાનો આર્થિક બોજ ઉઠાવવો હવે ફિલ્મ ઉદ્યોગના કર્મચારીઓ માટે અસહ્ય છે.

મુંબઈ-થાણે અને તેની આસપાસના લોકો માટે એક મહત્વના સમાચાર એ છે કે નવી મુંબઈનું APMC બજાર સોમવારે બંધ રહેશે. અહીંથી મુંબઈ અને નજીકના વિસ્તારોમાં શાકભાજી સપ્લાય કરવામાં આવે છે. પૂણે બજાર સમિતિ પણ બંધમાં સામેલ થશે. તેવી જ રીતે સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પણ બંધમાં સામેલ થશે. આથી શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થવાનો છે.

પરંતુ રાજ્યભરમાં હોસ્પિટલ, દવાઓની દુકાનો જેવી આવશ્યક સેવાઓને બંધની બહાર રાખવામાં આવી છે. બંધનું સમર્થન કરનારી પાર્ટીઓ જ સરકાર ચલાવી રહી છે. તેથી, આ પક્ષોએ પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ કર્યું છે કે ‘મહારાષ્ટ્ર બંધ’ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું નથી, મહારાષ્ટ્ર સરકારમાં સામેલ પક્ષોના સ્તરે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે. આ પક્ષોએ જનતાને બંધને સફળ બનાવવા અપીલ કરી છે.

(12:00 am IST)