મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

વીરલ-મિલિન્‍દે શબ્‍દોની સુગંધ પ્રસરાવી માહોલ મહેકાવ્‍યો

સ્‍વ-સંબંધ-સમયના મેનેજમેન્‍ટ વિષય પર શેરો-શાયરીનો વરસાદ : ‘લાઇફ-મંત્ર' જિંદગીનું ગીત ગાવાનો કાર્યક્રમઃ નકકી સમય ઘાવ કરતો હશે, ઘડિયાળને બધાં પૂછે છે...કેટલા વાગ્‍યા?

રાજકોટ તા. ૧૦: શબ્‍દોને શણગારી શકાય છે, શબ્‍દોને સુગંધિત બનાવી શકાય છે, શબ્‍દોમાં સ્‍વાદ મૂકી શકાય છે.. શણગારેલા-સુગંધિત-સ્‍વાદિષ્‍ટ શબ્‍દો વીરલ રાચ્‍છ અને મિલિન્‍દ ગઢવીએ અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સના ગુજરાતી કાર્યક્રમમાં પીરસ્‍યા હતા.

ગુજરાતી અંતર્ગત લાઇફ-મંત્ર થીમ પર પૂ. રમેશભાઇ ઓઝા, સાંઇરામ દવે અને નેહલ ગઢવીના વકતવ્‍યો યોજાયા હતા. અનુક્રમે સ્‍વ-સંબંધ અને સમયના મેનેજમેન્‍ટ વિષયો પર વકતાઓએ જ્ઞાન વહાવ્‍યું હતું.

આ અનોખા કાર્યક્રમનું અનોખું સંચાલન શબ્‍દોના સાધક-વીરલ રાચ્‍છ અને મિલિન્‍દ ગઢવીએ કર્યું હતું. શબ્‍દોમાં સુગંધ પૂરીને બંને સંચાલકોને માહોલ મહેકતો કર્યો હતો. શેરો-શાયરીની રમઝટ બોલાવીને શબ્‍દોના નૃત્‍યમાં શ્રોતાઓને ડોલાવ્‍યા હતા.

‘‘નકકી સમય ઘાવ કરતો હશે, બધાં ઘડિયાળને પૂછે છે, કેટલા વાગ્‍યા?''

નામી-અનામી શાયરોની રચનાઓ અને સ્‍વરચિત રચનાઓ બંને સંચાલકોએ પીરસી હતી.

કાર્યક્રમના સંચાલકો વીરલ રાચ્‍છ તથા મિલિન્‍દ ગઢવીએ માહોલ પ્રમાણે સાહિત્‍યના વિવિધ રસોની વિવિધ પંકિતઓ વહાવી હતી. ગુજરાત્રી કાર્યક્રમનો માહોલ ભાવુક, રસભર્યો, રમૂજી, જ્ઞાનથી છલકતો અને આનંદથી મલકતો, ઉત્‍સાહથી થનગનતો રાખવામાં વીરલ-મિલિન્‍દે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત્રી કાર્યક્રમમાં વિશિષ્‍ટ પ્રયોગ થયો હતો. બે વકતાઓ સાંઇરામ અને નેહલબેનને સંચાલકોએ સરપ્રાઇઝ પ્રશ્‍નો પૂછયા હતા. આ પ્રશ્‍નોત્તરી કાર્યક્રમની પણ સરાહના થઇ હતી.

(2:21 pm IST)