મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

સોંપણી થયે નિરવ મોદી-માલ્‍યાનું ‘નવુ ઘર' હશે આર્થર રોડ જેલ

મોસ્‍ટ વોન્‍ટેડ બન્ને કૌભાંડીઓને આર્થર રોડ જેલની બેરેક નં. ૧૨માં રાખવામાં આવશેઃ કેન્‍દ્ર સરકારે માંગેલી વિગતો બાદ મહારાષ્‍ટ્રના ગૃહખાતાએ કેન્‍દ્રને પાઠવ્‍યો વિગતવાર રીપોર્ટ : આર્થર રોડ જેલની બેરેક નં. ૧૨માં બન્ને કૌભાંડીઓ માટે પુરતી સુવિધાઓ હશેઃ હાઈટેક સિકયુરીટી હેઠળ બન્નેને રાખવામાં આવશેઃ ટૂંક સમયમાં બન્નેની સોંપણી થવાની શકયતા

મુંબઈ, તા. ૧૧ :  ભારત માટે વોન્‍ટેડ એવા ૩ કૌભાંડકારો વિજય માલ્‍યા, નિરવ મોદી અને નિરવ ચોકસીની જો સોંપણી કરવામાં આવે તો તેઓને રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલ તૈયાર છે. જો કેન્‍દ્ર સરકારના પ્રત્‍યાર્પણના પ્‍લાન સફળ રહ્યા તો વિજય માલ્‍યા અને નિરવ મોદીને આ જેલની બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે. રાજ્‍યના જેલ વિભાગે કેન્‍દ્ર સરકારને જણાવ્‍યુ છે કે જો સોંપણી કરવામાં આવશે તો જ્‍વેલર નિરવ મોદીને મુંબઈની આ જેલના બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે. આ જ બેરેકમાં વિજય માલ્‍યાને પણ રાખવા માટેની તૈયારી કરવામાં આવી છે.

બ્રિટનની વેસ્‍ટ મિનસ્‍ટર મેજીસ્‍ટ્રેટ કોર્ટ સમક્ષ ભારતે નિરવ મોદીની સોંપણીની માંગણી કરી છે. જે સંદર્ભે મહારાષ્‍ટ્ર સરકારે નિરવ મોદીને રાખવા માટેના પ્‍લાનની વિગતો કેન્‍દ્ર સરકારને આપી છે. જો નિરવ મોદીને આર્થર રોડ જેલમાં રાખવામાં આવે તો ત્‍યાં ક્‍યા પ્રકારની સુવિધા છે ? તેની વિગત કેન્‍દ્ર એ મહારાષ્‍ટ્રના ગૃહખાતા સમક્ષ માગી હતી. જે પછી મહારાષ્‍ટ્રના જેલ વિભાગે તમામ વિગતો પુરી પાડી હતી.

મહારાષ્‍ટ્રના ગૃહ વિભાગના સૂત્રો જણાવ્‍યુ છે કે, ૪થી જૂને ગૃહ ખાતાએ યુકેથી નિરવ મોદીની સોંપણીની માંગણી કરી ભારતમાં તેની સામે કેસ ચલાવવા ત્‍યાંની કોર્ટને જણાવ્‍યુ હતુ. સરકારને આશા છે કે યુકેની કોર્ટ સોંપણી કરી દેશે.

મહારાષ્‍ટ્ર સરકારના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે જેલ વિભાગે કેન્‍દ્ર સરકારને એક પત્ર પાઠવ્‍યો છે. જેમાં જણાવ્‍યુ છે કે નિરવ મોદીને બેરેક નં. ૧૨માં રાખવામાં આવશે. જ્‍યાં તેને ૩ ચો.મી.ની પર્સનલ સ્‍પેસ મળશે. જ્‍યાં તેને કોટનની મેટ, ઓશિકુ, બ્‍લેન્‍કેટ અને બેડશીટ પણ આપવામાં આવશે. મેડીકલ ગ્રાઉન્‍ડના આધારે મેટલ અથવા લાકડાનો ખાટલો આપી શકાશે. પુરતી લાઈટ, વેન્‍ટીલેશન અને પરવાનગીવાળી વસ્‍તુઓ રાખવાની જગ્‍યા પણ ત્‍યાં હશે. આ ઉપરાંત તેને ચોખ્‍ખુ પાણી મળે અને પુરતી તબીબી સારવાર મળે તેવી પણ સુવિધા અપાશે. આ ઉપરાંત નિરવ મોદીને માટે ટોઈલેટ અને બાથરૂમની સુવિધા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. તેને કસરત અને મનોરંજન માટે રોજ એક કલાક પોતાના સેલમાંથી બહાર નીકળવાની પરવાનગી પણ આપવામાં આવશે.

બેરેક નંબર ૧૨ની સુવિધા અંગેની વિગતો જણાવતા સૂત્રોએ કહ્યુ હતુ કે, બેરેક નં. ૧૨માં હાઈટેક સિકયુરીટી રાખવામાં આવી છે. અનેક સીસીટીવી કેમેરાઓ ૨૪ કલાક અને ૭ દિવસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. આ ઉપરાંત પ્રિઝન ઓફિસર અને પ્રિઝન ગાર્ડ પણ સતત ચોકી પહેરો રાખશે. સિકયુરીટીનો કોઈ પ્રશ્ન નહી રહે. બેરેક નં. ૧૨માં બે રૂમ છે. જ્‍યાં ૩ વ્‍યકિતઓને દરેક રૂમમાં રાખી શકાશે. હાલ એક રૂમમાં ૩ વ્‍યકિતઓને રાખવામાં આવેલ છે જ્‍યારે બીજા રૂમમાં અમે માલીયા, મોદી અને મેહુલ ચોકસીને રાખી શકશું જો સોંપણી કરવામાં આવશે તો.

પંજાબ નેશનલ બેન્‍કના ૧૩૩૦૦ કરોડના કૌભાંડમાં મોદી અને ચોકસી સામે સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે. ચોકસીએ એન્‍ટીગુઆમાં નાગરીકત્‍વ મેળવી લીધુ છે એ અત્રે નોંધનીય છે.

(10:42 am IST)