મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

મુંબઇ-અમદાવાદ ઉપરાંત વધુ છ શહેરોને બુલેટ ટ્રેનનો લાભ મળશે

એ માટે સરકાર ફ્રાન્સ, સ્પેન, ચીન, જપાન અને જર્મનીની સહાય કદાચ મળશે

નવી દિલ્હી, તા. ૧૧ મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ચાલવામાં હજી થોડો સમય લાગશે, પણ આ દરમ્યાન સરકારે વધુ કેટલાક શહેરોને બુલેટ નેટવર્ક સાથે જોડવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. લોકસભામાં જાણકારી આપતા સરકારે જણાવ્યું હતું કે બુલેટ ચલાવવા માટે છ રૂટ નક્કી કરવામાં આવ્યા છે તથા એ માટે ફિઝિબિલીટી રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં પ્રશ્નનો ઉત્તર આપતા સરકારે જણાવ્યું કે દેશના મુખ્ય ચાર શહેરો દિલ્હી, ચેન્નાઇ, મુંબઇ અને કલકત્તાને ડાયમન્ડ ચતુર્ભુજ નેટવર્કના માધ્યમથી આવશે. સરકાર દ્વારા દિલ્હી-મુંબઇ, દિલ્હી-કલકત્તા (વાયા લખનઉ), મુંબઇ-ચેન્નાઇ, દિલ્હી-ચેન્નઇ (વાયા નાગપુર), મુંબઇ-કલકત્તા (વાયા નાગપુર) અને ચેન્નઇ -બેન્ગલોર (વાયા મૈસૂર) સર્વે કરાવવામાં આવી રહ્યો છે. આ રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકાર ફ્રાન્સ, સ્પેન, ચીન, જપાન અને જર્મનીની સહાય મેળવી શકે છે.

આ છ રૂટ મુંબઇ-અમદાવાદ પ્રોજેકટથી જુદા છે. સરકાર જણાવે છે કે મુંબઇ-અમદાવાદ રૂટ પર ર૦રર સુધીમાં બુલેટ ટ્રેન દોડવા લાગશે. આ પ્રોજેકટમાં ભારતને જપાન મદદ કરી રહ્યું છે. હાલમાં મુંબઇ-અમદાવાદ વચ્ચેની સાત કલાકની સફર બુલેટ ટ્રેન શરૂ થયા બાદ માત્ર બે કલાકમાં પૂરી થઇ શકશે.

આ પ્રોજેકટ માટે જપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી તરફથી ૦.૧ ટકાના દરે પ૦ વર્ષ માટે ૮૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. જપાને આ લોન માટે ૧પ વર્ષનો સમય આપ્યો છે. ત્યાર બાદ આ લોનની પરત ચુકવણી કરાશે. એક અંદાજ મુજબ મુંબઇ-અમદાવાદ બુલેટ પ્રોજેકટ પર ૧૭ અબજ ડોલરનો ખર્ચ થશે.(૮.૬) 

(11:35 am IST)