મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

રિટર્નમાં વિલંબ થાય તો ગ્રોસ આવક પર વ્યાજ ભરવાની નોટિસથી હાલાકી

GST કાઉન્સિલે નેટ આવક પર જ વ્યાજનો નિર્ણય લીધો છતાં નોટિફિકેશન નહીં : અધિકારીઓના મનસ્વી અને અવ્યવહારૂ અર્થઘટનથી વેપારીઓ પરેશાન

મુંબઇ તા. ૧૧: ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ હેઠળ જે વેપારીઓએ સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ ન કર્યા હોય તેવા વેપારીઓને ગ્રોસ (ફુલ) આવક પર વ્યાજ ભરવા નોટિસો અપાતાં વેપારીઓ પરેશાન થઇ ગયા છે. ટેકનીકલ કે અન્ય કારણોસર GST માં રિટર્ન ફાઇલિંગમાં મોડું થયું કરનાર વેપારીને ચોખ્ખી (નેટ) રકમ પર વ્યાજ લઇ શકાય તેછો GST કાઉન્સિલે નિર્ણય કર્યો છે. પરંતુ આ અંગે નોટિફીકેશન જારી કર્યું ન હોવાથી અધિકારીઓ મનસ્વી અને અવ્યવહારૂ અર્થઘટન કરીને કુલ આવક પર વ્યાજ ભરપાઇ કરવા ઓર્ડરો કરતા હોવાથી વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. કાયદામાં વ્યાજની ગણતરી 'નેટ' ચોખ્ખી આવક પર જ કરવાની જોગવાઇ છે. 'વેટ' કાયદામાં પણ વેપારીને વેચાણ મારફતે થયેલી કુલ આવકમાંથી તેણે કરેલી ખરીદી અને ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી ચોખ્ખી' રકમ પર વ્યાજ લાગુ કરાતું હતું. GST માં જે વેપારીઓએ નિયત સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ ન કર્યું હોય તેમને કુલ (GROSS) રકમ પર વ્યાજ ચૂકવવા નોટિસ અપાઇ છે. GST કાયદામાં GROSS LIABILITY પર વ્યાજ વસુલ કરવા અંગે જોગવાઇ નથી. GST કાઉન્સિલે આ પ્રકારે કોઇ કારણસર રિટર્ન ફાઇલિંગમાં વિલંબ થયો હોય તો ચોખ્ખી રકમ પર વ્યાજની ગણતરી કરવા નિર્ણય કર્યો હતો. જોકે, આ અંગે નોટિફીકેશન જારી કરાયું ન હોવાથી GST અધિકારીઓ મોડું રિટર્ન ફાઇલ કરનાર વેપારીઓને કુલ રકમ પર વ્યાજ ભરવા ઓર્ડર કરે છે. આ પ્રકારના ઓર્ડરોને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા છતાં તેઓ 'સરકારી' જવાબ આપે છે કે, GST કાઉન્સિલે નોટિફીકેશન જારી કર્યું ન હોવાથી અમલ થઇ શકે નહીં. આમ, મોડું રિટર્ન ફાઇલ કરવા બદલ કુલ આવકપર વ્યાજ વસુલવા અંગે GST અધિકારીઓના અવ્યવહારૂ અભિગમને કારણે વેપારીઓને કનડગત થઇ રહી છે. આમ, આ મુદે જીએસટી ડીપાર્ટમેન્ટ દ્વારા વ્યવહારૂ અભિગમ અપનાવવામાં આવે તેવી વેપારીઓ અને ટેકસ પ્રેકટીશનર્સની માંગણી છે.

(3:39 pm IST)