મુખ્ય સમાચાર
News of Friday, 11th October 2019

GSTની આવક ઘટતા સરકાર ચિંતાતુરઃ સમીક્ષા શરૂઃ રેટ-સ્લેબમાં થશે ફેરફાર

જીએસટીના અમલના બે વર્ષ બાદ સરકારે સમીક્ષા શરૂ કરીઃ સ્લેબ અને દરો ફરી વખત નક્કી કરવામાં આવે તેવી શકયતાઃ ૧૨ અધિકારીઓની એક સમિતી રચીઃ દિવાળી પહેલા આપશે રીપોર્ટઃ કેટલીક ચીજો ઉપર જીએસટીના દર વધારાશેઃ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અને ખાનગી કોલેજો-યુનિવર્સિટીને જીએસટીના દાયરામાં લવાય તેવી શકયતાઃ જીએસટીના લીકેજ બુરવા થશે કવાયત

નવી દિલ્હી, તા. ૧૧ :. જીએસટીથી આવક વધારવા સરકાર વિવિધ પ્રકારના ઉપાયો શોધી રહી છે. અધિકારીઓ આ બાબતે અભ્યાસ કરી રહ્યા છે કે જીએસટી બહાર રહેતી કેટલીક વસ્તુઓ અને સેવાઓને તેના દાયરામાં લઈ શકાય છે અથવા તો જેના પર ઓછા દરથી કર લાગી રહ્યો છે તેનો કર વધારી શકાય છે કે નહિ ? એવુ સમજાય છે કે ૦ થી ૫ ટકાના દાયરામાં રહેતી વસ્તુઓ અને સેવાઓ તથા ૫ થી ૧૨ ટકાના કરના દાયરાવાળી કેટલીક વસ્તુઓ પર કરનો દર વધારવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જીએસટી સંગ્રહમાં ઘટાડો જોતા આ દિશામાં ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યુ છે. સપ્ટેમ્બરમાં જીએસટીનો સંગ્રહ ૯૧૯૧૬ કરોડ રહ્યો જે ૧૯ માસના નીચલા સ્તર પર છે. સરકાર રેટ અને સ્લેબમાં ફેરફાર કરે તેવી શકયતા છે. જીએસટી લોન્ચીંગના બે વર્ષ બાદ સરકારે તેની સૌથી મોટી સમીક્ષા શરૂ કરી દીધી છે. લીકેજને રોકવા અને કલેકશનમાં વધારાના પ્રયાસો હેઠળ સરકારે રીવ્યુ શરૂ કરેલ છે. એક દેશ એક ટેકસની આ વ્યવસ્થાની સમીક્ષાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારોના ૧૨ અધિકારીઓની એક કમીટીને સોંપવામાં આવ્યુ છે.

નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ છે કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ કેટલીક ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અથવા ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તેવી સંભાવના છે. અત્યારે તેના પર જીએસટીમાં છૂટ આપવામાં આવી રહી છે.

જે સમીતી રચવામાં આવી છે તે સ્વૈચ્છીક પાલનમાં સુધારાના પગલા સહિત જીએસટી કાનૂનમાં સંશોધનની જરૂર અને કર ચોરી રોકવા માટે ડેટા વિશ્લેષણના ઉપાયો પર સૂચનો આપશે. સાથોસાથ સમિતીને કર આધાર વધારવાના ઉપાયોના સૂચન કરવા પણ જણાવાયુ છે. સમિતિ દિવાળી પહેલા જીએસટી પરિષદને પોતાનો પ્રારંભિક રીપોર્ટ સોંપશે.

માનવામાં આવે છે કે આ સમિતિ એ બાબત પર વિચાર કરશે કે આખરે કઈ રીતે જીએસટીના દુરૂપયોગને રોકી શકાય ? આ સિવાય એવા નિયમ બને કે લોકો સ્વેચ્છાએ જીએસટીમાં આવવા તૈયાર થાય. રેસ્ટોરન્ટ જેવા સેકટરના જીએસટીથી બચવા અને અન્ય લીકેજને રોકવા પણ પેનલ વિચાર કરશે. જીએસટી કલેકશનમાં છેલ્લા કેટલાક મહિનામાં ભારે ખામી જોવા મળી છે. પ્રથમ ૬ માસમાં કલેકશનનો ગ્રોથ ૫ ટકાથી ઓછો રહ્યો છે જ્યારે ટાર્ગેટ ૧૩ ટકાનો હતો. જો કે એવુ પણ મનાય છે કે મંદીના કારણે જીએસટીમાં ઘટ પડી છે.

આ સિવાય અધિકારીને રાજ્યોમાં જીએસટી યોગ્ય રીતે લાગુ થયાની પણ ચિંતા છે. વિપક્ષી સરકારોનું કહેવુ છે કે કલેકશનમાં ઘટનુ કારણ તેની ડીઝાઈનીંગમાં ખામી છે. સતત કર સંગ્રહ ઘટવાથી સરકારની ચિંતા વધી છે.

(1:25 pm IST)