મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

લાલ ચોક નજીક CRPF ટીમ ઉપર ગ્રેનેડ હુમલો :૧૧ ઘાયલ

સેનાના ઓપરેશન બાદ ત્રાસવાદીઓનો હુમલો : સુરક્ષાદળો પર હજુ હુમલાઓ થાય તેવી પ્રબળ સંભાવના

શ્રીનગર,તા. ૧૦ : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના સતત ઓપરેશન સફળ પુરવાર થઈ રહ્યા છે. જેના કારણે આતંકવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. આજે શ્રીનગરના લાલચોક પાસે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં સાત સુરક્ષા કર્મી અને ચાર સામાન્ય લોકોને ઈજા થઈ હતી. સીઆરપીએફના ત્રણ જવાન, જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા હતા. ગ્રેનેડ હુમલા બાદ ફરી એકવાર તંગદિલી વધી ગઈ હતી. સેનાના ઓપરેશનના આઠ કલાક બાદ પાંચ ત્રાસવાદીઓને ઠાર કરાતા આતંકવાદીઓમાં ખળભળાટ ફેલાયો હતો. આ લોકોએ બદલો લેવાની ભાવનાથી ગ્રેનેડ હુમલો લાલ ચોક નજીક કરી દીધો હતો. ઘાયલ થયેલા સુરક્ષા કર્મીઓને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રેનેડ હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ત્રાસવાદીઓ જ આમાં હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ મોટુ ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કાર્યવાહીમાં એક અધિકારી પણ શહીદ થયા હતા. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે સેનાને કેલમ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિત મળી હતી. આ માહિતી મળ્યા બાદ સેનાની નવ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજીની ટુકડી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેલમ ગામમાં જોરદાર ઘેરાબંધી કરી હતી. સુરક્ષા દળો પર હુમલા થવાની શક્યતા દેખાય છે.

 

 

 

 

(12:00 am IST)