મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

‘વાયુ' વાવાઝોડુ ૨૪ કલાકમાં અતિ તીવ્ર બનશે

સિસ્‍ટમ્‍સ વાવાઝોડામાં પરિવર્તિત : ૧૩મીએ વ્‍હેલી સવારે પોરબંદર અને વેરાવળના દરિયાઈ પટ્ટીના વિસ્‍તારમાંથી પસાર થશે : સૌરાષ્‍ટ્રના દરિયાઈ કાંઠાળા વિસ્‍તારોમાં ૧૧૦થી ૧૩૫ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસશે

રાજકોટ, તા. ૧૧ : અરબી સમુદ્રવાળી સિસ્‍ટમ્‍સ ડિપ્રેશનમાંથી ડિપ-ડિપ્રેશન બની વધુ મજબૂત બની આજે સવારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે. આગામી ૨૪ કલાકમાં આ વાવાઝોડુ સિવિયર સાયકલોનમાં પરિવર્તિત થશે. જેની અસરથી ગુરૂ-શુક્ર-શનિ ખાસ તો દરિયાઈ કાંઠાના વિસ્‍તારોમાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડશે. સૌરાષ્‍ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્‍તારો સહિત લાગુ જિલ્લાઓમાં પણ વરસાદની અસર દેખાશે. હવામાન વિભાગે જણાવ્‍યું છે કે, વાવાઝોડુ ‘વાયુ' ૧૩મીએ વ્‍હેલી સવારે દરિયાઈ પટ્ટીના વિસ્‍તારોમાંથી પસાર થશે. ગતરાત્રે ડિપ્રેશનવાળી સિસ્‍ટમ્‍સ મજબૂત બની ડિપડિપ્રેશનમાં ફેરવાઈ હતી અને હવામાન વિભાગે આ વાવાઝોડાનું નામ ‘વાયુ' રાખવામાં આવેલ છે. આજે સવારે આ વાવાઝોડુ મુંબઈથી ૫૪૦ કિ.મી. દૂર અને વેરાવળથી ૬૯૦ કિ.મી. દૂર હતું. આ વાવાઝોડુ ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યું છે. આ વાવાઝોડાના અસરથી સૌરાષ્‍ટ્રના દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં ભારે ખાનાખરાબી સર્જાશે. તંત્ર દ્વારા વોર્નીંગ આપવામાં આવી છે અને બંદરો ઉપર એક નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્‍યા છે. આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્‍ચેથી પસાર થશે ત્‍યારે ૧૧૦થી ૧૩૫ કિ.મી.ની ઝડપે જોરદાર પવનો ફૂંકાશે. દરિયા કિનારાના વિસ્‍તારોમાં વધુ વરસાદ પડશે. ગુરૂ - શુક્ર - શનિ વરસાદનું જોર રહેશે. ખાસ કરીને ગુરૂવારે મહત્તમ વિસ્‍તારોમાં વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્‍યુ છે.

(11:52 am IST)