મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

GST : ટર્નઓવરના આધારે HSN કોડ લખવાનો નિયમ માત્ર કાગળ પર

૫ કરોડથી ઓછા ટર્નઓવરમાં ચાર આંકડાનો કોડ લખવાનો હતો : પોર્ટલ પર સુવિધાજ નહીં શરૂ કરાતા તમામે છ આંકડાનો જ કોડ લખવાની સ્થિતી

નવી દિલ્હી,તા. ૧૧ : બીલ બનાવતી વખતે ટર્ન ઓવરના આધારે એચએસએન કોડ લખવાનો નિયમ બનાવવામાં આવ્યા બાદ તેનુ જ પાલન કરવામાં આવતુ નહીં હોવાના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે.

જીએસટીમાં ટર્ન ઓવરના આધારે બિલ બનાવતી વખતે ફરજીયાત એચએસએન કોડ લખવાનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમાં પાંચ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનાર વેપારીએ બિલ બનાવતી વખતે ચાર આંકડાનો કોડ લખવાનો હતો. જયારે પાંચ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનાર વેપારીએ છ આંકડાનો કોડ લખવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો.જોકે આ માટે એચએસએન કોડ પણ પુરતા પ્રમાણમાં જાહેર કરવામાં આવ્યા નહીં હોવાના કારણે વિદેશમાં જે કોડના આધારે માલ મોકલવામાં આવતા હતા તે કોડ લખવાનો રહેતો હતો. તેના કારણે વેપારીઓએ સૌથી પહેલા તો કોડ શોધવાની મોકાણ સર્જાઇ હતી.

પરંતુ જયારે રીટર્ન ભરતી વખતે પાંચ કરોડથી ઓછુ ટર્ત ઓવર ધરાવનારે પણ હવેથી છ આંકડાનો જ કોડ લખવા પડી રહ્યા છે. કારણ કે પોર્ટલ પર પાંચ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનાર માટે સુવિધા જ કાર્યરત કરવામાં આવી નથી. તેના લીધે વેપારીઓની સ્થિતી કફોડી બની છે. કારણ કે બિલ બનાવતી વખતે ચાર આંકડાનો કોડ લખીને બિલ આપવામાં આવ્યા હતા. જયારે રીટર્નમાં તેને દર્શાવવામાં આવે તો ચાર આંકડાનો એચએસએન કોડ જ લેવામાં આવતો નથી તેના લીધે સમસ્યા સર્જાઇ છે.

સરળીકરણની વાતો હજી પણ પોથીમાંના રીંગણા જેવી

અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી લાગુ કરવામાં આવ્યુ ત્યારે સરળીકરણની વાતો કરવામાં આવતી હતી પરંતુ મોટાભાગના કિસ્સામાં જીએસટી આવ્યા બાદ દર થોડા દિવસે કરવામાં આવતા સુધારાના કારણે વેપારીઓ. સીએ તથા ટેકસ કન્સલટન્ટનો એક નિયમ હજુ સમજયા હોય ત્યાં બીજો નિયમ લાવી દેવામાં આવતો હોય છે. તેના લીધે સરળીકરણની વાતો હાલ તો જીએસટીમાં અભરાઇએ ચડાવી દેવામાં આવી હોવાનુ ચર્ચા થઇ રહી છે.

(10:30 am IST)