મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

વાયુ વાવાઝોડું આવતીકાલે ગુજરાત પર ત્રાટકશે, અલર્ટ જાહેર

આગામી ર૪ કલાકમાં ચક્રવાતી તોફાનની આશંકા, માછીમારોને દરિયો ન ખેડવા સુચના : સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ૧૦૦ કિમીની ઝડપે ૧ર અને ૧૩ જૂને વાવાઝોડા સાથે વરસાદની આગાહી

નવી દિલ્‍હી તા. ૧૧ : કાળઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર આવ્‍યા છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં અસર જોવા મળશે. કેરળ અને મહારાષ્‍ટ્રમાં વરસાદ પડી ગયો છે. ત્‍યારે ગુજરાતને બહુ જ જલદી ગરમીથી રાહત મળશે. ૧૧ જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે, પણ ત્‍યારબાદ ૧ર જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્‍યારે કેન્‍દ્રીય હવામાન વિભાગે ગુજરાતની જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. જયારે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના કેટલાક વિસ્‍તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તેવી આગાહી કરી છે. આ સાથે જ ૧ર જૂને રાજયમાં છૂટાછવાયા વિસ્‍તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો ૧૩ જૂને પણ રાજયમાં કેટલાક વિસ્‍તારમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં પણ હવાનું દબાણ સર્જાયું છે. એથી રાજયની જનતાને બહુ જલદી ગરમીમાંથી રાહત મળે તે નકકી છે. આગામી ર૪ કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્‍તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઇ છે.

સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે.  ૯૦ થી ૧૦૦ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપથી  પવન ફુંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉતર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સના કારણે વરસાદ થશે. ૧૪ તારીખે પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્‍છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને અલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર ૧ નું સિગ્નલ લગાવ્‍યું છે.

ગુજરાતમાં અમરેલીના જાફરાબાદ બંદર પર ફીશરીઝ વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે. સિગ્નલને પગલે મોટા ભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત પહોંચી ગઇ છે. તો બીજી તરફ પોરબંદર અને જામનગર કાંઠે પણ ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

(10:51 am IST)