મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ચીનમાં ૧૦ લાખ ઉઈગર મુસ્લિમોને કેદમાં રખાયા

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં દાવો કરાતા ચકચારઃ ધાર્મિક કટ્ટરવાદનો સામનો કરવા ચીનનું આક્રમક પગલું

જિનેવા, તા.૧૧ : સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પેનલના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ગુપ્ત છાવણીઓમાં ૧૦ લાખ જેટલા ઉઇગર મુસ્લિમોને કેદમાં પકડી રાખ્યા છે. માનવ અધિકાર પેનલે સિનજિયાન પ્રાંતમાં સામુહિક કસ્ટડીમાં આ મુસ્લિમોને પકડી રાખ્યા છે. આને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એક અંગ્રેજી અગ્રણી અખબારના અહેવાલમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વંશિય ભેદભાવ નિરાકરણ સાથે સંબંધિત સમિતિના સભ્ય મેકડોગલ દ્વારા આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. ચીનની નીતિઓના બે દિવસીય રિવ્યૂના ગાળા દરમિયાન કમિટીના સભ્યએ કહ્યું છે કે સ્વાયત્ત ક્ષેત્રને એક વિશાળ નજરબંધી છાવણીમાં ફેરવીને ચીને લાખો મુસ્લિમોને પકડી રાખ્યા છે. અહીં કોઈપણ પ્રકારના નિયમો પાળવામાં આવી રહ્યા નથી. ધાર્મિક ઉગ્રવાદનો સામનો કરવા માટે ચીને આ પગલાં લીધા છે. મેકડોગલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે માત્ર પોતાની વંશિય ધાર્મિક ઓળખના પરિણામ સ્વરૂપે ઉઈગર સમુદાયની સાથે ચીનમાં દુશ્મન જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેઓએ તમામ મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે વિદેશથી સિનજિયાન પ્રાંતમાં પરત ફેરનાર સેંકડો વિદ્યાર્થીઓ લાપત્તા થઈ ગયા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનેક હજુ કસ્ટડીમાં છે. કેટલાક કસ્ટડીમાં મરી પણ ચુક્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પર આધારિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા ચીન તરફથી કરવામાં આવી નથી. સિનજિયાન પ્રાંતમાં ઉઈગર મુસ્લિમ સમુદાય બહુમતીમાં છે. આ વિસ્તારમાં હંમેશા રક્તપાતનો દોર થતો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠને દરમિયાનગીરી કરવા માટે વારંવાર રજુઆતો પણ કરી છે. ચીનની ટીકા ટિપ્પણી પણ થઈ છે.

(10:03 pm IST)