મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

હવે ઇલેકટ્રીક વ્હીકલ્સનું મેન્યુફેકચરીંગ હબ બનશે ગુજરાત!

મોટર ટાઉન તરીકે ઓળખાતા સાણંદમાં ઇલેકટ્રીક વાહનો મેન્યુફેકચર કરવા માટે ટાટા મોટર્સ લિમિટેડએ ૧૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મુકયો

અમદાવાદ તા. ૧૧ : મોટર ટાઉન તરીકે ઓળખાતા સાણંદમાં ઈલેકિટ્રક વાહનો મેન્યુફેકચર કરવા માટે ટાટા મોટર્સ લિમિટેડએ ૧૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મુકયો છે. કંપનીના અધિકારીઓએ તાજેતરમાં જ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ઈલેકિટ્રક વ્હીકલ્સ પ્રોજેકટ માટેનો પ્રસ્તાવ સોંપ્યો હતો.

કંપની સાણંદમાં આવેલા પોતાના યૂનિટનો વિસ્તાર કરશે કે પછી નવું યુનિટ સ્થાપિત કરશે તે હજી નક્કી નથી. આ બાબતની જાણકારી ધરાવનારા રાજય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, ઘણી કંપનીઓએ ગુજરાતમાં ઈલેકિટ્રક વાહનોના પ્રોજેકટ્સ માટે રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. પરંતુ ટાટા મોટર્સ પહેલી કંપની છે જેણે લગભગ ૧૬૦૦થી ૨૦૦૦ કરોડ સુધીનો સત્ત્।ાવાર પ્રસ્તાવ સોંપ્યો છે.

ટાટા મોટર્સના પ્રવકતાએ કહ્યું કે, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટના ભાગરુપે અમે સરકાર અને રેગ્યુલેટરી બોડી સાથે સતત સંપર્કમાં છીએ. અમે સાણંદમાં Tigor EVs(Electric vehicles) મેન્યુફેકચર કરી રહ્યા છીએ અને અમે વર્તમાનના ઓપરેશન્સ ચાલુ જ રાખીશું. આ સિવાય મેન્યુફેકચરિંગ ફેસિલિટી/ઈન્વેસ્ટમેન્ટને આગળ લઈ જઈશું.

ગુજરાત સરકારના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સરકાર ચર્ચા-વિચારણા કરીને આ પ્રોજેકટ વિષે નિર્ણય લેશે. નેનો પ્રોજેકટ અને આ નવો પ્રોજેકટની પ્રોડકટ અલગ છે. માટે કંપની સાણંદના પોતાના વર્તમાન યુનિટનો ઉપયોગ કરે તો પણ તેને ફ્રેશ પ્રોજેકટ તરીકે ગણવામાં આવશે.

સાણંદ પ્લાન્ટમાં Tigor મોડલના ૫૦૦૦ ઈલેકિટ્રક વાહનો તૈયાર કરવાનો ટાટાનો પ્લાન છે. આમાંથી માર્ચ ૨૦૧૮માં લગભગ ૨૫૦ વાહનો મેન્યુફેકચર થઈને લોન્ચ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈલેકિટ્રક વાહનોના ઉત્પાદન માટે ગુજરાત હબ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. JSW એનર્જી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે તે ગુજરાતમાં ઈલેકિટ્રક કારના પ્લાન્ટની સ્થાપના કરશે.

એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, સુઝુકી મોટર્સ પણ રાજયમાં ઈલેકિટ્રક કાર્સનું પ્રોડકશન કરવાનો વિચાર કરી રહી છે. અને સાથે બેટરી પ્લાન્ટનો પણ તેમનો વિચાર છે. અમુક જાપાનની અને ચીનની કંપનીઓએ પણ રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ ઈલેકિટ્રક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે અને તેના માટે પોલિસી પણ તૈયાર કરી રહી છે.(૨૧.૯)

(10:27 am IST)