મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

મોદીના પ્લેન માટે પાકિસ્તાને ખોલ્યો માર્ગ

મોદીના વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રમાંથી ઉડવા દેશે પાકિસ્તાન : મોદી પાકિસ્તાનના એરસ્પેસથી બિશ્કેક જશેઃ મોદી ૧૩-૧૪ જવાના છેઃ બાલાકોટ કાંડ બાદ પાકે. એરસ્પેસ બંધ કરી'તી

નવી દિલ્હી તા. ૧૧ :.. એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનના બીશ્કીક શહેર જવા માટે વડાપ્રધાન મોદીને પોતાની હવાઇ સીમામાંથી પસાર થવા દેવાનો સૈધ્ધાંતિક નિર્ણય પાકિસ્તાને ગઇકાલે લીધો હતો.

બાલાકોટમાં જૈશ...એ-મુહમ્મદની આતંકવાદી શીબીરો પર ભારતીય વાયુસેનાના હૂમલા પછી પાકિસ્તાને ર૬ ફેબ્રુઆરીએ પોતાની હવાઇ સીમા સંપૂર્ણ પણે બંધ કરી દીધી હતી. ત્યાર પછી ૧૧ મેથી ફકત બે હવાઇ માર્ગો ખુલ્લા રાખ્યા છે જે દક્ષિણ પાકિસ્તાન ઉપરથી પસાર થાય છે.

ભારતે પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તે પોતાની હવાઇ સીમામાંથી પસાર થવા માટે વડાપ્રધાનના વિમાનને બિશ્કેક જવાની પરવાનગી આપે.

એક અધિકારીએ પીટીઆઇ સાથે એ વાતની પુષ્ટિ કરી કે ઇમરાન સરકારે બિશ્કેક જવા માટે વડાપ્રધાન મોદીના વિમાનને પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રમાંથી પસાર થવાની ભારત સરકારની વિનંતીનો સૈધ્ધાંતિક રૂપે સ્વીકાર કર્યો છે.

અધિકારીએ કહયું, 'ઔપચારિકતા પુરી થયા પછી ભારત સરકારને નિર્ણયની જાણ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન ઓથોરીટી ને પણ આદેશ આપવામાં આવશે તે એર મેનને જાણ કરે.' સાથે જ તેમણે કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે ભારત શાંતિવાર્તા માટેની પાકિસ્તાનની તજવીજનો સ્વીકાર કરશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પાકિસ્તાને ર૧ મે એ ત્યારના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના વિમાનને કિર્ઝીસ્તાનના બીશ્કેકમાં એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે  પાક વાયુક્ષેત્રમાંથી પસાર થવાની ખાસ પરવાનગી આપી હતી. ખરેખર તો, દક્ષિણ પાકિસ્તાનમાં બે વાયુમાર્ગો સિવાય ત્યાંની હવાઇ સીમા કોમર્શીયલ વિમાનો માટે હજી પણ બંધ જ છે.

(11:47 am IST)