મુખ્ય સમાચાર
News of Thursday, 11th April 2019

નોટબંધી બાદ ભાજપના સાંસદો પાસે સૌથી વધુ રોકડ હાથ ઉપર

૧૬ વર્તમાન સાંસદોમાંથી ચૂંટણી લડતા ૧૧ સાંસદોએ સોગંદનામામાં પાંચ વર્ષમાં રોકડ હાથ ઉપર વધારે હોવાનું દર્શાવ્યું: મોહનભાઈ કુંડારિયા પાસે ૨૦૧૪માં રૂ. ૧૩.૨૨ લાખ રોકડા હતા જ્યારે આ વખતે તેમા ૧૬ ટકાનો ઘટાડો થયો અને તેમની પાસે ૧૧.૧ લાખ રોકડા હાથ ઉપર છેઃ સુરેન્દ્રનગરના સોમાભાઈ પટેલ પાસે ૨૦૧૪માં રોકડા હાથ ઉપર હતા જ્યારે આજે રૂ. ૪ લાખ છેઃ ૩૯૦૦ ટકાનો વધારોઃ પરેશ ધાનાણી પાસે રોકડ હાથ ઉપર હોવાની ટકાવારી ૫૫.૯૬ ટકા વધી

નવી દિલ્હી, તા. ૧૧ :. નોટબંધીના બે વર્ષ બાદ અને મોદી સરકાર કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ગુજરાત ભાજપના ૧૬ વર્તમાન સાંસદોમાથી ૧૧ સાંસદો કે જેઓ લોકસભાની ચૂંટણી ફરી લડી રહ્યા છે તેઓએ ફાઈલ કરેલા ઉમેદવારી પત્રમાં વધુ રોકડ હાથ ઉપર હોવાનું જણાવ્યુ છે. ૨૦૧૪માં ચૂંટણી વખતે તેમની પાસે જે રોકડ હાથ ઉપર હતી તેના કરતા હાલ વધુ રકમ હાથ ઉપર છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના સાંસદોમાં રોકડ હાથ ઉપર હોવાની બાબતમાં ૧૦૦ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો કે જેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે રોકડ હાથ ઉપર હોવાની બાબતમાં ૩૯૦૦ ટકાનો વધારો નોંધાયો છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ સોગંદનામામાં જણાવવાનું હોય છે કે તેમની પાસે કેટલી રકમ હાથ ઉપર છે. જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા કે જેઓ ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે રોકડ હાથ ઉપર હોવાનું સૌથી વધુ ખુલ્યુ છે. ૨૦૧૪ વખતે તેમણે સોગંદનામામા જણાવ્યુ હતુ કે તેમની પાસે રૂ. ૪૦,૦૦૦ રોકડા છે. આ વર્ષે તેમણે જણાવ્યુ છે કે તેમની પાસે રૂ. ૮૦૦૯૯ રૂ. હાથ ઉપર છે એટલે કે ૧૦૦.૨૪ ટકાનો વધારો. તેમના પત્નિ પાસે રોકડની રકમમાં પણ પાંચ વર્ષમાં વધારો નોંધાયો છે.

ભાજપના સાંસદ દર્શનાબેન જરદોશ (સુરત) અને દેવશી ચૌહાણ (ખેડા)એ પણ રોકડ હાથ ઉપર વધુ હોવાનું આ વખતે જણાવ્યુ છે. દર્શનાબેન પાસે રૂ. ૧૪૭૯૫૦ ૨૦૧૪માં રોકડા હતા જ્યારે આ વખતે તેમની પાસે રૂ. ૨.૭૫ લાખ છે એટલે કે ૮૫ ટકાનો વધારો. જ્યારે દેવશીભાઈ પાસે ૪૦ હજાર હતા અને આ વખતે ૭૦ હજાર છે એટલે કે ૭૫૦૦૦નો વધારો. ભાજપના સાંસદ પૂનમ માડમ પાસે રૂ. ૭૩૧૨૫ રૂ. રોકડા હતા જ્યારે આ વખતે આ રકમ ૭૩ ટકા વધીને રૂ. ૧૨૬૫૦૭ થઈ છે.

ભાજપના અન્ય સાંસદ કે જેમની રોકડ રકમ વધી છે. જેમા વિનોદ ચાવડા ૨૦ ટકા, દીપસિંહ રાઠોડ ૪૪ ટકા, નારણભાઈ કાછડીયા ૨૫ ટકા, જસવંતસિંહ ભાભોર ૭ ટકા, રંજનબેન ભટ્ટ ૪૪ ટકા, મનસુખ વસાવા ૫૦ ટકાનો સમાવેશ થાય છે.

સૌથી વધુ રોકડ હાથ ઉપર રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા પાસે હોવાનું સોગંદનામા જણાવાયુ છે. તેમણે રૂ. ૧૧.૧ લાખ રોકડા હાથ ઉપર હોવાનુ જણાવ્યુ છે. ૨૦૧૪માં તેમણે રૂ. ૧૩.૨૨ લાખ રોકડા હાથ ઉપર જણાવ્યુ હતુ તેમની રોકડમાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ પાસે રોકડ હાથ ઉપર હોવામા રૂ. ૫નો વધારો નોંધાયો છે. જ્યારે ડો. સી.કે. પટેલે કોઈ વધારો ન હોવાનું જણાવ્યુ છે. જ્યારે મોહન કુંડારીયા ઉપરાંત ભાજપના સાંસદ પ્રભુભાઈ વસાવા, સી.આર. પાટીલ, ડો. કીરીટ સોલંકીએ રોકડ હાથ ઉપર હોવામાં ૯૫થી ૧૬ ટકાનો ઘટાડો થયાનું નોંધાયુ છે.

કોંગ્રેસના સોમાભાઈ પટેલ કે જેમણે ૨૦૧૪માં ૧૦ હજાર હાથ ઉપર હોવાનું જણાવ્યુ હતુ તેઓએ આ વખતે ૪ લાખ હાથ ઉપર હોવાનું જણાવ્યુ હતું. તેમની પાસે રોકડ હાથ ઉપર આવી તેમાં ૩૯૦૦ ટકાનો વધારો નોંધાયો છે. આજ રીતે અમરેલીથી ચૂંટણી લડતા પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણી વખતે જે રકમ હાથ ઉપર હોવાનું જણાવ્યુ હતુ જેમાં ૫૫ ટકાનો વધારો થયો છે અને જેમની પાસે રૂ. ૧૧.૬૫ લાખ રોકડા હાથ પર છે.

(10:21 am IST)