મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

સરકાર નવી યોજના લાવશે

પ્રાઇવેટ કારનો ટેકસી તરીકે ઉપયોગ થઇ શકશે

જો કે પ્રાઇવેટ કાર દિવસમાં વધુમાં વધુ ૩-૪ ટ્રીપ કરી શકશે

નવી દિલ્હી તા. ૧૨ : સરકાર ટૂંક જ સમયમાં પ્રાઈવેટ કારને ટેકસીની જેમ પેસેન્જર લઈ જવાની સુવિધા આપવા જઈ રહી છે. જો કે આખા દિવસમાં પ્રાઈવેટ કાર આવી વધુમાં વધુ ત્રણ કે ચાર જ ટ્રિપ કરી શકશે. પરિવહન મંત્રાલય કાર પૂલિંગ પોલિસી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ સમગ્ર યોજનાનો આશય પર્સનલ વાહનોની સંખ્યા ઓછી કરવાનો છે.

સૂત્રોનું કહેવું છે કે નીતિ આયોગે આ યોજના પર ઘણી મહેનત કરી છે. રાજય સરકાર આ યોજનાને યોગ્ય રીતે લાગુ પાડે તે માટે ખાસ તકેદારી લેવામાં આવી છે. સાથે જ આયોગે રાજય સરકારને એ પણ સૂચના આપી છે કે કાર પૂલ કરવાની વ્યવસ્થા ટેકસી અને કેબ સર્વિસ જેવી ન થઈ જાય. પેસેન્જરની સંખ્યા નિશ્ચિત કરવા માટે પ્રાઈવેટ ગાડી એગ્રીગેટરના માધ્યમથી પરિવહન મંત્રાલય સાથે જોડવામાં આવશે. પેસેન્જરનો કેવાયસી રેકોર્ડ જાળવવામાં આવશે. પર્સનલ કારની આ સર્વિસ શરૂ કરતા પહેલા કાર માલિકે ઈન્શ્યોરન્સ કરાવવું પડશે.

સૂત્રોએ જણાવ્યું આવા વાહનોની વિગતો વાહન ડેટાબેઝના માધ્યમથી સુરક્ષિત કરવામાં આવશે. આ ડેટાબેઝ આધારે માલિક પોતાની ગાડીઓને એક એગ્રીગેટર કરતા વધુ સાથે નહિ જોડી શકે. આ રીતે તેની દૈનિક ટ્રિપની સંખ્યા પણ મર્યાદિત કરી શકાશે. આ સાથે જ એગ્રીગેટર કાર માલિકોને કોઈ પણ પ્રકારના ઈન્સેન્ટિવ નહિ આપી શકે. આ પાબંધીને કારણે એગ્રીગેટર પ્રાઈવેટ કાર ઓનર્સને વધુ ટ્રિપ માટે પ્રોત્સાહન નહિ આપી શકે.

અધિકારીઓનું કહેવું છે કે સરકાર તરફથી કોઈ સ્ટાન્ડર્ડ ભાડુ નક્કી નહિ કરાય. જો કે અનિવાર્ય ઓડિટ પ્રક્રિયા જરૂર થશે જેથી એગ્રીગેટર અને કાર માલિક નિશ્ચિત માપદંડોને પૂરા કરે. પરિવહન મંત્રાલયે આ વ્યવસ્થા લાગુ પાડવા ૨ રાઉન્ડ મીટિંગ વિવિધ રાજયોના પદાધિકારીઓ સાથે કરી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી રસ્તા પર વાહનોની સંખ્યા મર્યાદિત કરવા પગલા ભરવાની માંગ કરાઈ છે.(૨૧.૯)

(11:31 am IST)