મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

સંબંધોમાં સર્જરી જરૂરી, સર્જિકલ સ્‍ટ્રાઇક નહિઃ શ્રી સાંઇરામ દવે

અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સના ગુજરાત્રી પ્રોગ્રામમાં હાસ્‍યકારે લાઇફ મંત્ર આપ્‍યો : સંબંધ બુઠ્ઠો થાય પછી તલવારથી પણ વધારે ઘા કરી શકે છે : સંબંધની દુનિયા ઇશ્‍વર જેટલી જ રહસ્‍યમય છે : અન્‍ય સંબંધ સાચવવામાં જાત સાથેના સંબંધ તૂટે છે : સંબંધોને ભૂખ લાગે છે લાગણીઓ સ્‍વાદિષ્‍ટ રાખજો : શબ્‍દો ગોઠવ્‍યા વગર વાત થઇ શકે એ સાચો મિત્ર

રાજકોટ : પ્રસિધ્‍ધ હાસ્‍યકાર અને કેળવણીકાર સાંઇરામ દવેએ ‘અકિલા' ઇન્‍ડિયા ઇવેન્‍ટના લાઇફમંત્ર કાર્યક્રમમાં સંબંધના મેનેજમેન્‍ટ પર પોતાની આગવી રમુજી શૈલીમાં વકતવ્‍ય આપ્‍યું હતું.

શ્રી સાંઇરામ દવેએ કાર્યક્રમના પ્રારંભે જણાવ્‍યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં મનની તંદુરસ્‍તી બક્ષે છે. સંબંધોના મેનેજમેન્‍ટ શીખવા જેવા છે. ‘અકિલા' દ્વારા આ પ્રયાસ સરાહનીય છે.સંબંધોથી ઘણાં કામ થાય છે, પરંતુ ઘણી વખત સંબંધો નડી જાય છે.

સમાજમાં પ્રચલિત વાકય છે કે, ‘‘મારે તેમની સાથે જૂનો સંબંધ છે, કંઇ હોય તો કહેજો.'' આવા સંબંધો વટાવીને અમારા કાર્યક્રમનો  ચાર્જ ઓછા  કરનારા સંબંધીઓનો ખાર નથી...

શ્રી સાંઇરામ દવેએ  કહ્યું હતું કે, સંબંધની દુનિયા ઇશ્વર જેટલી જ રહસ્‍યમય છે અન્‍ય સાથેના સંબંધો સાચવવામાં જાત સાથેના સંબંધો બગડી જાય છે. ઘણી વખત સંબંધો સામાન્‍ય  બાબતોમાં તૂટી જાય છે. સંબંધની શકયતાઓ ખૂબ છે, આ સમજાય જાય તો સંબંધો તૂટતા અટકી જાય.

સંબંધો કાચ નથી છતાં ફૂટે છે, સંબંધો બુઠ્ઠા થઇ ગયા બાદ તલવારથી પણ વધારે તીવ્ર ઘા કરી શકે છે. સંબંધો વસ્‍તુ નથી છતાં વપરાય છે. સંબંધો અંગે આવી વિશિષ્‍ટ વાતો કરીને સાંઇરામભાઇએ કહ્યું હતું કે, સંબંધોમાં સર્જરી જરૂરી છે, સંબંધો પર સર્જિકલ સ્‍ટ્રાઇક ન કરાય.

સંબંધો કોરો ચેક છે, પરંતુ આપણે ઓછી રકમ ભરીએ છીએ. ઇશ્વર આપણી  સામે સુખનો દરિયો લઇને ઉભા છે, આપણે તેમની સામે ચમચી લઇને જઇએ છીએ. સંબંધોને ભૂખ લાગે છે, પણ આ ભૂખ ભાંગવા સ્‍વદિષ્‍ટ લાગણી હોવી જોઇએ.

શ્રી દવે કહે છે કે સંબંધો મેનેજ કરવા માટે પહેલ કરવાનો અભાવ જોવા મળે છે. તેમણે મને ન બોલાવ્‍યો તો હું શા માટે તેમને બોલાવું ? આ વૃત્તિથી સંબંધ મેનેજ થતા નથી. પહેલ કરવાની વૃત્તિ વ્‍યાપક બને તો સંબંધ સચવાઇ જાય. આ ઉપરાંત ધારી લેવાની પરંપરા સંબંધો તોડે છે. ધારી લેતા કરતા પૂછી લો તો સંબંધ વધારે ટકે.

સાંઇરામભાઇએ આગળ કહ્યું હતું કે, ઘણાં માને છે સંબંધોમાં વ્‍યવસાય ન હોય,  પરંતુ હું કહું છું કે, દરેક સંબંધમાં ધંધાને ઘુસાડવો જોઇએ. વ્‍યવસાયમાં સંબંધોને વધારેમાં વધારે લાભ આપવાની વૃત્તિ ન કેળવાય ? આ ઉપરાંત દરેક માતા-પિતાએ દીકરા-દીકરી સાથે વાત કરવી જોઇએ.

શ્રી દવે કહે છે કે, વૃધ્‍ધાશ્રમો સેવાના ક્ષેત્રો છે, પણ આવા આશ્રમો આપણી સામાજિક નિષ્‍ફળતાના પ્રતીક પણ છે.  સાવ અનાથ વડીલો માટે વૃધ્‍ધાશ્રમો બરાબર ગણાય, પરંતુ સંતાનો હોવા છતાં વડીલો વૃધ્‍ધાશ્રમમાં હોય એ યોગ્‍ય છે ? દરેક વ્‍યકિતએ પોતાના માતા-પિતાને ૧૦ મિનિટ આપવી જરૂરી છે. સવારની ચા છાપા સાથે નહિ, બાપા સાથે પીઓ. પરિવારમાં દાદા-દાદીઓ  પોતાના ખોવાયેલા પુત્રને પૌત્રમાં શોધતા હોય છે.

પતિ-પત્‍નીના સંબંધો અંગે વાત કરતા શ્રી દવેએ રમૂજી શૈલીમાં જણાવ્‍યું હતું કે, મને કોઇએ પૂછયું - પત્‍નીને ઉર્દૂ ભાષામાં શું કહેવાય ? મે જવાબ આપ્‍યો - પત્‍નીને કોઇ ભાષામાં કંઇ જ ન કહેવાય.

દરેક માં-બાપ દીકરાને શ્રવણ બનાવવા પ્રયત્‍ન કરે છે અને પત્‍ની તેને શ્રવણ બનાવતો અટકાવે છે, બિચારો પુરૂષ.

સાંઇરામભાઇએ કહ્યું હતું કે, અપેક્ષાનો અતિરેક ન કરો તો પ્રસન્ન દામ્‍પત્‍ય શકય છે. ન ગમતી વાતો પર બરાડા પાડી-પાડીને ઝઘડા થાય છે તેમ પત્‍નીની ગમતી વાતો પણ મોટા અવાજે કરો. વખાણ પણ મોટા અવાજે કરો. યાદ રાખજો,  I Love You શબ્‍દને પણ એકસપાઇરી ડેઇટ હોય છે, આ શબ્‍દો સમયસર વાપરતા રહેશો તો સંબંધો સ્‍વસ્‍થ રહેશે. પત્‍નીના વખાણ કરો, સાળાના વખાણ કરો, સાસુ-સસરાના વખાણ કરતા રહો દાંપત્‍ય મહેકતું રહેશે.

સૌથી મોટી વાત મૌન રહેવાની છે. એક તપે ત્‍યારે બીજુ મૌન થઇ જાય તો આગ પ્રસરતી નથી. પતિ-પત્‍નીના સંબંધમાં બે વિકલ્‍પ છે, સમજો અથવા સ્‍વીકારો.

પેરેઇન્‍ટીંગ અંગે વાત કરતા શ્રી દવેએ કહ્યું હતું કે, આપણી સમસ્‍યા એ છે કે, આપણે દાદા બનીએ ત્‍યારે પેરેઇન્‍ટીંગ સમજી શકીએ છીએ. નિયમ એવો બનાવવો જોઇએ કે, દશ-બાળવાર્તા - દશ હાલરડાં ન આવડે ત્‍યાં સુધી મા-બાપ બનવાનો અધિકાર ન મળવો જોઇએ. બાળકને ઓછામાં ઓછી અડધી કલાક આપો. બાળકોમાં ઉત્‍સાહનો સંચાર કરો.

શ્રી દવેએ જણાવ્‍યું હતું કે, બાળકોને ધૂળમાં રમવા દો એ ધૂળ સાથે રમશે તો જ વતનપ્રેમ જાગશે. બાળકો પર શિક્ષણનો બોજ લાદવો ન જોઇએ. સ્‍કૂલમાં એ શિક્ષણ લઇનેજ આવ્‍યું છે, ઘેર આવે ત્‍યારે તેમને સતત શિક્ષણમય ન બનાવો. એમને તેમનું બાળપણ માણવા દો. એમની સાથે તમે પણ રમો.

મિત્રતાના સંબંધ અંગે સાંઇરામભાઇએ જણાવ્‍યું હતું કે, એક લાખ મિત્રો હોય એ મોટી વાત નથી. એક સારો મિત્ર જોઇએ. જે મિત્ર સાથે સંબંધ મેનેજ ન કરવો પડે એ સાચો મિત્ર ગણાય. શબ્‍દો ગોઠવ્‍યા વગર વાત થઇ શકે એ સાચો મિત્ર ગણાય. જેની પાસે આંસુ સારી શકાય અને જેની પાસે સંકોચ વગર માંગી શકાય એ સાચો મિત્ર ગણાય.

(2:17 pm IST)