મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

વિપક્ષોના વડાપ્રધાન પદના ઉમેદવાર સામ પિત્રોડા?

દેશના વર્તમાન વડાપ્રધાન ગુજરાતી અને ભાવી વડાપ્રધાન પણ (બીજા) ગુજરાતી જ રહે તો નવાઇ નહી : ભાજપ સિવાઇના પક્ષોને સરકાર રચવાની તક મળે તો ખેંચતાણ નિવારવા સર્વસ્વીકૃત નામ તરીકે ઉપસવાની શકયતા

રાજકોટ, તા., ૧૧: લોકસભાની ચૂંટણીનું તા.ર૩મીએ પરિણામ જાહેર થાય પછી કોઇ પક્ષોને બહુમતી ન મળે અને ભાજપના વિરોધી પક્ષોને સહીયારી સરકાર રચવાની  તક મળે તો સંભવીત ખેંચતાણ નિવારવા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત શ્રી સામ પિત્રોડાનું નામ ઉપસે તેવી શકયતા આધારભુત વર્તુળોએ દર્શાવી રહયા છે. કોંગ્રેસ કીંગ મેકરની ભુમીકામાં આવા પાસા ફેંકી શકે છે. પિત્રોડા સર્જીકલ સ્ટ્રાઇક અને ૧૯૮૪ના શીખ રમખાણોના મુદ્દે નિવેદન કરી હમણા વિવાદમાં આવ્યા છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પાસેના ટીકર ગામના વતની પિત્રોડા પરીવારના આ પુત્રરત્નનું નામ સત્યન છે પણ સામ પિત્રોડા તરીકે જાણીતા છે તેમનો જન્મ ૪ મે ૧૯૪રના દિવસે ઓડીશામાં થયેલ. તેમણે શાળાકીય શિક્ષણ વલ્લભ વિદ્યાનગરમાં અને સ્નાતક કક્ષાનું શિક્ષણ વડોદરામાં લીધું છે. અમેરીકાથી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. તેઓ ટેલીકોમ ઇજનેર છે. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા તે વખતે તેમના ટેકનોલોજી મિશનના સલાહકાર હતા. ર૦૦પ થી ર૦૦૯ સુધી નેશનલ નોલેજ કમિશનના ચેરમેન પદે હતા. ગાંધી પરીવારના વર્ષોથી વિશ્વાસુ કોંગ્રેસી છે. ચૂંટણીના પરીણામ પછીની રાજકીય સ્થિતિ પ્રવાહી થાય તો કોંગ્રેસ સંભવીત બીજા ક્રમના મોટા પક્ષ તરીકે બિન ભાજપી સરકાર રચવા કોઇને ટેકો આપવા કે લેવા તૈયાર છે. સ્પષ્ટ બહુમતીના અભાવના સંજોગોમાં રાહુલ ગાંધીના વિકલ્પે કોંગ્રેસની પસંદગી સામ પિત્રોડા હોય શકે. અન્ય સાથી પક્ષોમાં પણ તેમની સ્વીકૃતી સરળતાથી થઇ શકે તેમ કોંગ્રેસી વર્તુળોનું માનવું છે. તેઓ ગુજરાતી અને બક્ષીપંચ વર્ગના હોવાનું ઉલ્લેખનીય છે. કેટલાક રાજકીય સમીક્ષકો પણ વડાપ્રધાન પદ માટે સામ પિત્રોડાની સંભાવનાની ગંભીરતાથી ચર્ચા કરી રહયા છે.

(2:06 pm IST)