મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

શું રાહુલ ગાંધીનો બંગલો છીનવાશે?: ૧૨ તુગલક લેન આવાસનો 'ખાલી બંગલા'ની યાદીમાં સમાવેશ

લોકસભા સચિવાલયે સાંસદો માટે ખાલી બંગલાનું લિસ્ટ જાહેર કર્યુ : કુલ ૫૧૭ બંગલાની યાદી

નવી દિલ્હી : લોકસભા સચિવાલયે સાંસદો માટે ખાલી બંગલાની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આધિકારિક આવાસ ૧૨ તુગલક લેનનું નામ પણ સામેલ છે. ૨૦૦૪માં પ્રથમ વખત અમેઠીમાંથી સાંસદ બન્યા પછી રાહુલ ગાંધીનું નિવાસસ્થાન આ જ રહ્યું છે. સચિવાલય દ્વારા જાહેર કરેલી યાદીમાં એવા ઘણા સાંસદોના નામ સામેલ છે જેઓ આ વખતે ચૂંટણી જીત્યા છે.

રાહુલ ગાંધીનો વર્તમાન બંગલો ટાઇપ ૮ શ્રેણીમાં આવે છે, જે ઉચ્ચતમ શ્રેણી છે. રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠીથી ચૂંટણી હારી ગયા છે.જોકે તે કેરળથી વાયનાડ સીટથી ચૂંટણી જીત્યા છે.

નિયમો પ્રમાણે લોકસભા સચિવાલય તરફથી સાંસદોને ખાલી બંગલાની એક યાદી આપવામાં આવે છે. જેમાંથી તે પસંદ કરીને અરજી કરે છે. સાંસદોને આ વખતે ૫૧૭ બંગલાની યાદી આપવામાં આવી છે. આ યાદીમાં રાહુલ ગાંધીના બંગલાનું નામ પણ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યાલયને આ યાદી વિશે કોઈ જાણકારી નથી.

(2:00 pm IST)