મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

કોરોનાના કહેર વચ્ચે નાઈટ કર્ફ્યુ અને લોકડાઉનથી 18 રાજ્યોમાં ઘટવા લાગ્યા કોરોનાના નવા કેસો

જો કે 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જે ચિંતાનો વિષય : આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી : : દેશમાં કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે સતત વધતા કોરોનાના કેસોમાં પાંચ દિવસ પછી સારો એવો ઘટાડો નોંધાયો છે. 11 મે ના દિવસે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર કોરોનાના નવા 3,29,942 કેસો નોંધાયા છે અને એક્ટીવ કેસો પણ ઘટીને 37,15,221 થયા છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે નાઈટ કર્ફ્યુ અને લોકડાઉનથી દેશના 18 રાજ્યોમાં કોરોનાના નવા કેસ ઘટ્યા છે.

મીડિયાને સંબોધન કરતાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા ઉપાયોને કારણે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થવા માંડ્યો છે. જો કે 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ બિહાર અને ગુજરાતમાં કરોનાના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો થયો છે,

(7:02 pm IST)