મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

અરે વાહ... હવે બજારમાં આવી 'સંસ્કારી' સાડી

શરીરનો કોઇ પણ ભાગ ન દેખાય તેવી સાડી

શું તમે કયારેય વિચાર્યું છે કે તમારા પોશાકને કારણે પણ તમારો બળાત્કાર થઈ શકે છે? તમારા નાનાં કપડાં બળાત્કાર કરવા માટે ઉશ્કેરી શકે છે. આ માટે જ પૂરા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારા ઘરમાં જ એવા લોકો હશે જે તમને પૂરા કપડાં પહેરવા માટે ટોકતા હશે. ઘર, બહાર, શહેરના લોકો વારે વારે તમારા મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ કરતા હોય છે કે તમારી જ ભૂલને કારણે બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોય છે. આ માટે તમે જ જવાબદાર છો.

દેશની રાજધાની દિલ્હી સાથે જોડાયેલા ગુરુગ્રામની એક મહિલા ટૂંકા વસ્ત્રો પહેરતી છોકરીઓ પર એટલી બધી ગુસ્સે થઈ કે તેણીએ કેમેરા સામે જ કહી દીધું કે, 'તમારા લોકોનો તો બળાત્કાર જ થવો જોઈએ.' આ બાદમાં દેશમાં છોકરીઓનાં ટૂંકા કપડાંને લઈને ચર્ચા જાગી હતી. નવાઈની વાત તો એ છે કે આ મહિલાના સમર્થનમાં પણ અનેક લોકો આવ્યા છે. તેમની દલીલ છે કે નાના અને શરીરના ભાગો દેખાતા કપડાં પહેરવાને કારણે છોકરીઓનો રેપ થાય છે.

આ લોકોની દલીલ છે કે બળાત્કારથી બચવા માટે છોકરીઓએ સંસ્કારી કપડાં પહેરવા જોઈએ. આવા જ લોકોની માનસિકતાને આકરો જવાબ આપતા અમુક યુવાઓએ 'સુપર સંસ્કાર સાડી' રજૂ કરી છે. બોસ્ટનમાં રહેતી લેખિકા તનવી ટંડન ખાસ મુદ્દાઓ પર વ્યંગ્ય કરતી વેબસાઇટની સહ-સંસ્થાપક છે. આ વેબસાઇટ મહિલાઓની સુરક્ષા અને તેના પહેરવેશ સાથે જોડાયેલા નિયમો અંગે આકરા વ્યંગ્ય કરે છે. આ વેબસાઇટ પાછળ ચાર લોકોની ટીમ કામ કરે છે.

ટંડને કહે છે કે દિલ્હીની આન્ટીનો વીડિયો તેને અને તેની ટીમને વિચારવા માટે મજબૂર કરી દીધાં હતાં. અમને લાગ્યું કે વ્યંગ્યના માધ્યમથી જ અમે તેને જવાબ આપી શકીએ છીએ. આવી જ રીતે અમે પીડિતને જ દોષી ગણવાની માનસિકતા પર પ્રહાર કરી શકીએ છીએ. અમે આ અંગે ગંભીર વાત કરવાને બદલે આવા લોકોની વિચારધારાની મજાક ઉડાવવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં વેબસાઇટ તરફથી 'સુપર સંસ્કારી સાડી' રજુ કરવામાં આવી હતી.

વેબસાઇટમાં પ્રોડકટ અંગે આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે 'સુપર સંસ્કારી સાડી' એન્ટી-રેપ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. સાથે જ આ સાડી અમુક ભારતીયોની વિચારધારાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે કે મહિલા તેને પહેરતા જ તે અદ્રશ્ય થઈ જશે. આ અતિ સંસ્કાર સાડી તમને બહારની નજરોથી બચાવીને રાખશે, કારણ કે આને પહેરવાથી તમારા શરીરનો કોઈ ભાગ નહીં દેખાય. જયારે આરોપીઓને તમારા શરીરનો કોઈ ભાગ દેખાશે જ નહીં તો તમારો રેપ નહીં થાય.

ટંડને જણાવ્યું કે આ સાડીની કિંમત સાવ ઓછી રાખવામાં આવી છે. આ શ્રેણીમાં 'મહત્વકાંક્ષી નારી ઓફિસ સાડી' છે, જેની કિંમત રૂ. ૫૦૦ છે. જયારે એક સાડીનું નામ 'આઇટમ નંબર સાડી' રાખવામાં આવ્યું છે. આ સાડીની કિંમત રૂ. ૧૦૦ છે. 'સંસ્કારી બીચ વિયર સાડી'ની કિંમત રૂ. ૨૦૦ રાખવામાં આવી છે. જયારે બિકિનીની જગ્યાએ બિકી-નહી નામથી કપડાં પણ છે. આન્ટીઓ માટે રૂ. ૫૦માં 'લોન્ઝવિયર સાડી' રજૂ કરવામાં આવી છે. જયારે રૂ. ૧૦૦૦માં 'અચ્છી બચ્ચી' વાળી સાડીથી નાની બાળકીઓ સાથે બનતી દુષ્કર્મની ઘટના પર વ્યંગ્ય કરવામાં આવ્યો છે.

(11:34 am IST)