મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ચીન તરફ ઝુકયુ માલદીવ

માલદીવે ભારતને ફરી આપ્યો ઝટકો, કહ્યું - તમારા સૈનિક અને હેલિકોપ્ટર પાછા લઇ જાઓ

માલદીવ ભારતથી ૪૦૦ કિમી દૂર દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી વ્યાપારના રસ્તા પર પડે છે

નવી દિલ્હી તા. ૧૧ : માલદીવે ભારતને પોતાની જમીન પર ફરજ બજાવી રહેલા સેન્ય હેલિકોપ્ટર અને જવાનોને પાછા બોલાવી લેવાનું કહ્યું છે. માલદીવના રાજદૂતે કહ્યું કે, બંને દેશો વચ્ચે જૂનમાં કરાર પૂરો થઈ ગયો છે. હાલના દિવસોમાં બંને દેશ વચ્ચે સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. ચીનની માલદીવમાં દખલ અંદાજી વધી છે, અને અબ્દુલ્લા યામીનની સરકાર પૂરી રીતે ચીનની તરફેણમાં છે. અહીં ચીને ઘણા પૈસા લગાવ્યા છે. તે રોડ-રસ્તા, પુલ અને એરપોર્ટ બનાવવા પર ઝડપી કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, કેટલાએ વર્ષોથી ભારત અને માલદીવ વચ્ચે સારા સંબંધો રહ્યા છે. ભારતે હિંદ મહાસાગરમાં વસેલા આ નાના દેશની સૈન્ય અને આર્થિક રીતે ઘણી મદદ કરી છે.

માલદીવના ભારતમાં રહેલા રાજદૂત અહમદ મોહમ્મદે રોયટર્સને કહ્યું કે, ભારતે જે બે હેલિકોપ્ટર આપ્યા હતા, તે મેડિકલ ઈમરજન્સીમાં કામ આવી રહ્યા હતા, પરંતુ હવે માલદીવે પર્યાપ્ત  સ્ત્રોત બનાવી લીધા છે. હવે આ હેલિકોપ્ટરની અમારે કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે, તે પહેલા ખુબ ઉપયોગી હતા, પરંતુ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર, સુવિધા અને અન્ય જરૂરિયાતના પગલે હવે અમે મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા સક્ષમ છીએ.

હેલિકોપ્ટર સિવાય ભારતે ૫૦ જેટલા જવાન પણ માલદીવમાં ફરજ પર મુકેલા છે. તેમાં પાયલટ અને મેન્ટેનન્સ ક્રૂ મેમ્બર પણ શામેલ છે, અને તેમના વિઝા પણ પૂરા થઈ ગયા છે. પરંતુ ભારતે તેમને પાછા બોલાવ્યા નથી. ભારતીય નૌસેનાના પ્રવકતાએ કહ્યું કે, અમે હજુ પણ ત્યાં છીએ અને અમારા બે હેલિકોપ્ટર પણ ત્યાં છે. મોહમ્મદે જણાવ્યું કે, બંને દેશ હજુ પણ દર મહિને માલદીવના આર્થિક વિસ્તારનો પ્રવાસ કરે છે.

માલદીવ ભારતથી ૪૦૦ કિમી દૂર દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્દી વ્યાપારના રસ્તા પર પડે છે.

માલદીવમાં છેલ્લા કેટલાક મહિનામાં રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. વર્તમાન રાષ્ટ્રપતિ યામીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દૂલ ગયૂમ અને સુપ્રીમ કોર્ટના જજને કેદ કરીને રાખ્યા છે. ગયૂમ ભારતનો સાથ ઈચ્છે છે, જયારે યામીન ચીન અને પાકિસ્તાનનો સાથ પસંદ કરે છે. જયારે ગયૂમ રાષ્ટ્રપતિ હતા, તે સમયે ભારતે માલદીવની ઘણી મદદ કરી હતી. ૧૯૮૮માં સૈન્ય તા પલટ સમયે પણ ભારતે ગયૂમને બચાવ્યા હતા.

આ બાજુ ચીને ૨૦૧૧માં માલદીવમાં પોતાનું દૂતાવાસ ખોલ્યું હતું, પરંતુ ત્યારબાદ તેણે પોતાની પકડ મજબૂત કરી છે. ભારતે હિંદ મહાસાગરમાં પોતાની પકડ મજબૂત બનાવી રાખવા માટે માલદીવ, મોરેશિયસ અને સેશેલ્સને હેલિકોપ્ટર, સમુદ્રી સરહદની દેખરેખ રાખવા બોટ આપવાની સાથે ઉપગ્રહની મદદ પણ આપી છે. પરંતુ અત્યારના સમયમાં ચીને બંદરગાહ બનાવવા માટે અને લોન દ્વારા આ દેશોમાં પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. માલદીવે પોતાના કેટલાક આઈલેન્ડકાસ કરવાનું ચીનને સોપ્યું છે. તેણે રાજધાની માલેમાં એરપોર્ટની મરમ્મતનું કામ ભારતની જીએમઆર કંપની પાસેથી છીનવી ચીનને સોંપી દીધુ હતું.(૨૧.૮)

(10:25 am IST)