મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

દિલ્હીમાં કોરોનાની ખતરનાક લહેર ચાલી રહી છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી :દિલ્હીમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે જેથી સરકાર દ્વારા લદાયેલા પ્રતિબંધો બાદ લૉકડાઉનની અટકળો તેજ

નવી દિલ્હી, તા. ૧૨ : દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ કેસોએ સરકારની સાથે સામાન્ય લોકોની પણ ચિંતા વધારી દીધી છે. રાજધાનીમાં કોરોના સંક્રમણનો આ આંકડો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ લૉકડાઉનની અટકળો પણ ચર્ચાવવા લાગી છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનના કહેર અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની એક ખતરનાક લહેર ચાલી રહી છે. દિલ્હી સરકાર લૉકડાઉન લાદવા માંગતી નથી, પરંતુ કાલે મજબૂરી હેઠળ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આજે જે રિપોર્ટ આવ્યો છે તેમાં ૨૪ કલાકમાં ૧૦,૭૩૨ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. લોકોને અપીલ છે કે, ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે.

કેજરીવાલે કહ્યું કે, હું લૉકડાઉનની તરફેણમાં નથી. કોઈપણ સરકારે ત્યારે જ લોકડાઉન કરવું જોઈએ જ્યારે હૉસ્પિટલોની વ્યવસ્થા ભાંગી પડે. તમારા સહકારની જરૂર છે. જો દિલ્હીની હોસ્પિટલો ઓછી પડે તો પછી બની શકે કે, દિલ્હીમાં લૉકડાઉન કરવું પડે. અમે કેન્દ્રને અનેક વખત રસીકરણ પરના તમામ પ્રતિબંધોને દૂર કરવા જણાવ્યું છે. અમે બેથી ત્રણ મહિનામાં તમામ દિલ્હીવાસીઓને રસી લગાડાવી દઇશું.

કેજરીવાલે કહ્યું કે, એક તરફ કોરોનાને ફેલાતા અટકાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ, દર્દીઓ હૉસ્પિટલમાં જાય છે, તો તેઓને વધુ સારી સારવાર મળી રહેવી જોઇએ. નવેમ્બર ૨૦૨૦માં મહત્ત્મ ૮૫૦૦ કેસો હતા પરંતુ હવે આ વખતે તમામ રેકોર્ડ પણ તૂટી ગયા છે. નોંધનીય છે કે, કોરોનાનો કહેર વધતા દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ ઉપરાંત કેટલાક વધુ પ્રતિબંધો પણ અમલી કરવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે દિલ્હીમાં તમામ પ્રકારની સામાજીક, રાજકીય, રમતની, ધાર્મિક સભાઓ વગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં અંતિમ સંસ્કાર વિધિ માટે મહત્તમ ૨૦ લોકો જ સામેલ થઈ શકશે. જ્યારે લગ્નોમાં ૫૦ લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે. આ સાથે દિલ્હીમાં તમામ શાળા, કોલેજીસ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે. ઓનલાઈન ક્લાસને પ્રોત્સાહન આપવામાં આવશે.

(9:02 pm IST)