મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

પ.બંગાળમાં BJP-RSSના કાર્યકરોની લાશ ઝાડ પર લટકેલી જોવા મળી

બંગાળમાં રાજકીય હિંસા બંધ થવાનું નામ લેતી નથીઃ ટીએમસીએ તમામ આરોપોને નકાયો : બંગાળના ૨૪ પરગણા જિલ્લામાં બોમ્બ વિસ્ફોટઃ ૨ના મોત ૪ને ઇજા

કલકતા, તા.૧૧: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા બંધ થવાનું નામ લેતી નથી. ભાજપ એક બાજુ હિંસાનો આરોપ ટીએમસી પર લગાવી રહ્યો છે તો પશ્યિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી આ તમામ આરોપોને બેબુનિયાદ ગણાવી રહ્યાં છે. આ ઉપરાંત રાજયના કાનકિનારા વિસ્તારમાં સોમવારે રાત્રે વિસ્ફોટ થયો હતો જેમાં બે લોકોનાં મોત થયાં હતાં અને ચાર ઘાયલ થયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે મોડી રાત્રે કેટલાક લોકોએ દેશી બોમ્બ ફેંકયો હતો અને વિસ્તારમાં લૂંટફાટ પણ ચલાવવામાં આવી હતી. લોકોએ પ્રશાસન પાસે મદદ માગી છે. દરમિયાન હાવરાના આમટા સ્થિત સરપોટા ગામમાં ભાજપ કાર્યકર સમાતુલ દોલુઇની લાશ ઝાડ પર લટકતી મળતાં હડકંપ મચી ગયો હતો.

દોલુઇના પરિવાર અને ભાજપના નેતાઓએઙ્ગઆ ઘટના પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે. દોલુઇની લાશને પીએમ માટે જયારે મોકલવામાં આવી રહી હતી ત્યારે કેટલાક તોફાનીઓ તેમની લાશને છીનવી લેવાની પણ કોશિશ કરી હતી. આ દરમિયાન ગ્રામીણોએ દેખાવો પણ કર્યા હતા. તંગદિલીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરએએફ તહેનાત કરવામાં આવી છે.

હાવરા ભાજપના અધ્યક્ષ અનુપમ મુલિકે જણાવ્યું હતું કે દોલુઇ ભાજપના ઙ્ગસક્રિય કાર્યકર હતા અને તેમને જયશ્રીરામ રેલીમાં સામેલ થવા બાબતે જાનથી મારી નાખવાની સતત ધમકીઓ મળી રહી હતી. તૃણમૂલના લોકોએ તેમના ઘરમાં પણ તોડફોડ કરી હતી. આ અગાઉ રવિવારે આરએસએસના કાર્યકર સ્વદેશ મન્નાની લાશ પણ અતચટ્ટા ગામમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. મન્નાએ પણ થોડા દિવસ પૂર્વે સ્થાનિક સ્તરે જયશ્રીરામ રેલી કાઢી હતી.

(4:07 pm IST)