મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

મોદી સરકાર ૧થી ૧૮ વર્ષની છોકરીઓને ૧૦ હજારનો ચેક આપી રહી છે?

સુકન્યા યોજનાનો મેસેજ વાઇરલ

નવી દિલ્હી તા. ૧૧ : વોટ્સએપ પર એક ફોટો સાથે મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં સાથે પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો છે જેના પર લખ્યું છે કે પીએમ મોદીની સુકન્યા યોજના મુજબ ૧ થી ૧૮ વર્ષની તમામ દીકરીઓને ૧૦ હજારનો ચેક આપવામાં આવી રહ્યો છે.

વાઈરલ મેસેજમાં પીએમ મોદીનો ફોટો, રજિસ્ટ્રેશન લિંક અને URLમાં gov.in લખેલું જોવા મળી રહ્યું છે. આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ફેકટ ચેકર વેબસાઈટ www.smhoaxslayer. com આ વાઈરલ મેસેજની તપાસ કરી તો પરિણામ કંઈક અલગ જ સામે આવ્યા.

વાઈરલ મેસેજમાં પીએમ મોદીનો એક ફોટોગ્રાફ છે, જેના પર ત્રણ મેસેજ લખેલા છે. પહેલો 'બેટી બચાવો , બેટી પઢાવો'અને બીજો 'પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ઘિ યોજના'. આ ઉપરાંત ત્રીજા મેસેજમાં લખેલું છે કે, 'પ્રધાનમંત્રી દ્વારા ૧ થી ૧૮ વર્ષની દીકરીઓને નિઃશુલ્ક ૧૦ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવી રહ્યો છે. દીકરીઓના ભવિષ્ય માટે આ યોજનાને ચાલું કરવામાં આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ ૧૫ ઓગસ્ટ છે તો જલદી કરો અને આ મેસેજને તમારા મિત્રોને મોકલો કે જેથી તેમને આ યોજનાનો લાભ મળી શકે.'

વાઈરલ મેસેજની તપાસ કરવામાં આવી તો તે લિંક પર કિલક કરતા તેમાંથી એક વેબસાઈટનું પેજ ખુલે છે. જેમાં કેટલીક માહિતી માંગવામાં આવી છે. જેમ કે 'કન્યાનું નામ', 'અરજદારનું નામ', 'ઉંમર', 'રાજય'ની માહિતી માંગવામાં આવી છે. મહત્વની બાબતએ છે કે આ માહિતી સિવાય ના તો એડ્રેસ, ના મોબાઈલ નંબર, કે ઈમેઈલ એડ્રેસ પણ માંગવામાં આવ્યું નથી. તો સવાલ એ ઉઠે છે કે આ યોજનાનો લાભ તમારી સુધી કેવી રીતે પહોંચશે.(૨૧.૩)

(10:28 am IST)