મુખ્ય સમાચાર
News of Sunday, 11th August 2019

તાન્ઝાનિયા : ટેન્કર ઉધી વળી ગયા બાદ બ્લાસ્ટ : ૬૨ મોત

બ્લાસ્ટમાં ૭૦થી વધુ લોકો દાઝી પણ ગયા : ઉપસ્થિત પૈકી કોઈ સિગારેટ પી રહ્યો હતો જેથી તેલ પર સિગારેટ પડતા પ્રચંડ બ્લાસ્ટ : હાલની વિનાશકારી ઘટના

મોરોગારો, તા.૧૦ : પૂર્વી આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં ખુબ જ કમકમાટીભરી ઘટના સપાટી પર આવી છે. જ્યાં તેલ ટેન્કર ઉધી વળી ગયા બાદ પ્રચંડ બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ૬૨ લોકોના મોત થયા છે. ૭૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના આર્થિક પાટનગર દાર એ સલામમાં થઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ ઘટના મોરોગારો શહેરમાં થઈ હતી. ટેન્કર ઉધી વળી ગયા બાદ લીક થયેલા તેલને એકત્રિત કરવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ ગાળામાં ત્યાં ઉપસ્થિત લોકો પૈકી કોઈ એકે સિગારેટ પીધી હતી. જેથી સિગારેટ પડી જતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, તેલ ટેન્કર ઉધી વળી ગયા બાદ તેલ લેવા માટે લોકો દોડી પડ્યા હતા. જે પૈકી કોઈના સિગારેટના કારણે આ બ્લાસ્ટ થયો હતો. ઘાયલો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બ્લાસ્ટ થતા વિનાશકારી આગ ફાટી નીકળી હતી અને ત્યાં રહેલા લોકો પૈકી અનેકના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટની હદમાં આવેલા અનેક વાહનો પણ નાશ પામ્યા હતા. જેમાં બાઈકો, ટેક્સી અને વૃક્ષોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકોમાં ટેક્સી ચાલકો અને સ્થાનિક નિવાસી હતા. જે ટેન્કર ઉધી વળી ગયા બાદ લીક થઈ રહેલા તેલને મેળવવા માટે પડાપડી કરવા પહોંચ્યા હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. તાન્ઝાનિયામાં હાલના સમયની સૌથી વિનાશકારી ઘટના રહી છે.  ઈજાગ્રસ્તોને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(12:00 am IST)