મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

સૌ પ્રથમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ 'ઓહો'નો થયો શુભારંભઃ દર ૧૦મા દિવસે નવો શો

રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, પણ કોરોના ટાણે રિસ્ક લેવું નહિ ઘરમાં જ રહેવું, તમે ઘરમાં રહો મનોરંજન અમે પુરૂ પાડીશું: પ્રતિક ગાંધી-અભિષેક જૈન-આરોહીનો સંદેશો

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના 'લેટ્સ ટોક' શોમાં સંચાલક વિરલ રાચ્છ સાથે 'ઓહો ગુજરાતી' પ્લેટફોર્મના રચયીતા અભિષેક જૈન, આ પ્લેટફોર્મની પ્રથમ સિરીઝ વિઠ્ઠલ તીડીના હીરો પ્રતિક ગાંધી અને જાણીતી અભિનેત્રી આરોહી પટેલે કરી અલક-મલકની વાતો : હાલના માહોલમાં લોકોને પોઝિટિવિટીની જરૂર છે અને મન હળવા કરી શકાય તેવા વાતાવરણની જરૂર છે ત્યારે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' ટીમના નિમિષભાઇ ગણાત્રા, મિલિન્દ ગઢવી અને હિરેન સુબા સતત આવો પ્રયાસ કરી રહ્યા છેઃ સંચાલક વિરલ રાચ્છ : હું કોઇ રોલ માટે સિલેકટ નથી થઇ રહ્યો, મારી ભાષાએ મને સિલેકટ કર્યો છે, ગુજરાતી મારી માતૃભાષા છે, તો મારે એને વળગીને જ રહેવાનું હોયઃ પ્રતિક ગાંધી : ગુજરાતી લોકો હવે ગુજરાતી ભાષામાં વધુ જોવા માંગે છે એ જાણ્યું ત્યારે ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવાનો વિચાર આવ્યોઃ લોકોમાંથી જ આવેલી વાર્તાઓ અમે આપીશું: અભિષેક જૈન : વિરલ રાચ્છ દર રવિવારે યુ ટ્યુબ પર વાર્તા મુકે છે, અત્યાર સુધી ૪૨ વાર્તા આવી ચુકી છે : 'ઓહો' પર સૌ પહેલી ગુજરાતી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તીડી'માં પ્રતિક ગાંધીનો જબ્બર અભિનયઃ હવે જૂગારીના રોલમાં : બુટલેગર, કોૈભાંડ અને જૂગારી...આમાનો એકેય ગુનો રિયલ લાઇફમાં કરવાનો નથી, તો આવા પાત્રોને સ્ક્રીન પર તો જીવી લેવાની મજા છેઃ પ્રતિક : સારી અભિનેત્રો તો છે જ, સાથે સાથે એડિટીંગનું કામ પણ ખુબ સારી રીતે કરી શકે છે આરોહી પટેલઃ 'ઓહો' પરના બે શો કર્યા છે એડિટ : ઓહો ગુજરાતી ડાઉનલોડ કરવામાં કોઇ મુશ્કેલી હોય તો help@ohogujarati.com પર ઇ-મેઇલ કરવાથી પ્રશ્નનું નિવારણ થઇ શકશેઃ અભિષેક

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રીના 'લેટ્સ ટોક' શોમાં સંચાલક શ્રી વિરલ રાચ્છ સાથે જોડાયેલા જાણીતા નિર્માતા-દિગ્દર્શક અને 'ઓહો' ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મના રચયીતા શ્રી અભિષેક જૈન, લવની ભવાઇ, ચાલ જીવી લઇએની અભિનેત્રી સુ.શ્રી આરોહી પટેલ અને સ્કેમ ૧૯૯૨ના અભિનેતા શ્રી પ્રતિક ગાંધી

રાજકોટ તા....: ' રિસ્ક હૈ તો ઇશ્ક હે, આ હાલના કોરોના કાળમાં માત્ર સિરીઝમાં સારુ લાગે, અસલી જિંદગીમાં નહિ, હાલમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવું નહિ, ઘરમાં જ રહેવું,....'તમે બસ ઘરમાં જ રહો, ગુજરાતી મનોરંજનની ચિંતા અમારા પર છોડી દો, એ અમે તમને આપીશું'...'ઘરમાં રહીને સ્વસ્થ રહેવું અને આપણી પોતાની ગુજરાતી ભાષાઓને આપણા પોતાના ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર ઘર બેઠા માણતા રહેવું એનાથી વધુ સારુ શું હોઇ શક'... આ અને આવી બીજી ઘણીબધી વાતો કરી હતી  'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી શ્રી વિરલ રાચ્છ સંચાલિત 'લેટ્સ ટોક' નામના શોમાં ગુજરાતી ફિલ્મો બે યાર, રોંગ સાઇડ રાજુ ફેઇમ સુપ્રસિધ્ધ દિગ્દર્શક-નિર્માતા શ્રી અભિષેક જૈન, સ્કેમ-૧૯૯૨ના સુપરસ્ટાર-ગુજરાતનું ગોૈરવ એવા શ્રી પ્રતિક ગાંધી અને ચાલ જીવી લઇએ, લવની ભવાઇ ફેઇમ અભિનેત્રી સુ.શ્રી આરોહી પટેલે. ગર્વીલા ગુજરાતનું સૌ પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ 'ઓહો' આવી ચુકયું છે, અને સૌ ધડાધડ આ એપને ડાઉનલોડ કરી ગુજરાતી હોવાનું ગોૈરવ લઇ રહ્યા છે.

કોરોના મહામારીના સમયમાં એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં સિનેમા હોલ સુધી ફિલ્મો જોવા નહિ જઇ શકનારા અને થિએટર સુધી નાટકો જોવા નહિ જઇ શકનારા લોકો માટે મનોરંજનની દુનિયામાં ધૂબાકા મારવાનું કોઇ હાથવગું હથીયાર બન્યું હોય તો એ છે-ઓટીટી પ્લેટફોર્મ. હિન્દી, અંગ્રેજી અને બીજી અનેક ભાષાઓમાં ડિજીટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ હતાં. પણ હવે આપણા ગોૈરવવંતા ગુજરાતીઓ જેના માટે ગર્વ લઇ શકે અને જેના પર ગુજરાતી ફિલ્મો, ગુજરાતી વેબ સિરીઝ, સાહિત્ય અને બીજુ ઘણું બધું માણી શકે એવું એક આપણું પોતાનું ઓટીટી પ્લેટફોર્મ 'ઓહો' આવી ચુકયું છે.

ગુજરાતના પ્રથમ એવા ઓટીટી પ્લેટફોર્મ ઓહોના રચયિતા-વિખ્યાત નિર્માતા, દિગ્દર્શક શ્રી અભિષેક જૈન છે. તે તથા તેમની સાથે વિખ્યાત એકટર શ્રી પ્રતિક ગાંધી અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સુ.શ્રી આરોહી પટેલે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના ડિજીટલ માધ્યમથી સુપ્રસિધ્ધ સંચાલક વિરલ રાચ્છ સાથે મળી 'ઓહો' ગુજરાતી પ્લેટફોર્મની અને બીજી અનેક રસપ્રદ વાતો, સવાલો-જવાબોની ગોષ્ઠી 'લેટ્સ ટોક'શોમાં કરી હતી. જે અહિ પ્રસ્તુ છે.

શ્રી વિરલ રાચ્છે ટોક શોની શરૂઆત કરતાં કહ્યું કે-'અત્યારનો માહોલ એવો છે કે તેમાં લોકોને પોઝિટિવિટીની જરૂર છે અને હળવા થઇ શકાય તેવા વાતાવરણની જરૂર છે. 'અકિલા ઇન્ડિયા' વતી સતત આવો પ્રયત્ન થઇ રહ્યો છે. દરરોજ અથવા અઠવાડીએ બે ત્રણ વખત એવા એવા લોકોને લઇને તમારી સમક્ષ આવીએ છીએ અને વાતો કરીએ છીએ કે જેનાથી સૌના મન હળવા થાય છે અને પોઝિટિવીટી તરફ આગળ વધી શકીએ છીએ.

વિરલ રાચ્છે આગળ કહ્યું-ગુજરાતી મનોરંજન માટે સુવર્ણ પાનુ  લખાયું છે અને એ છે પહેલુ ગુજરાતી કન્ટેન્ટવાળુ ઓટીટી પ્લેટફોર્મ-'ઓહો ગુજરાતી' , જે આપણને સાંપડ્યું છે.

'ઓહો ગુજરાતી' પ્લેટફોર્મ શરૂ કરવાનું મન કઇ રીતે થયું? એવો વિરલ રાચ્છે સવાલ પુછતાં નિર્માતા-દિગ્દર્શક અભિષેક જૈને કહ્યું-કે બે વર્ષ પહેલા વિચાર આવ્યો કે બીજી ભાષામાં જો પ્લેટફોર્મ હોઇ શકે તો આપણું પોતાનું ગુજરાતી પ્લેટફોર્મ કેમ ન હોઇ શકે. મેં આ દસકાની સફરમાં મેં જોયું છે કે આપણા લોકોએ ગુજરાતી ફિલ્મોને વધાવી છે, આરોહીની જ ચાલ જીવી લઇએ એટલી વધાવી છે કે એ જોઇને કહી શકાય કે ગુજરાતી લોકો ગુજરાતી ભાષાની ફિલ્મો જોવા માંગે છે. બસ ત્યાંથી લાગ્યું કે આપણે એક ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરીશું. ત્યારે માત્ર વિચાર હતો. અહિ અમે તમામ ગુજરાતી વાર્તાઓ કે જે આપણા લોકોમાંથી જ ઉભી થતી હોય છે, મળતી હોય છે એ અમે નવી નવી વેબ સિરીઝ રૂપે આપીશું. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યને પણ ઓટીટી પર લાવશું.

વિરલે ટોક શોને આગળ વધારતાં કહ્યું- વાર્તાઓએ જ બધા આર્ટ ફોર્મને જવાબ આપ્યો છે. વાર્તાઓએ જ આપણને  મનોરંજન આપ્યું છે. વાર્તા કહેવાના સ્વરૂપ બદલાયા છે. ભરત નાટ્યમ હોય, લોક કલાનું હોય કે પછી બીજુ હોય, વાર્તા કહેવાનું માધ્યમ બદલ્યું છે. હવે નવુ પ્લેટફોર્મ મળ્યું છે એ છે ઓટીટી પ્લેટફોર્મ. અભિષેકને હમેશા સામા પ્રવાહે તરવાની ટેવ છે. જ્યારે કોઇ ગુજરાતી ફિલ્મો બનાવતું નહિ ત્યારે અભિષેકે કેવી રીતે જઇશ અને બે યાર બનાવી હતી.

વિરલ પ્રતિકને એક સવાલ કર્યો કે સ્કેમ ૧૯૯૨એ તને રાતોરાત સુપરસ્ટારનું બીરૂદ અપાવ્યું એ પછી ગુજરાતી ભાષા સાથે જોડાઇ રહેવા વિશે તું શું કહીશ? તેવા સવાલને પ્રતિક ગાંધીએ અદ્દભુત જવાબ આપ્યો હતો કે-હું દ્રઢ પણે માનુ છું કે હું કઇ સિલેકટ થઇ નથી રહ્યો, મારી ભાષાએ મને સિલેકટ કર્યો છે, ગુજરાતી મારી માતૃભાષા છે, તો મારે એને વળગીને રહેવાનું હોય. એમાં કામ કરવાનું હમેંશા મારા  દિલમાં છે.

આડંબર વગરના પ્રતિક ગાધીના એક ગુજરાતી કલાકાર તરીકેના આ જવાબને વિરલ રાચ્છે બિરદાવી અભિનંદન આપ્યા હતાં. કહે છે આ મારી ભાષા છે. ગુજરાતી ભાષાએ મને પસંદ કર્યો છે.

વિરલે અભિનેત્રી આરોહીને સવાલ કર્યો કે બીજા ઓટીટી પ્લેટફોર્મથી 'ઓહો ગુજરાતી કઇ રીતે જુદુ પડશે? તેનો જવાબ આપતાં આરોહીએ કહ્યું કે-બહુ જ જરૂર એટલે હતી, આખા વર્ષમાં એક ખોટ લાગી હતી. લોકોએ આખા વર્ષમાં પોતાની ભાષાનું કંઇ જોયુ જ નહોતું. બધા હિન્દી, ફ્રેન્ચ, જર્મન, બધુ જોતા તા ઘરે બેઠા બેઠા. છેલ્લે ગુજરાતી નાટકો જોયા હતાં. આમ જે ખોટ હતી એ ગુજરાતી એપ 'ઓહો ગુજરાતી'એ પુરી પાડી છે.

આરોહીની બે નવી સિરીઝ 'કડક મીઠી' તથા 'ઓકે બોસ' પણ ઓહો ગુજરાતી પર આવી રહી છે.આરોહીએ કહ્યું- વિઠ્ઠલ તીડીથી પ્રતિક અને અભિષેકે ભલે ઓટીટીની શરૂઆત કરીદીધી  પણ ઓરજીનીલ ફેસ ઓહો પર હું સતત દેખાવાની છું. લવની ભવાઇ છે, નોન આલ્કોહોલીક બ્રેકઅપ છે, જ્યાં હું દેખાઇશ તેમજ હું બે શોમાં એડિટર પણ છું. આ રીતે ક્રેડીટમાં હું હોઇશ. આ સાંભળી પ્રતિકે કહ્યું-ઓહો પર અત્ર તત્ર સર્વત્ર આરોહી રહેશે.

વિરલે વાત આગળ વધારતાં કહ્યું-પ્રતિક ગાંધીની શરૂઆત અભિષેક ગાંધી સાથે ફિલ્મ બે યારથી થઇ, ત્યાં સુધી રંગમંચ પર પ્રતિકનું મોટુ નામ હતું. બે યાર પછી રોંગ સાઇડ રાજૂમાં પ્રતિક બૂટલેગરના રોલમાં હતો, પછી પ્રતિકે સ્કેમ-૧૯૨માં શેરબજારમા કોૈભાંડ કર્યુ, હવે વિઠ્ઠલ તિડીમાં જૂગારીનો રોલ છે...પ્રતિક તું એક પછી એક ગુનાઓ કરે છે તો તેમાં પણ પાત્રો જ તને પસંદ કરે છે કે તું જાતે આવા પાત્રો શોધે છે? આ સવાલનો જવાબ આપતાં પ્રતિકે કહ્યું-હા પાત્રો અને સ્ટોરી જ મને પસંદ કરે છે, આમાનો એકય ગુનો રિયલ લાઇફમાં કરવાનો નથી. તો આવા પાત્રોને સ્ક્રીન પર તો જીવી લેવાની મજા છે.

વિરલ આગળ કહે છે-દારૂ વેંચતો, જૂગાર રમતો, સ્કેમ કરતો પ્રતિક ગાંધી મંચ પર મોહનનો મસાલોમાં મોહનચંદ કરમચંદ ગાંધી અને હું ચંદ્રકાંત બક્ષીમાં બક્ષીબાબના પાત્રમાંં પણ જીવી જાય છે, આ પાત્રો પ્રતિક ગાંધી માટે હમેંશા ગોૈરવની વાત છે.

વિરલનો સવાલ- પ્રતિક તું રોલ કઇ રીતે પસંદ કરે છે?

પ્રતિક-જ્યાં સુધી રોલ પસંદ કરવાની વાત છે તો તેમાં કોઇ સમીકરણ નથી, હું સ્ક્રીપ્ટ વાંચ્યા પછી મારી જાતે લાગણીથી  કનેકટ થતો હોઉ તો એ રોલ પસંદ કરી લઉ છું. અભિનેતા તરીકે પડકાર મળે તો હું એ સ્વીકારુ છું. આવુ જ હું શોધુ છું. બાકી દિલથી થાય કે આ કામ કરવું જ છે તો તે કરુ છું.

વિરલનો સવાલ અભિષેકને- ઓટીટી ચાલુ કરવામાં કમ્ફર્ટ ઝોન તોડવામાં જોખમ ન લાગ્યું?

અભિષેક-આ ખરેખર ચેલેન્જીંગ છે એ સાબિત થઇ ગયું, હું એકસાઇટેડ હતો. આ એક નવો બિજનેસ છે કે નવી જર્ની છે, સઘર્ષમાંથી ઘણુ શીખ્યા. ટેકનોલોજીમાં હું સાવ ઝીરો હતો. એને સમજવું એ પડકાર હતો. તમારી પાસે એકસપર્ટ હોય પણ તમે જે ધંધામાં હોવ તે તમારે જાણવું જરૂરી છે. પણ ઓહો ચાલુ કર્યુ તો ખબર પડી કે અહિ કંઇક થઇ શકે તેમ છે. વિઠ્ઠલ તીડી માટે મેં સાત વર્ષ પછી નિર્દેશન કર્યુ છે. ખુબ રિવ્યુ મને મળ્યા છે એ હવે વાંચીશ.

વિરલનો સવાલ-વિખ્યાત ડિરેકટર સંદિપ પટેલ પુછે છે? અભિષેક, પ્રતિક અને આરોહી તમે ગુજરાતી ફિલ્મો પણ કરશો કે પછી આ પ્લેટફોર્મને જ વળગી રહેશો?

અભિષેક-સિનેમા એ મા છે,  જ્યાં ૭૦ એમએમની જરૂર હો ત્યાં એ જ આવશે. ઓટીટી પ્લેટફોર્મનું ઓડિયન્સ અને વાર્તા અલગ હોય છે. સ્ટોરી પરથી નક્કી થશે કે એ કહાની સિનેમામાં જશે કે ઓટીટીમાં, કયારેક બંનેમાં પણ આવશે.  (સંદિપ પટેલ લવની ભવાઇના ડિરેકટર છે.)

પ્રતિકે સંદિપભાઇના સવાલનો જવાબ આપતાં કહ્યું-હું બધા પ્રયોગોને અજમાવવા તૈયાર છું, કાલથી કોઇ પોકેટ સિનેમા શરૂ કરશે તો હું એ માટે પણ કામ કરીશ. રેડિયો નાટક, નાટ્ય પઠન, નુક્કડ નાટક કંઇપણ હોય. અભિનેતા તરીકે હું કામ કરવા તૈયાર છું. આરોહીએ કહ્યું- પોપકોર્ન સાથે ફિલ્મ જોવાની મજા જ અલગ હોય છે, હું તેને મીસ કરી રહી છું, સંદિપભાઇની ફિલ્મ તૈયાર છે, બસ એ રિલીઝ થવાની રાહમાં છું. અભિષેકે કહ્યું-સંદિપભાઇની ફિલ્મ આવી રહી છે એ કોરોના કાળ પછી ઓડિયન્સને સિનેમાઘર સુધી લાવવામાં કામ આવે તેવી છે.

વિરલનો અભિષેકને સવાલ-અભિષેક, એમ કહેવાતું હતું કે તારો કમ્ફર્ટ ઝોન અર્બન છે, અમદાવાદી ટિપીકલ લોકો, ભાષા, હ્યુમર...એવા યુથને લઇને તારી ફિલ્મો આવતી હતી. પણ વિઠ્ઠલ તીડી એટલે ૭૦ના દસકાનું સૌરાષ્ટ્ર છે. જુદા જ જોનરમાં જવાનો વિચાર-હિમ્મત કયાંથી આવ્યા?

અભિષેક-હું ગુજરાતી નથી, મારા માટે ફિલ્મો બનાવવી એટલે ગુજરાતી ભાષા અને ગુજરાતી કલ્ચર સમજવાનું માધ્યમ છે. હું ફિલ્મો બનાવીને ગુજરાતી ભાષા શીખી રહ્યો છું. હું ફિલ્મો બનાવીને ગુજરાતી કલ્ચરને વધારે જાણી રહ્યો છું. એ જ રીતે કેવી રીતે જઇશ અને બે યાર બનાવી.

મારી પાસે બે વાર્તા આવી તો અલગ ભાષા પ્રત્યેના આકર્ષણને કારણે થયું. આખી સિરીઝ બનાવતી વખતે પાંચ સારા શબ્દો શીખવા મળી જાય તો હું ધન્ય થઇ જાવ. હું ગુજરાતી સાહિત્યને જાણવા માંગતો હતો. કાઠીયાવાડી ભાણુ ખાતા હોઇએ તેને અસલી જિંદગીમાં જોવાની મજા જ અલગ છે. કાઠીયાવાડનો અસલી ફલવેર જાણવા મળ્યો, લોકો જાણવા મળ્યા, ખુબ મોજીલા હોય, તેમને બધા પ્રત્યે ખુબ પ્રેમ હોય. ગીર વિસ્તારમાં શુટીંગ વખતેં આ અનુભવ થયો.

વિરલે ટોક શો આગળ વધારતાં કહ્યું-કાઠીયાવાડની વાત છે તો વિરલ રાચ્છ કાઠીયાવાડી છે, અકિલા પણ કાઠીયાવાડનું ઘરેણુ છે, ગુજરાતી ઓટીટી પ્લટફોર્મ 'ઓહો ગુજરાતી' પહેલી જ વાર 'અકિલા'ના માધ્યમથી લોકો સુધી પહોંચ્યું. આ પ્લેટફોર્મના રચયીતા અને પહેલી સિરીઝના હીરો એમ બધા અકિલાના ડિજીટલ માધ્યમથી જોડાયા એ ગોૈરવની વાત છે. 

વિરલનો સવાલ-પ્રતિક અગાઉના પાત્રોમાં કાઠીયાવાડી ટોન નહોતો, વિઠ્ઠલ તીડી કરીને કાઠીયાવાડી પાત્ર સ્વીકારવું કેમ અલગ લાગ્યું?

પ્રતિકનો જવાબ-મોહનનો મસાલો એ કાઠીયાવાડી હતું. મોહનચંદ કરમચંદ ગાંધીનો કોઇ ઓડિયો નથી, અમે ચાન્સ લીધો અને એમાં સફળ થયા. કાઠીયાવાડી ભાષાની લઢણ અલગ હોય, કાઠીયાવાડી હ્યુમર અલગ જ હોય.

વિરલે ઓહો ગુજરાતીની પ્રથમ વેબ સિરીઝ  વિઠ્ઠલ તીડીમાં સંગીત આપનાર કેદાર અને ભાર્ગવના પણ વખાણ કર્યા હતાં. આદિત્ય ગઢવીએ પણ આમાં એક ગીત ગાયું છે તેની પણ વાત કરી હતી.

વિરલ-અભિષેક ઓહો પર બીજી કઇ કઇ વેબસિરીઝ આવશે પ્રકાશ પાડો?

અભિષેક-જામનગરના જય વિઠ્ઠલાણી અભિનીત સિરીઝ છે. સિરીઝનું નામ  છે ટ્યુશન. જેને જુનાગઢમાં શૂટ કરવામાં આવી છે. આ પછી પણ સતત નવા શો દર દસ દિવસે આવતા રહેશે

મિલીન્દ ગઢવીએ સવાલ કર્યો કે-કોઇ સાહિત્ય વિશેનું આયોજન ખરૂ?

અભિષેકે કહ્યું-આ ચળવળ શરૂ કરી ત્યારથી જ અમે સાહિત્યને લઇને કંઇક કરવાનું નક્કી કર્યુ હતું. આ મહિને શો આવશે 'સાંભળો છો?' જેમાં પાંચ વાર્તા ઝવેરચંદ મેઘાણી સાહેબની છે. આ પાંચ વાર્તા અલગ-અલગ કલાકારોએ ભજવી છે. આ શો આરોહીએ એડિટ કર્યો છે.

વિરલ-આરોહી અભિનેતા સિવાય એડિટર તરીકે કઇ રીતે કામ કરે છે?

આરોહીએ કહ્યું-હું પહેલા એડિટર જ હતી, રેડિયો સ્ટેશનમાં કામ કરતી ત્યારે શીખી, ન્યુઝ ચેનલમાં પણ એડિટર તરીકે કામ. એડિટીંગ મારો પહેલો પ્રેમ. ઓહોની વાત આવી ને અભિષેકભાઇએ કહ્યું તો અમારી ટીમે તરત બે શો, સાંભળો છો? અને મન ફિલ્ટર્ડ માટે કામ સ્વીકાર્યુ. આ બે શો મેં એડિટીંગ કર્યા છે.

વિરલ-અભિષેક હવે પછીના એપિસોડ વિઠ્ઠલ તીડીના કયારે આવશે? અભિષેકે કહ્યું- સાતેક મહિનામાં નવા શો આવશે.

વિરલ-અભિષેક તમે ઓટીટી પ્લેટફોર્મના નામ 'ઓહો' સુધી  કેવી રીતે પહોંચ્યા?

અભિષેકનો જવાબ-અમે ઓટીટી પ્લેટફોર્મ વિશે વિચાર્યુ તો એના નામકરણ વિશે પ્રશ્ન આવ્યો. વાર્તાઓ પણ લોકોની લીધી તો નામ પણ જનતા જ આપશે એમ નક્કી કરી એક કોલ રાખ્યો કે સુચનો આપો. બધાએ ઘણા નામો આપ્યા તેમાંથી ત્રણ નામો ગમ્યા, તેનો પણ અલગ રાઉન્ડ રાખ્યો અને તેમાં સૌથી વધુ મત 'ઓહો' નામને મત મળ્યા ને ઓહો નામ ફાઇનલ થયું.

વિરલ-ઓહો પરના આગામી શોનું શું આયોજન છે, કેવી વાર્તાઓ હશે?

અભિષેક-લોકડાઉનમાં અમે ૧૨ શો શુટીંગ કર્યા છે. ઓહોના બીજા ૧૧ શો તૈ્યાર છે, એક જુનાગઢ બેઝ, એક મોટીવેશનલ પર, એક શોમાં ઓરોહી ઓકે બોસ-અમદાવાદ અર્બન ઓફિસ કલ્ચર બેઇઝ, એક શોમાં છ ભાઇબંધની વાત છે, એક શો યુએસએની છે,

વિરલ-પ્રતિક ગાંધી ને મલ્હાર ઠાકરને જોયા, ખુબ પસંદ આવ્યા હવે પછી ઓહો પર હિતુ કનોડીયા અને હિતેન કુમાર પણ ભવિષ્યમાં જોવા મળે?

અભિષેક-હું એમને ડિરેકટ કરવા લાયક થઇ જાઇશ પછી ચોક્કસ એમને લઇને શો આપીશ.

વિરલનો પ્રતિક ગાંધીને સવાલ- આ કાળમાં તું પણ કોરોનાથી સંક્રમિત થયો હતો? કઇ રીતે તું લડ્યો? એના માટે કોઇ મેસેજ, સલાહ ટીપ્સ?

પ્રતિક-મને ગયા વર્ષે જુલાઇમાં કોરોના થયો હતો. મારા પરિવારને પણ થયો હતો, ઘરમાં જ હતાં છતાં થઇ ગયો. ખબર જ ન પડી કે કેમ થયું? કોવિડમાં એવું કે એકને થાય એટલે બધાને થાય. હું શરૂઆતમાં ખુબ ગભરાઇ ગયો. મુંબઇના ઘર મોટા નહોતા કે બધા અલગ અલગ રૂમમાં રહી શકીએ. પણ પછી ડોકટરની સલાહ લીધી અને સમજ્યું કે પરિસ્થિતિ આ જ છે, સૌ પહેલા તો ભયમાંથી બહાર આવો. સારું વિચારો,  શારીરિક ફિટનેસ-સારી ઉંઘ-આઠ કલાકની ઉંઘ, ઘરનું તાજુ જમવાનું. બ્રિધીંગ એકસરસાઇઝ, હળવા યોગા આ બધુ કર્યુ અને અમે સાજા થયા હતાં. પ્રતિકે આગળ કહ્યું-આ એવો સબજેકટ છે જેમાં બધા ગ્રેજ્યુએશન કરશે. છેલ્લે સૌથી મહત્વની વાત પ્રતિકે એ કરી કે-વેકસીન ચોક્કસપણે લઇ લેજો.

વિરલે પણ આ તકે કહ્યું કે-કોરોના સામે લડવા હાથવગું હથીયાર વેકસીન જ છે, અમે અકિલાના માધ્યમથી વારંવાર આ વાત દોહરાવી છે કે વેકસીન જ હથીયાર છે તેનાથી દૂર ન રહીએ.

વિરલ-દરેક ગુજરાતીઓ માટે આપ ત્રણેય ત્રણેયનો મેસેજ શું હશે?

પ્રતિક-ઓહો ગુજરાતી પ્લેટફોર્મ તમારુ છુ, તેને ચલાવવાનું કામ તમારુ છે. અમે પાછળ રહીને સતત નવું આપતા રહીશું. અત્યારનો સમય જોતાં તમારા ઉમળકાને પકડી રાખજો, ઘરમાં જ રહેજો, રિસ્ક લેવાની જરૂર નથી,  રિસ્ક  હૈ તો ઇશ્ક હૈ એ સિરીઝમાં સારુ લાગે, રિયલ લાઇફમાં કોઇ રિસ્ક લેવા જેવા નથી. ઘરે રહો, સલામત રહો.

આરોહીએ કહ્યું-ઓહો ડાઉનલોડ કરો સબસ્ક્રાઇબ્સ કરો, અમે કહીએ છીએ એટલે નહિ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી ભેગી થઇને આ લાવી રહી છે. બધા કલાકારો-ટીમો જોડાયા છે. ઘણી બધું અહિ મજા આવે તેવું આવશે. વિશ્વાસ રાખો. આ સમયમાં સલામત રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને ઘરમાં જ રહો.

અભિષેક-લોકોને વિનંતી કે બહુ લોકોની મહેનત, પ્રમાણિકતાથી અમે ઓહો ઓટીટી લાવ્યા છીએ. ઓહો ગુજરાતી હવે દુનિયાભરના ઓટીટી પ્લેટફોર્મની સાથે છે એ જોઇને અંદરથી રાજીપો આવે છે. લોકોને કહીશ કે ઘરે રહો, સલામત રહો, તમારા મનોરંજનની ચિંતા ન કરો, એ અમે સાચવી લઇશું. દર દસ દિવસે નવો કાર્યક્રમ ઓહો આપશે.

ટોક શોના અંતમાં સુપ્રસિધ્ધ સંચાલક-દિગ્દર્શકશ્રી વિરલ રાચ્છે સૌનો આભાર માનતા કહ્યું કે- 'અકિલા' અખબારની સાથે અકિલા પબ્લીકેશન્સ પણ છે. તેની વર્ષગાંઠ આવી ગઇ છે. બે પુસ્તકો અહિથી આપી ચુકાયા છે અને ત્રીજુ હવે આવશે. અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા અને ટીમ ગુજરાત્રીના નિમીષભાઇ ગણાત્રા, મિલિન્દ ગઢવી, હિરેન સુબા વતી હું સૌનો આભાર વ્યકત કરું છું. અકિલાઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રીના આ ટોકશોને આપ કોઇપણ સમયે ફેસબૂક પર નિહાળી શકો છો, માણી શકો છો.

ગુજરાતીઓએ આગમન સાથે જ 'ઓહો'ને હિટ કરી દીધું: એક ચાહકે કહ્યું-પાયરેટેડ લિંક હતી છતાં ઓરિજિનલ સબક્રાઇબ્સ કર્યુ છે, કારણ કે મા તથા માતૃભાષાનું કોઇ મુલ્ય નથી!

. અભિષેક જૈને કહ્યું હતું કે- ગુજરાતીઓએ મને સરપ્રાઇઝ કર્યા છે. અમે ઓહોનું લોન્ચીંગ કર્યુ ત્યારે ૧૧ હજાર લોકોનું લોડ ટેસ્ટીંગ કર્યુ. પરંતુ ૭૦ સેકન્ડમાં ૫૦૦૦ ડાઉનલોડ થઇ ગયા. સાંજે પાંચથી રાતે ૧ાા સુધી ૧ લાખ વ્યુઅર્સ મળી ગયા. અમે આના માટે તૈયાર નહોતાં. પણ આના પરથી સ્પષ્ટ થયું કે અસંખ્ય લોકો ઓહો ગુજરાતીને ડાઉનલોડ કરવા માંગે છે. ગુજરાતીઓએ પહેલા જ દિવસે ઓહોને હિટ કરી દીધુ છે. વિરલે કહ્યું હતું કે-ઓહો ડાઉનલોડ કરી સબસ્ક્રાઇબ કરવાનું છે. ટેલિગ્રામ પર નહિ હોય? તેવા સવાલ સામે અભિષેકે કહ્યું-તમે પાયરેટેડ જોવા માંગો છો કે ઓરિજીનલ એ તમારા પર આધારીત છે. એક ચાહકે મને સ્ક્રીન શોટ સાથે કહેલું કે તેની પાસે ટેલિગ્રામની લિંક છે, છતાં તેણે ઓહો ઓરિજીનલ સબસ્ક્રાઇબ્સ કર્યુ છે. આવું કરવા પાછળ તેનો જવાબ હતો કે-મા અને માતૃભાષાનું કોઇ મુલ્ય નથી.

ઓહો ગુજરાતી પર વર્ષમાં ૩૫ જેટલા શો સપરિવાર બેસીને જોઇ શકાય એવા આવશેઃ અભિષેક જૈન

બીજુ ઘણું બધુ અહિ છેઃ કલાસીકલ અને હાલના દસકાની ફિલ્મો, સંગીત, દર દસમા દિવસે નવો શો એમ બધુ મળશે અને એ પણ ગુજરાતીમાં

.વિરલે એક પ્રેક્ષક વતી પુછાયેલો સવાલ અભિષેકને કર્યો હતો કે માત્ર વિઠ્ઠલ તીડી માટે જ આખા વર્ષનું સબક્રિપ્શન ભરવાનું છે?...આનો જવાબ આપતાં ઓહો ગુજરાતીના રચયિતા અભિષેક જૈને કહ્યું કે-માત્ર વિઠ્ઠલ તીડી માટે નહિ પણ આખા વર્ષ માટે અમે જે આપશું એના માટે ૪૯૯ રૂપિયા છે. અહિ ગુજરાતી કલાસીક ફિલ્મો, આ દસકાની ફિલ્મો, મ્યુઝિક વિડીયો, વેબ શો એમ બધુ જ છે. વિઠ્ઠલ તીડી તો શરૂઆત છે. દર દસમા દિવસે ઓહો  ગુજરાતી પર નવો શો આવશે. આગામી ૨૦મીએ કડક મીઠી, પછી સાંભળો છો? એમ નવા નવા શો આવતા જ રહેશે. માત્ર વિઠ્ઠલ તીડી માટે ૪૯૯ નથી. ગણતરીના હિસાબે જાવા તો ઓછામાં ઓછા ૩૬ શોનું પ્રોમીસ અમે આપીએ છીએ. પ્રતિસાદ સારો હશે તો ૫૦ શો પણ થઇ શકે. દોઢ વર્ષમાં ઓટીટી પર ઘણુ બધુ જોયું . એ જોઇને ઘણા એવા લોકો કહેતાં કે પરિવાર સાથે બેસીને આ જોવાય એવું નથી. અશ્લિલતાનો પ્રયોગ થાય છે, આપણે બધા પરિવાર સાથે બેસીને જોઇએ. એવા ભરપુર શો અહિ અમે આપીશું તેની ગેરેંટી છે.

પ્રતિક ગાંધીની ત્રણ હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહ્યા છે

સ્કેમ-૧૯૯૨ પછી રાતોરાત સુપરહિટ થઇ ગયેલા પ્રતિક ગાંધી પાસે કામનો ઢગલો છે. તે હાલમાં ત્રણ હિન્દી ફિલ્મો કરી રહ્યો છે. જેમાં એક વો લડકી હૈ કહાંનું શુટીંગ ઓકટોબરમાં શરૂ કરશે. હાલમાં તિગ્માંશુ ધુલીયાની સિરીઝ સિકસ સસ્પેકટનું શુટીંગ ચાલુ છે, એ સિવાયની ફિલ્મો, સિરીઝનું એનાઉન્સ પણ તે કરશે અને કોરોનાકાળ પછી એ ફરી ગુજરાતી નાટક પણ કરશે.

'ઓહો ગુજરાતી' પ્લેટફોર્મ પર શું શું હશે?

ઓહો ગુજરાતી પર ઓરીજીનલ ગુજરાતી વેબ સિરીઝ, ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, ડોકયુમેન્ટ્રીઝ, નાટકો, સાહિત્ય, ટોક શો અને મ્યુઝિક વિડીયોનો ખજાનો જોવા મળશે. આની ઝલક ટીમ અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રીના નિમીષભાઇ ગણાત્રાએ વિડીયો વિઝયુઅલથી આપી હતી.

(11:50 am IST)