મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનશે એ કે એન્ટની

વર્કિગ કમિટીના સભ્યોમાં સહમતી સધાશેતો નિર્ણય લેવાશે

નવીદિલ્હી, તા.૧૧: કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પક્ષના અધ્યક્ષપદે ચાલુ રહેવા માગતા નથી અને તેમણે કોંગ્રેસ પક્ષને પોતાનો વિકલ્પ શોધવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું છે કે નવા અધ્યક્ષ કોઇ નોન ગાંધી જ હોવા જોઇએ. પરિણામે કોંગ્રેસ પક્ષે નવા અધ્યક્ષ શોધવાની કવાયત શરૂ કરી દીધી છે.

આ સંજોગોમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કોંંગ્રસ પક્ષ વચગાળાના અધ્યક્ષ તરીકે એ.કે.એન્ટનીના નામ પર સક્રિય વિચારણા કરી રહી છે. જોકે પક્ષમાં હજુ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને વર્કિંગ કમિટીના સભ્યોમાં સહમતી સધાશે તો એ.કે.એન્ટની કોંગ્રેસના ઇન્ટરિમ (વચગાળા)ના અધ્યક્ષ બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારમાં એ.કે.એન્ટની સંરક્ષણ પ્રધાન તરીકે રહી ચૂકયા છે. પક્ષમાં એવો વિચાર ઊભરી રહ્યો છે કે કોંગ્રેસે પોતાના ઇન્ટરિમ અધ્યક્ષ તરીકે એક એવા વરિષ્ઠ નેતાની પસંદગી કરવી પડશે જે સામૂહિક નિર્ણય લેવા માટે નેતાઓની એક કોલેજિયમનું નેતૃત્વ સંભાળી શકે. પક્ષમાં એ.કે.એન્ટનીની પ્રતિભા દ્યણી સારી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્ટરિમ અધ્યક્ષ તરીકે તેમના નામ પર મંજૂરીની મહોર લાગી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષના નેતા બનવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહે લોકસભામાં કોંગ્રેસના નેતા કોણ હશે તેની પણ વિધિવત જાહેરાત થઇ જશે. કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપવા માટે મક્કમ રહ્યા બાદ હવે ઇન્ટરિમ અધ્યક્ષ અને તેમની સહાયતા માટે કોલેજિયમની રચના કરવા માટે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

(4:02 pm IST)