મુખ્ય સમાચાર
News of Tuesday, 11th September 2018

...તો ૫૦માં ડીઝલ, ૫૫માં મળશે પેટ્રોલઃ ગડકરી

દુર્ગ તા. ૧૧ :  ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય પીડબલ્યુડી મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ ફેકટરી બનાવી રહી છે, જેની મદદથી ડીઝલ ૫૦ રૂપિયામાં અને પેટ્રોલ માત્ર ૫૫ રૂપિયામાં મળી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને પગલે મોદી સરકારની ભારે ટીકા થઈ રહી છે. સતત વધતા ભાવોને પગલે કોંગ્રેસે સોમવારે 'ભારત બંધ'નું એલાન પણ આપ્યું હતું.

 

છત્તીસગઢના દુર્ગમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગડકરીએ ક્રૂડની સમસ્યાના સ્થાયી ઉકેલની વાત કરતા કહ્યું કે, 'અમારૃં પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ બનાવવા માટે દેશમાં પાંચ પ્લાન્ટ લગાવી રહ્યું છે. લાકડાની વસ્તુઓ અને કચરામાંથી ઈથેનોલ બનાવાશે, જેનાથી ડીઝલ માત્ર ૫૦ રૂપિયા અને પેટ્રોલ ૫૫ રૂપિયામાં મળી શકશે.'

મોટા પ્રમાણમાં ક્રૂડ આયાત કરવા અંગે ગડકરીએ કહ્યું કે, 'આપણે લગભગ ૮ લાખ કરોડ રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ આયાત કરીએ છીએ. પેટ્રોલની કિંમતો વધી રહી છે. ડોલરની સરખામણીએ રૂપિયો ગગડી રહ્યો છે. હું છેલ્લા ૧૫ વર્ષોથી કહી રહ્યો છું કે, ખેડૂતો અને આદિવાસી બાયોફલૂઅલ બનાવી શકે છે, જેનાથી એરક્રાફટ ઉડાવી શકાય છે. અમારી નવી ટેકનિકના દમ પર ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઈથેનોલથી ગાડીઓ પણ ચલાવી શકાય છે.'(૨૧.૧૦)

(11:37 am IST)