મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

ગ્રાહક પંચનો મહત્વનો ચૂકાદો

ખેડૂતનું નામ સાતાબારામાં ન હોય તો પણ વીમાને પાત્ર છે

મુંબઈ તા. ૧૧ :  સ્ટેટ કન્ઝયુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશને (એસસીડીઆરસી) એક કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે જે ખેડૂતનું નામ સાતબારામાં ન હોય તેમને પણ અકસ્માતે થયેલા મૃત્યુ માટે વીમો મળી શકે છે.

ડિસ્ટ્રિકટ ફોરમે આપેલા આ આદેશને યથાવત્ રાખતા તેમણે જણાવ્યું હતું કે જો ખેડૂતનું નામ ગામના ફોરમમાં હોય, જમીનના રેકોર્ડમાં હોય અથવા કોર્ટની પ્રક્રિયાના ભાગમાં હોય, તો તે વ્યકિત જે તે લાભની હકદાર બને છે. ત્રણ ખેડૂતની વિધવા પત્નીને વીમાની યોજનાની રકમ મળી રહી નહોતી. મહારાષ્ટ્ર સરકારે વીમા કંપની સાથે કરાર કરી પાક વીમાની યોજના અમલમાં મૂકી છે. જે પરિવાર ખેતી પર નભતો હોય અને તેમના એકમાત્ર કમાનાર સભ્યનું મૃત્યુ થાય ત્યારે તેમને આ લાભથી વંચિત રાખવા યોગ્ય નથી. અકસ્માત વીમા માટે શરત એ છે કે ખેડૂતનું નામ વીમો લેતી વેળા જમીનના રેકોર્ડમાં હોવું જોઈએ.

વીમા કંપનીએ વીમો નકારવાના બીજા કારણમાં એમ જણાવ્યું હતું કે ખેડૂતનું મૃત્યુ સર્પદંશથી થયું છે તેમ પોસ્ટમોર્ટમમાં કયાંય નોંધ લેવામાં આવી નથી. આ મામલે કમિશને જણાવ્યું હતું કે ભલે ઝેરનો પુરાવો ન હોય, પરંતુ પ્રાણીના હુમલાથી મૃત્યુ થયું હોવાના અને અકસ્માતે મૃત્યુ થયું હોવાના પુરાવા છે. કમિશને જણાવ્યું હતું કે આ વીમાનું લક્ષ્ય આવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થાય તો ખેડૂત પરિવારને મદદ પહોંચાડવાનું છે અને તેથી ડિસ્ટ્રિકટ ફોરમનો નિર્ણય યોગ્ય છે.

(11:18 am IST)