મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

મહિલાઓ માટે વધુ ખતરનાક સાબિત થઈ રહી છે બીજી લહેર

આ લહેરમાં પ્રથમ વેવની અપેક્ષામાં મહિલાઓ વધુ સંક્રમિત થઈ રહી છે : જયારે મહિલાઓ ઘરેથી ઓછી નિકળે છે

હૈદરાબાદ,તા.૧૧: કોરોના મહામારીની બીજી લહેર એ દેશમાં તબાહી મચાવી છે. પ્રથમ લહેરે સૌથી વધુ વૃદ્ઘોને ઝપેટમાં લીધા તો બીજી લહેરમાં નાની ઉંમરના લોકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. આંકડામાં આ વાત સામે આવી છે કે બીજી લહેરમાં મહિલાઓ વધુ સંક્રમિત થઈ રહી છે, આ ચિંતાનો વિષય છે.

હૈદરાબાદના હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે બીજી લહેરમાં કુલ સંક્રમિત મહિલાઓી ટકાવારી ૩૮.૫ ટકા છે, જે પાછલા વર્ષે જુલાઈમાં ૩૪ ટકા હતા. જો દેશભરના આંકડાની વાત કરીએ તો મહિલાઓ ૩૫.૪ ટકા સંક્રમિત થઈ છે. તો કુલ સંક્રમિતોમાં ૬૪.૬ ટકા પુરૂષ છે.

સવાલ ઉઠે છે કે આ વખતે મહિલાઓ વધુ સંક્રમિત કેમ થઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મહિલાઓમાં સંક્રમણ વધવાનું કારણ વાયરસનું મ્ટૂટેટ થવું છે એટલે કે વાયરસના સ્વભાવમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે. મહિલાઓ સિવાય ઓછી ઉંમરના લોકો પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં પણ બાળકો અને મહિલાઓ માટે ખતરો ગણાવવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ત્રીજી લહેર જરૂર આવશે.

વાત કરીએ પાછલા વર્ષની તો સૌથી વધુ મહિલાઓ સંક્રમિત બિહારમાં થઈ. બિહારમાં ૪૨ ટકા મહિલાઓ સંક્રમિત થઈ હતી. જયારે મહારાષ્ટ્રમાં ૩૮ ટકા, કર્ણાટકમાં ૩૬ ટકા અને તમિલનાડુમાં ૩૨ ટકા મહિલાઓ સંક્રમિત થઈ.

બ્રાઝિલમાં પણ આ વખતે વાયરસનો નવો સ્ટ્રેન મહિલાઓને વધુ સંક્રમિત કરી રહ્યો છે. ત્યાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓમાં ઓકિસજનની કમી વધુ થઈ રહી છે પરંતુ આવુ ગર્ભવતી મહિલાઓના કેસમાં થઈ રહ્યું છે. ડિલિવરી પહેલા કે બાદમાં ઓકિસજનની કમી થઈ રહી છે. બ્રાઝિલમાં સૌથી વધુ મોત ગર્ભવતી મહિલાઓના થઈ રહ્યાં છે.

(11:13 am IST)