મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

જાકીર નાઈકને ભારતને ન સોંપવાનો અમને અધિકાર

મલેશિયન વડાપ્રધાન મહાતીરે નિવેદન આપતા પ્રત્યાર્પણ પ્રયાસ નબળા પડી શકે છે

કુઆલાલંપુર : વિવાદિત ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇકના મામલે મલેશિયા દ્વારા એક મોટુ નિવેદન આપવામાં આવ્યુ છે. મની લોંડરીંગના આરોપી જાકિર નાઇક હાલ મલેશિયામાં છે. જેના પ્રત્યાર્પણ માટે ઇડી પ્રયાસ કરી રહી છે. ત્યારે મલેશિયા કહે છે કે જાકિર નાઇકના પ્રત્યાર્પણ ન કરવાનો અધિકાર તેમની પાસે છે.

મલેશિયાના પ્રધાનમંત્રી ડો. મહાતિર મોહમ્મદે સોમવારે આપેલા નિવેદનમાં કહ્યુ છે કે જો જાકિર નાયકને ન્યાય ન મળે તો જાકિર નાઇક ભારતને ન સોંપવાનો અમારી પાસે અધિકાર છે. ઉપરાંત તેમણે કહ્યુ કે જાકિર નાઇકનું કહેવું છે કે ભારતની અદાલતમાં તેની સાથે નિષ્પક્ષ કાર્યવાહી નહીં થાય.

રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા જાકિર નાઇક વિરુદ્ઘ મની લોન્ડરીંગનો કેસ દાખલ કરાયો છે. ઇડી દ્વારા આ કેસની તપાસ શરૂ છે. ઇડીએ જાકિરને ભાગેડુ જાહેર કરીને તેના વિરૂદ્ઘ મુંબઇની અદાલતમાં અરજી પણ દાખલ કરી છે.

આ મામલામાં ૧૯ જુનના રોજ સુનાવણી થવાની છે. જો અદાલત પણ તેને ભાગેડુ જાહેર કરે છે તો તેની વિરૂદ્ઘ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવશે. એક મહિના પહેલા ઇડી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે જાકિર નાઇક અને તેના ટ્રસ્ટને દાનના રૂપમાં બેનામી ફંડ મળ્યુ છે.

(3:40 pm IST)