મુખ્ય સમાચાર
News of Friday, 11th October 2019

ભારતીય સેનાએ પાક.ના ત્રણ સૈનિકને ઠાર માર્યા : પાંચ ચોકી તબાહ કરી નાખી

પાકિસ્તાને ફરી સીઝ ફાયરનો ભંગ કર્યો : ભારતે જબરદસ્ત જવાબ આપ્યો

શ્રીનગર તા ૧૧  : બોર્ડર પર વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનને ભારતીય સૈન્યએ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા સીમા પર કરાયેલી નાપાક હરકતોનો સખત જવાબ આપતાં ભારતીય સેનાએ ત્રપ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. તેની પૃષ્ટિ ખુદ પાકિસ્તાની સેનાએ કરી છે.

ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. પાકિસ્તાની રેન્જરોએ ગુરૂવારે પુંચના સાત સેકટર બાલાકોટ, બલનોઇ, દેવગાર, ખડી, કરમાડા, શાહપુર કિરની, કસબા અને ગોતરિયા સેકટરમાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં સાત ઘર ક્ષતિગ્રસ્ત થયા અને મહિલા સહિત બે નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં બાલાકોટ સેકટરની બીજી બાજુ પાક. સેનાની પાંચ ચોકીઓ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગઇ છે. તેના ત્રણ સૈનિકો પણ માર્યા ગયા છે. જાણકારી અનુસાર ગુરૂવારે સવારે પાકિસ્તાની સેનાએ બાલકોટ, બલનોઇ, અને દેવગાર સેકટરમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેની આડમાં આંથકીઓએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સીમા પર સતર્ક ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો.

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની પાંચ ચોકી તબાહ થઇ ગઇ અને પાક.ના કમસેકમ ત્રણ સૈનિક પણ મોતને ભેટયા હતા. તેમ છતાં પણ  પાક. સેનાએ ગોળીબાર બંધ ન કર્યો અને મોડી સાંજે પુંચના ખડી, કરમાડા શાહપુર કિરની, કસબા અને ગોતરિયા ક્ષેત્રમાં પણ ભારે ગોળીબાર શરૂ કર્યો, તેમાં ૩૦ વર્ષીય શાહીન અખ્તર અને ૮૦ વર્ષીય નૂરમહંમદ ઘાયલ થયા હતા. આ બંને ઘાયલોને જિલ્લા હોસિપટલ પુંચમાં ભરતી કરાયા છે.

(4:19 pm IST)