મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

બીજી લહેરમાં કોરોના પેશન્ટને હોસ્પિટલમાં વધારે દિવસ રહેવું પડે છે

ફેફસામાં વધારે નુકસાન પહોંચ્યુ હોય તેવા લોકોને એકાદ મહિનો ઓકિસજન સપોર્ટની પડે છે જરૂર

નવી દિલ્હી તા. ૧૧ : કોરોનાની બીજી લહેરમાં ભારતમાં કોરોના પેશન્ટનો હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો વધી ગયો હોવાનું ડોકટરો કહે છે. આનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓ આઇસીયુમાં લગભગ ૨૫ દિવસ રહે છે અને કોરોના નેગેટીવ રીપોર્ટ આવ્યા પછી પણ તેમને ઓકસીજન સપોર્ટની જરૂર પડે છે.

હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો દર્શાવે છે કે રોગની ગંભીરતા કેટલી છે. હોસ્પિટલો અનુસાર સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પેશન્ટો પણ હોસ્પિટલમાંથી ૧૦ થી ૧૪ દિવસે બહાર આવે છે. જ્યારે ગંભીર દર્દીઓ મેડીકલ ઓકસીજનની જરૂરીયાતના લીધે એકાદ મહિનો હોસ્પિટલમાં ગાળે છે.

ફોર્ટીસ મેમોરીયલ રીસર્ચ ઇન્સ્ટીટયુટના ન્યુરોલોજીના ડાયરેકટર ડો. પ્રવીણ ગુપ્તા કહે છે કે બીજી લહેરમાં હોસ્પિટલમાં ગંભીર દર્દીઓને વધારે દાખલ કરાતા હોવાથી હોસ્પિટલમાં રહેવાનો તેમનો સમયગાળો વધી જાય છે. કોરોના નેગેટીવ થયા પછી પણ દર્દીઓએ બહારના ઓકસીજન પર આધાર રાખવો પડે છે કેમકે તેના ફેફસાને નુકસાન થયું હોય છે, એટલે તેમને આઇસીયુમાં પંદરેક દિવસ વધારે રહેવું પડે છે અને ઓકસીજન તો ઘણીવાર એકાદ મહિના સુધી આપવો પડે છે.

(11:46 am IST)