મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

મુંબઇના લોકો લગ્નની સિઝનમાં રાજકોટની સોની બજારમાંથી વર્ષે કરે છે ૧૦૦ કરોડની ખરીદી

રાજકોટની સોની બજાર છે જગવિખ્યાતઃ પ્યોરિટી અને કારીગરી ઉપરાંત નવી ડિઝાઇનને કારણે રાજકોટની પસંદગી : રાજકોટની સોની બજારમાં ૨૫૦૦ થી માંડીને ૨૫ લાખના દાગીના તૈયાર મળે છેઃ ખાલી નેકલેસ કે રીંગની ૧૫૦૦ ડિઝાઇન જોવા મળે

રાજકોટમાંથી દર વર્ષે ચાંદીના ઓછામાં ઓછાં એક લાખ આર્ટિકલ ગિફટ તરીકે વેચાય છે જેમાંથી લગભગ અડધોઅડધ આઇટમ મુંબઇવાસીઓ દ્વારા ડાયરેકટ કે ઇનડાયરેકટ ખરીદવામાં આવે છે.(તસ્વીરઃ ચિરાગ ચોટલિયા)

મુંબઇ તા.૧૧: રાજકોટની સોનીબજારના દાગીના જગવિખ્યાત છે અને એમાં કોઇ નવી વાત નથી, પણ રાજકોટની સોનીબજારમાં મેરેજ-સીઝન સમયે માર્કેટ સવારે એક કલાક વહેલી ખૂલીને રાતે એક કલાક મોડી બંધ થાય છે એની જૂજ લોકોને ખબર હશે. ૮ને બદલે ૧૦ થી ૧૧ કલાક દુકાન ખુલ્લી રાખવા માટે પોલીસ કે કોર્પોરેશન દ્વારા કોઇ વિરોધ પણ કરવામાં આવતો નથી. મહત્તમ લોકોને એની પણ ખબર નહી હોય કે રાજકોટ-મુંબઇ ફલાઇટના ટાઇમિંગ મુજબ સોનીબજારના વેપારીઓ મુંબઇથી આવતા કે મુંબઇ જતા કસ્ટમરને લેવા-મૂકવાની સગવડ પણ આપે છે. વધુ એક વાત, રાજકોટની સોની બજાર મેરેજ સીઝન દરમ્યાન જો તેમને આગોતરી જાણ કરવામાં આવે તો આવનારા કસ્ટમર માટે હોટેલ-બુકિંગથી માંડીને તેમની જમવાની અને તેમને અન્ય કોઇ જગ્યાએ ખરીદી કરવા જવું હોય તો એની પણ અરેન્જમેન્ટ કરી આપે છે. લેવામાં આવતી આ તકલીફનું મુખ્ય કારણ જો કોઇ હોય તો એ છે કે મુંબઇગરા દર વર્ષે તેમની ફેમિલીના લગ્નપ્રસંગ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી રાજકોટમાંથી કરે છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ અસોસિએશનના સિનિયર મેમ્બર મુકુંદ સોનીએ કહ્યું કે 'મુંબઇની ખરીદી રાજકોટમાંથી થાય એ પ્રથા વર્ષોજૂની છે. પ્યોરિટી અને કારીગીરી ઉપરાંત નવી ડિઝાઇનને કારણે રાજકોટ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે સોનીબજારમાં ૧૦૦ કરોડ રૂપિયા જેટલી ખરીદી મુંબઇવાળાઓએ કરી છે.'

રાજકોટની સૌથી મોટી ખાસિયત એ છે કે રાજકોટમાં વરવધૂ બન્નેની કમ્બાઇન્ડ ડિઝાઇનના વેડિંગ-સેટ બનાવવા ઉપરાંત રાજકોટની સોનીબજારમાં અઢી હજારથી માંડીને પચીસ લાખ રૂપિયાના દાગીના તૈયાર મળે છે. આ ભાવની વાત થઇ, પણ એવું જ ઓર્નામેન્ટ્સમાં છે. રાજકોટની સોનીબજારમાં જો ફરો તો આ એક જ માર્કેટમાં ખાલી નેકલેસની ૧૫૦૦ ડિઝાઇન જોવા મળે તો વેડિંગ-રિંગની પણ લગભગ એટલી જ વેરાઇટી જોવા મળે. વરાઇટીઓમાં નવીનતા અને ભાવમાં આટલી મોટી રેન્જ દેશઆખાના એક પણ સોનીબજારમાં નહી હોવાથી પણ રાજકોટને પસંદ કરવામાં આવે છે એવું માનતા રાજકોટના જાણીતા શો-રૂમ જેપી ગોલ્ડ ગેલરીના જગદીશ પાલા કહે છે, 'સોનાના દાગીના વિશ્વાસના આધારે ખરીદાતા હોય છે. રાજકોટની જવેલરી માર્કેટ પર અજાણ્યાઓને પણ વિશ્વાસ છે. રાજકોટના અમુક સોનીઓ તો એવા છે કે તેમને ત્યાં આજે કસ્ટમરની ત્રીજી અને ચોથી પેઢી ખરીદી કરવા આવે છે. આટલો લાંબો સંબંધ હોવાથી અમારા ગ્રાહક પાસેથી અમને દાગીનાના પ્રુફની પણ જરૂરી નથી પડતી. અમે ઓર્નામેન્ટ્સ હાથમાં લઇને જ ઓળખી જઇએ છીએ કે એ દાગીનો અમારો છે કે નહીં. જો દાગીનો અમારો હોય તો અમે પુરાવા વિના જ અદલાબદલી કરી આપીએ છીએ.'

રાજકોટના દાગીનાની એક બીજીએ પણ ખાસિયત છે કે  એ જયારે રાજકોટમાં બનીને બીજા શહેરમાં વેચાવા જાય છે ત્યારે એના મજૂરીકામમાં ૭૫ થી ૨૫૦ ટકાનો વધારો થઇ જાય છે. સાદા શબ્દોમાં સમજાવીએ તો કહી શકાય કે રાજકોટમાં ૧૦ ગ્રામના દાગીના પર ૩૦૦૦ રૂપિયાની મજુરી લેવામાં આવે તો એ જ દાગીનાની મજુરી મુંબઇ અને બીજા શહેરોમાં સાડાપાંચથી આઠ હજાર જેટલી થઇ જાય છે. આટલી મજૂરી ચૂકવ્યા પછી પણ વરાઇટી જોવા મળ્યાનો સંતોષ થતો ન હોવાથી મોટા ભાગના લોકો રાજકોટ આવીને દાગીના ખરીદવાનું પસંદ કરે છે.

ચાંદીનું પણ મહત્વ અદકેરૃં

મુંબઇવાસીઓ રાજકોટમાંથી ખરીદી કરે છે એની પાછળ માત્ર સોનાના દાગીના જ જવાબદાર નથી, રાજકોટની સોનીબજારમાં બનતા ચાંદીના વિવિધ ઓર્નામેન્ટ્સ, ગિફટ આર્ટિકલ અને પ્રેઝન્ટેશન આઇટમ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. બોરીવલીના એક બિલ્ડરે હમણાં તેની દીકરીનાં મેરેજની યાદગીરી રૂપે જાનમાં આવનારા સૌ મહેમાનોને ગિફટ આપવાની હતી. દિલ્હી અને છેક ચાઇનાથી ગિફટ આર્ટિકલ મગાવ્યા, પણ કોઇ આઇટમમાં રસ પડતો નહોતો. છેવટે તેમને રાજકોટના ચાંદીના ગિફટ આર્ટિકલ યાદ આવ્યાં એટલે તે રાજકોટ આવ્યા અને રાજકોટમાં તેમણે લક્ષ્મીજીની તસવીરવાળા સિલ્વર કોઇન બનાવડાવ્યા, જેમાં બીજી સાઇડ પર પોતાની દીકરીની તસવીર પણ કોતરવામાં આવી હતી. ચાંદીના આર્ટિકલ્સના રાજકોટના જાણીતા વેપારી અલંકાર આર્ટિકલ્સના માલિક મનોજ જશાપરાએ કહ્યું કે 'પ્લાસ્ટિકના ડબ્બા કે શો-પીસની કોઇ વેલ્યુ હવે રહી નથી. મેરેજમાં કાકા,મામા,દાદા,ફુવા, ફઇબા,ભાભી,કાકી જેવા રિલેટિવને ગિફટ આપવાની પ્રથા હવે પરંપરાગત બની ગઇ છે. કોઇને આવી ગિફટ આપવી  ગમતી નથી. એની સામે ચાંદીની આઇટમ સારી પણ લાગે છે અને સસ્તી પણ પડે છે. રાજકોટની સોનીબજારમાં ચાંદીની આઇટમમાં અઢળક વેરાઇટી મળી જાય છે.'

જો જર્મન સિલ્વરની વાત કરીએ તો રાજકોટમાં ૨૦ રૂપિયાથી માંડીને ૫૦૦૦ રૂપિયાની આઇટમ જર્મન-સિલ્વરમાં મળી જાય છે, જ્યારે ચાંદીમાં ૧૦૦ રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીની વેરાઇટી મળી જાય છે. જૂન મહિનામાં મુંબઇમાં થયેલા એક મેરેજમાં પાર્લાના કચ્છી બિલ્ડરે ૧૦,૦૦૦ ચાંદીના કિચન પોતાનાં સગાસંંબંધીઓ, પોતાની પાસેથી ફલેટ લેનારા કસ્ટમર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ભેટ તરીકે આપ્યા હતા. આ કિચન રાજકોટમાં બનાવવામાં આવ્યા હતા. નામ મુજબના અંગ્રેજી આલ્ફાબેટનાં એ કિચન ૭૦ રૂપિયામા પડ્યા હતા. કિચન બનાવનારા સુરેશભાઇ શેઠે કહ્યું કે 'ચીનમાં જેમ પ્લાસ્ટિકની આઇટમની મજુરી ઓછી છે એવી રીતે રાજકોટમાં સોના-ચાંદીના કારીગરની મજૂરી સાવ ઓછી છે. મુંબઇમાં આ ભાવમાં સારી કોફી-શોપમાં કોફી નથી મળતી, પણ રાજકોટમાં એ કિંમતમાં આકર્ષક અને યાદગાર બની શકે એવી ચાંદીની ગિફટ મળી જાય છે. આ જ કારણ છે કે મુંબઇવાસીઓ મેરેજ કે શુભ પ્રસંગે રાજકોટમાંથી ખરીદી કરવાનું રાખે છે.'

સોનીબજાર અને સેલિબ્રિટી

હેમા માલિનીએ વર્ષો પહેલા જ્યારે ધર્મેન્દ્ર સાથે વિધિવત્ રહેવાનું નક્કી કર્યુ ત્યારે હેમા માલિની માટે રાજકોટના એચ.પાટડિયા બ્રધર્સમાં દાગીના બનાવવામાં આવ્યા હતા. આ વાતને લગભગ અઢી દાયકા વીતી ગયા. અઢી દાયકા પછી પણ રાજકોટની સોનીબજાર અને સેલિબ્રિટીનો આ સંબંધ અકબંધ રહ્યો છે, પણ ગયા વર્ષે જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના મેરેજ થયાં ત્યારે અનુષ્કાના દાગીના રાજકોટમાં બન્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની વેડિંગ-રિંગ પણ રાજકોટમાં બનાવવામાં આવી હતી. સેલિબ્રિટી માટે ઓર્નામેન્ટ્સ બનાવવામાં એકસપર્ટ ગણાતા કૃતિ જવેલર્સના માલિક પ્રદીપભાઇ કંસારાએ કહ્યું હતું કે 'સેલિબ્રિટીની ડિમાન્ડ અઘરી હોય છે. તે બેત્રણ અલગ-અલગ જેનરની ડિઝાઇન મિકસ કરીને ઓર્નામેન્ટ્સ બનાવડાવે છે. આ કામ ઝીણવટભર્યુ છે અને રાજકોટના કારીગર એ કામમાં એકસપર્ટ છે એટલે તેમનાં ઓર્નામેન્ટ્સ રાજકોટમાં બને છે.'

માધુરી દીક્ષિતે મેરેજ વખતે જે ઓર્નામેન્ટ્સ પહેર્યા હતા એ પણ રાજકોટમાં અને કૃતિ જ્વેલર્સમાં ડિઝાઇન થયાં હતા અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ બનવાનું નક્કી કર્યા બાદ ઐશ્વર્યા રાયે જે દાગીનાની ડિઝાઇન ફાઇનલ કરીએ પણ ગોલેચા જ્વેલર્સ થકી રાજકોટમાં જ બનવા આવી હતી. ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાને પહેલું ઓર્નામેન્ટ જે પહેરાવવામાં આવ્યું હતું એ અંગ્રેજીના 'એ'   અક્ષરની વીંટી પણ રાજકોટમાં બનાવવામાં આવી  છે તો ગ્રેટ ક્રિકેટર સચિન તેન્ડુલકરના ઘરમાં સોનાના સાંઇબાબાની મૂર્તિ છે એ મૂર્તિ પણ રાજકોટમાં અંબર જવેલર્સમાં બનાવવામાં આવી હતી.

મુંબઇગરાઓની પહેલી પસંદગી

રાજકોટની સોનીબજારમાં ખરીદી કરવા આવતા મુંબઇવાસીઓમાંથી શ્રીમંત પરિવાર મોટા ભાગે એન્ટિક કેટેગરીના દાગીના પસંદ કરે છે, જ્યારે મિડલ કલાસ વજનમાં હળવા પણ દેખાવમાં ભારેખમ લાગતા હોય એવા દાગીના પસંદ કરતો હોય છે. રાજકોટની જેપીએસ ગોલ્ડ ગેલરીના સોનલ પાલા કહે છે, 'એન્ટિક સેટ ૧૫૦ ગ્રામથી શરૂ થઇને ૭૫૦ ગ્રામ સોનામાં બનતો હોય છે, જ્યારે લાઇટવેઇટ સેટ ૨૦ થી ૩૦ ગ્રામમાં બની જાય છે. રાજકોટની સોનીબજાર એકમાત્ર એવી બજાર છે જ્યાં અઢી તોલા સોનાનો સેટ મળે છે. આ પ્રકારના સેટમાં નફો બહુ ઓછો હોવાથી કોઇ રાખવાનું પસંદ નથી કરતું, પણ રાજકોટની કારીગરી ફેમસ હોવાથી હજી રાજકોટમાં એ પ્રકારના સેટ બનાવવાનું ચલણ ઘટ્યું નથી.'

ચાંદીની વાત કરીએ તો રાજકોટમાં બનતી પાયલ મુંબઇવાસીઓને સવિશેષ પસંદ છે. કદાચ દેશનું એકમાત્ર શહેર રાજકોટ એવું છે જ્યાં ચાંદીની પાયલમાં અલગ-અલગ ૧૦૦ થી ૨૦૦ જેટલી વરાઇટી જોવા મળી જાય છે.

ચણિયાચોળીની ડિમાન્ડ પણ અનોખી

મેરેજ-સીઝન દરમ્યાન રાજકોટના ચણિયાચોળી અને સાડીની પણ જબરદસ્ત ડિમાન્ડ રહે છે. રાજકોટના ચણિયાચોળી સસ્તાં, ટકાઉ અને હાથગૂંથણીથી બનાવવામાં આવ્યાં છે એને કારણે એની માગ રહે છે, તો સાડીની ડિમાન્ડ રહે છે. રાજકોટના એકમાત્ર એકસકલુઝિવ ચણિયાચોળી શો-રૂમ 'અંબા આશ્રિત'ના માલિક જયેશ શાહે કહ્યું કે 'ચણિયાચોળી હવે તો દરેક શહેરમાં મળવા લાગ્યાં છે, પણ રાજકોટના ચણિયાચોળી બને છે જે એની સૌથી મોટી વિશેષતા છે. રાજકોટમાં અઢીસોથી અઢી લાખ રૂપિયાના ચણિયાચોળી બને છે અને મળે છે. મુંબઇવાસીઓને વજનમાં ભારે ન હોય એવાં ચણિયાચોળી વધુ ફાવતા હોવાથી તેમને માટે ખાસ ડિઝાઇન કરાવી આપવાની સુવિધા રાજકોટના વેપારી આપતા હોવાથી પણ મુંબઇવાળાઓને રાજકોટનાં ચણિયાચોળી ફાવી ગયાં છે.' મેરેજ-સીઝન દરમ્યાન રાજકોટમાંથી અંદાજે ૩૦ થી ૪૦ લાખ રૂપિયાના ચણિયાચોળી મુંબઇવાસીઓ ખરીદે છે. સંગીત-સંધ્યાને કારણે દાંડિયાનું ચલણ થોડું ઓછું થયું છે એટલે ચણિયાચોળીનો વેપાર ઘટ્યો છે, પણ એ ઘટાડો મામૂલી છે એવું પણ વેપારીઓનું કહેવું છે.

(3:30 pm IST)