મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

દિલ્‍હીમાં કોરોના કેસોની સ્‍થિતિ ચિંતાજનક : લોકેન વિકટ સ્‍થિતિ હોય તો જ હોસ્‍પિટલમાં દાખલ થવા નહિ તો ઘરે જ સારવાર લેવા મુખ્‍યમંત્રી કેજરીવાલની અપીલ

નવી દિલ્હી:  દિલ્હીમાં કોરોનાથી હાલાત બેકાબૂ જોવા મળી રહ્યા છે. રવિવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સીએમ કેજરીવાલે કહ્યું કે ચોથી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હાલાત ચિંતાજનક છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાથી સર્જાયેલા હાલાતને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યા, કોરોના રસીકરણ અને લોકડાઉન ઉપર પણ વાત કરી.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 10732 નવા કેસ સામે આવ્યા છે. 'હાલાત ખુબ ચિંતાજનક છે. કોશિશ કરો કે વધુમાં વધુ ઘર પર જ રહો. અમે લોકડાઉન લગાવવા નથી માંગતા પરંતુ કાલે  કેટલાક પ્રતિબંધો લગાવવા પડ્યા છે. જો હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા તો લોકડાઉન લગાવવું પડી શકે છે.'

કેજરીવાલે કહ્યું કે વર્તમાનમાં કોરોનાની પીક ગત વર્ષ નવેમ્બર કરતા પણ ખતરનાક છે. તેમણે વધુમાં કહ્યું કે એટલા ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે, અમે કોશિશ કરી રહ્યા છીએ કે દિલ્હીના લોકોને વધુ સારી સારવાર મળે. તે માટે વ્યવસ્થા કરીએ છીએ.

કેજરીવાલે કહ્યું કે અનેક હોસ્પિટલોમાં બેડ ન મળવાની ફરિયાદ મારી પાસે આવી છે. તેમણે કહ્યું કે જે એપ અમે પહેલા શરૂ કરી હતી તે આજે પણ કામ કરી રહી છે. જો હોસ્પિટલ જવાની જરૂર હોય તો બેડની સંખ્યા જોઈને સીધા ખાલી બેડવાળી હોસ્પિટલમાં જતા રહો. પ્રાઈવેટ હોસ્પિટલો જેવી જ સરકારી હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા છે. બહુ જરૂર હોય તો જ હોસ્પિટલ જાઓ.

તેમણે વધુમાં કહ્યું કે જો હોસ્પિટલ ઓછી પડી ગઈ તો મુશ્કેલી આવશે. લોકડાઉન કોરોના સામે ઝઝૂવાનું સમાધાન થી. લોકડાઉન ત્યારે લાગે જ્યારે હોસ્પિટલની વ્યવસ્થા કથળી જાય. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં બેડની કમી થઈ ગઈ તો દિલ્હીમાં ક્યાંક લોકડાઉન ન લગાવવું પડે.

રસીકરણ પર તેમણે કહ્યું કે આ વખતે 65 ટકા સંક્રમિતો 45 વર્ષથી ઓછી ઉંમરના છે, રસીકરણ અંગે પ્રતિબંધો શાં માટે લગાવવામાં  આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હી સરકારનો સ્ટાફ એક એક ઘરમાં જઈને રસી લગાવવા માટે તૈયાર છે. મે પ્રધાનમંત્રીને પણ આ અંગે કહ્યું છે. તેમને મે કહ્યું કે તમે રસી પરથી તમામ પ્રતિબંધ હટાવો. આપણે રસીકરણ પર યુદ્ધસ્તરે કામ કરવું પડશે. રસીકરણને ઝડપી કરવું એ જ ઉપાય છે.

(2:39 pm IST)