મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

આસામમાં વિધાનસભાના ૪ મતદાન કેન્દ્રો ઉપર ૨૦ મીએ ફરી મતદાન

ભાજપ ના ઉમેદવારની ગાડીમાં મળેલા ઇવીએમ સંપૂર્ણ સેફ છતાં આશંકા દૂર કરવા તેમજ સોનાઈ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન સમયે બે જૂથ વચ્ચે ટકરાવ ને લઈ ને ચૂંટણી પંચ દ્વારા ૪ મતદાન કેન્દ્રો ઉપર પુનઃ મતદાનનો નિર્ણય

ગુવાહાટી : આસામમાં વિધાનસભાના ૪ મતદાન કેન્દ્રો ઉપર ૨૦ મીએ ફરી મતદાનનો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે.આસામ વિધાનસભા ચૂંટણી 2021 હેઠળ રાજ્યમાં ત્રણ તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 6 એપ્રિલે પૂર્ણ થઇ ગઇ છે અને હવે 2 મેએ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વચ્ચે રાજ્યના ચાર મતદાન કેન્દ્ર પર ચૂંટણી પંચે ફરી મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે 20 એપ્રિલે આસામના રતબારી, સોનાઇ અને હાફલોંગ વિધાનસભા ક્ષેત્રના 4 મતદાન કેન્દ્ર પર નવેસરથી મતદાન કરાવવાની જાહેરાત કરી છે.

ચૂંટણી પંચે જે પોલિંગ સ્ટેશન પર ફરી વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો, તે સ્ટેશનો પર 1 એપ્રિલે મતદાન થયુ હતું. આસામના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58ની પેટા-ધારા (2) (ક) હેઠળ 1 એપ્રિલે રાજ્ય વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન આ સ્ટેશનો પર મતદાનને શૂન્ય અથવા અમાન્ય જાહેર કરી દીધુ છે. ચૂંટણી પંચે કહ્યુ કે આ ચાર સેન્ટર્સ પર 20 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નવેસરથી મતદાન કરવામાં આવશે.

 

ચૂંટણી પંચે આ નિર્ણય તે દરમિયાન થયેલી અલગ અલગ ઘટનાઓને ધ્યાનમાં રાખીને લીધો છે. પાથરકાંડીના ભાજપના ઉમેદવાર કૃષ્ણેંદુ પોલની ગાડીમાં મળેલા ઇવીએમને લઇને થયેલા વિવાદ બાદ રતબાડીમાં ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવુ છે કે, જોકે, ઇવીએમ પુરી રીતે સેફ મળ્યુ છે પરંતુ કોઇ પણ રીતની આશંકાને ખતમ કરવા માટે ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ હાફલોંગ વિધાનસભા ક્ષેત્રમાં એક સહાયક મતદાન કેન્દ્રમાં 181 મત મળ્યા હતા, જ્યારે આ પોલિંગ બુથ પર મતદારોની લિસ્ટમાં 90 નામ જ હતા. બીજી તરફ આ વચ્ચે 1 એપ્રિલે મતદાન દરમિયાન કછાર જિલ્લાના સોનાઇ વિધાનસભા ક્ષેત્રમાં બે જૂથ વચ્ચે ટકરાવ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ અથડામણ ધનેહરી પોલિંગ સ્ટેશન પર કથિત મેનેજમેન્ટને લઇને થઇ હતી. ભીડને વિખેરવા માટે પોલીસ કર્મીઓએ હવામાં ફાયરિંગ કરવા મજબૂર થવુ પડ્યુ હતું અને આ અથડામણમાં બે લોકોને ઇજા થઇ હતી.

(12:00 am IST)