મુખ્ય સમાચાર
News of Tuesday, 11th August 2020

બિહાર - ગુજરાતમાં ટેસ્ટીંગ વધારવાની જરૂર

કોરોનાગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની બેઠક : ૮૦ ટકા સક્રિય કેસ ૧૦ રાજ્યોમાં છે આ રાજ્યો કોરોનાને હરાવશે તો દેશ આ જંગ જીતી જશે : પીએમએ રાજ્યોને આપ્યો કોરોનાથી જીતવાનો મંત્ર : કોવિડ-૧૯ની ૭૨ કલાકમાં ઓળખ અને વધુને વધુ ટેસ્ટીંગ કરશું તો મહામારીને હરાવી શકાશે

નવી દિલ્હી તા. ૧૧ : પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા કોવિડ-૧૯થી સૌથી પ્રભાવિત ૧૦ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી પીએમે આ બેઠકમાં તે રાજ્યોને કોરોનાથી જીતવાનો મંત્ર આપ્યો. તેઓએ કહ્યું કે, જો ૧૦ રાજ્ય કોરોનાને હરાવી દેશે તો દેશ જીતી જશે. તેઓએ કહ્યું કે કોરોના કેસની ૭૨ કલાકમાં ઓળખ અને વધુને વધુ ટેસ્ટીંગ દ્વારા બીમારીને હરાવી શકીએ છીએ. પીએમની સાથે બેઠકમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પ.બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને યુપીના સીએમ સામેલ થયા છે.

કોરોના સંકટ લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે. મહામારી  પોતાનું રૂપ બદલી રહ્યું છે અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, બિહાર , ગુજરાત  અને તેલંગાના  જેવા રાજયોમાં ટેસ્ટિંગને વધારવાની જરૂર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એકસપર્ટ્સ પણ એ વાતને સામે રજૂ કરી રહ્યા છે કે જો ૭૨ કલાકમાં કેસની ઓખળ થઈ જાય છે તો જીવ બચાવી શકાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સતત મળવું જરૂરી છે. કારણ કે મહામારીમાં સમય પસાર થતાં નવી વાતોની જાણ થઇ રહી છે. હવે હોસ્પિટલો પર દબાણ, સ્વાસ્થ્યકર્મીઓ પર દબાણ, સામાન્ય લોકો પર દબાણ ઊભુ થઈ રહ્યું છે. દરેક રાજય પોતપોતાના સ્તરે મહામારીની વિરુદ્ઘ લડાઈ લડી રહ્યા છે, કેન્દ્ર અને રાજય સરકારો આજે ટીમ બનીને કામ કરી રહી છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, હવે આ ૭૨ કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યકિત કોરોના પોઝિટિવ હશે તેના ૭૨ કલાકમાં તમામ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યૂપીમાં સ્થિતિ ડરાવનારી હતી, પરંતુ હવે ટેસ્ટિંગ વધ્યા બાદ સ્થિતિ સુધરી છે.

આ બેઠકમાં કોરોનાથી પ્રભાવિત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાના અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થયા. બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત રાજયોના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવો પણ હાજર છે. મુખ્યમંત્રી પોતપોતાના રાજયોમાં કોરોના વાયરસની સ્થિતિની જાણકારી આપી.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાન ઉપરાંત કેબિનેટ સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પણ બેઠકમાં સામેલ થયા. પીએમ મોદી કોરોના પ્રભાવિત રાજય પર સતત નજર રાખી રહ્યા છે. આ પહેલા પણ તેઓ અનેકવાર રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી ચૂકયા છે.

(3:12 pm IST)