મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

શૂન્‍ય બેલેન્‍સ હશે તો પણ મળશે ચેકબુક

મીનીમમ બેલેન્‍સ રાખવાની ઝંઝટ પણ સમાપ્‍તઃ રીઝર્વ બેંકે બીએસબીડી ખાતાનાં નિયમો કર્યા હળવા : ૧લી જુલાઈથી અમલઃ બેઝીક સેવિંગ્‍સ બેંક ડિપોઝીટ - બીએસબીડી ખાતેદારને મળશે વેલ્‍યુ એડેડ સેવાઓઃ ગ્રાહકોને સારી સેવા મળે તે હેતુ

મુંબઈ, તા. ૧૧ :  ભારતીય રીઝર્વ બેંકે ગઈકાલે ઝીરો બેલેન્‍સ એકાઉન્‍ટસ માટેના નિયમોમાં થોડી ઢીલ આપી છે. તેનાથી બેન્‍કે હવે આવા ખાતાધારકોને ચેકબુક અને અન્‍ય સવલતો આપી શકશે. આ સુવિધાઓ સામે બેંક જો કે ખાતાધારકોને મીનીમમ બેલેન્‍સ રાખવાનું નહીં કહી શકે. પહેલા ઝીરો બેલેન્‍સ ખાતામાં વધારાની સગવડો આપવાથી તે રેગ્‍યુલર સેવીંગ એકાઉન્‍ટ બની જતુ હતુ અને તેના કારણે તે ખાતામાં મીનીમમ બેલેન્‍સ રાખવાનું ફરજીયાત થઈ જતું હતુ અને બીજા ચાર્જીસ પણ લાગુ થઈ જતા હતા.

આરબીઆઈએ બેઝીક સેવીંગ્‍સ બેંકે ડીપોઝીટ (બીએસબીડી) એકાઉન્‍ટ માટે નિયમોમાં ઢીલ આપી છે. આ ખાતાઓને સામાન્‍ય રીતે ઝીરો બેલેન્‍સ અથવા નો ફીલ્‍સ એકાઉન્‍ટ કહેવામાં આવે છે. આરબીઆઈએ બેંકોને કહ્યુ હતુ કે તે બીએસબીડીએ પણ સેવીંગ એકાઉન્‍ટમાં અપાતી કેટલીક સુવિધાઓ નિઃશુલ્‍ક આપે. આ સુવિધાઓમાં ચેકબુક પણ સામેલ છે. તેના માટે કોઈ ચાર્જ નહીં લઈ શકાય અને તેમા કોઈ ભેદભાવ ન રાખવામાં આવે. આ પ્રકારની વધારાની સવલતો જો વિના કોઈ ચાર્જ આપવામાં આવે તો તે ખાતુ નોન બીએસબીડી એકાઉન્‍ટ નહીં બની જાય. નિર્દેશમાં કહેવાયુ છે કે આ સુવિધાઓ આપ્‍યા પછી બેંક પોતાના ગ્રાહકો પર ન્‍યુનત્તમ બેલેન્‍સ ખાતામાં રાખવાની શર્ત નહીં મુકે.

બીએસબીડી ખાતા અંગેના પહેલાના નિયમો અનુસાર ખાતા ધારકો પર ખાતામાં મીનીમમ બેલેન્‍સ રાખવાનું ફરજીયાત નહોતુ અને તેમને કેટલીક સગવડો મફત મળતી હતી. જેમાં એટીએમમાંથી મહિનામાં ચાર વાર પૈસા ઉપાડવા, બેંકની શાખામાં જઈને પૈસા જમા કરવા, એટીએમકાર્ડ વગેરેનો સમાવેશ થતો હતો. હવે બીએસબીડી ખાતામાં કેટલીવાર પૈસા જમા કરાવવા અને કેટલી રકમ જમા કરાવવી ? તેની કોઈ સીમા નહીં હોય.

(10:39 am IST)