મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

એનટીઆરની પીઠમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ખંજર ભોક્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

આંધ્રમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ટીડીપીની હાર નિશ્ચિત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત : આંધ્રપ્રદેશના લોકોના સપનાને ચકનાચૂર કરી દેનાર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિકાસની બાબતો ભુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળ આપવામાં લાગી ગયા : આંધ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આક્રમક દેખાયા

અમરાવતી, તા.૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ગઢમાં આક્રમક અંદાજમાં સંબોધન કર્યું હતું. આંધ્રપ્રદેશના ગુંટુરમાં પ્રચંડ રેલી દરમિયાન મોદીએ ચંદ્રબાબુ નાયડુ અને કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે એનટીઆર જે લોકોને દુષ્ટ તરીકે કહેતા હતા તેમની સાથે જ ચંદ્રબાબુ નાયડુએ મિત્રતા કરી લીધી છે. નાયડુએ પોતાના વિકાસ માટે જ કામગીરી આગળ વધારી છે. આંધ્રપ્રદેશમાં પણ નાયડુની પાર્ટીનું પતન નિશ્ચિત છે તેવો દાવો તેઓએ કર્યો હતો. નાયડુ આંધ્રપ્રદેશના ગરીબો માટે નવી યોજનાઓ ચલાવવાની વાત કરતા હતા પરંતુ મોદીની યોજનાઓ ઉપર જ પોતાના સ્ટીકર ચોટાડી દીધા છે. મોદીએ એનટી રામારાવના નામનો ઉલ્લેખ કરીને નાયડુ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે નાયડુએ પોતાના સસરા એનટી રામરાવની પીઠમાં જ ખંજર ભોંકી દેવાનું કામ કર્યું છે. પોતાના ભાષણમાં મોદીએ નાયડુને એન લોકેશના પિતા કહીને વારંવાર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ હેરાન છે કે આખરે મુખ્યમંત્રીને શું થઈ ગયું છે. તેઓ વારંવાર તેમને તેમનાથી સિનિયર હોવાની વાત કરે છે પરંતુ મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ચોક્કસપણે નાયડુ પાર્ટી બદલવામાં નવા ગઠબંધનો કરવામાં પોતાના સસરાની પીઠમાં ખંજર ભોંકવાના મામલામાં સિનિયર છે. એક પછી બીજી ચુંટણી હારવાના મામલામાં પણ તેઓ સિનિયર છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે જે લોકોને તેઓ ગાળો આપતા હતા તેમની સાથે હવે બેસી ગયા છે. આંધ્રપ્રદેશના લોકોના સપના ચકનાચૂર કરવામાં પણ સિનિયર સાબિત થઈ રહ્યા છે. એનટીઆરની વિરાસત સંભાળ્યા બાદ લોકોને બરબાદ કરી રહ્યા છે. મહામિલાવટની ક્લબમાં નાયડુ સામનેલ થઈ ગયા છે. સાથની અસર એવી થઈ છે કે નાયડુ પણ આંધ્રપ્રદેશના વિકાસને ભુલી ગયા છે અને મોદીને ગાળો આપવાની સ્પર્ધામાં કુદી ગયા છે. ટીડીપીના લોકો ગો બેકની વાત કરી રહ્યા છે પરંતુ આનાથી તેઓ ખુશ છે. તેઓ ચોક્કસપણે દિલ્હીમાં જ સત્તા સંભાળવા જઈ રહ્યા છે. જ્યારે મહામિલાવટના લોકો પાસેથી હિસાબ માંગવાની શરૂઆત થઈ છે ત્યારે તમામની ઉંઘ હરામ થઈ ગઈ છે. ચોકીદારે આવા લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. હિસાબ માંગવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રીને તકલીફ થઈ રહી છે. ડિક્ષનેરીમાં જેટલી ગાળો તેટલી મોદી માટે રિઝર્વ રાખી દીધી છે. આજે નાયડુ મજબુરીમાં નામદારોની સામે ઝુકી ગયા છે. નામદારોએ હંમેશા રાજ્યોના નેતાઓનું અપમાન કર્યું છે. એનટી રામારાવે આંધ્રને કોંગ્રેસ મુક્ત કરવાનું વચન આપ્યું હતું પરંતુ નાયડ આવા જ લોકોના મિત્ર બની ગયા છે. આંધ્રમાં નાયડુની હાર હવે નિશ્ચિત દેખાઈ રહી છે. આંધ્રને સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું હતું. ખાસ રાજ્યના દરજ્જા જેટલી જ રકમ ચુકવવામાં આવી છે પરંત નાયડુ પેકેજનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નથી. વિકાસમાં નિષ્ફળ રહેલા ટીડીપીએ આંધ્રપ્રદેશના વિકાસ માટે કામ કર્યું નથી પરંતુ ભાજપ સરકાર આંધ્રના વિકાસ માટે કટિબદ્ધ છે. મોદીએ કૃષ્ણપટ્ટનમ ભારત પેટ્રોલિય કોર્પોરેશનના નવા કોસ્ટર ટર્મિનલની આધારશિલા મુકી હતી. અમરાવતી નવા ભારતના સેન્ટર બનવાન ક્ષમતા ધરાવે છે. ન્યુ ઈન્ડિયાને નવા પ્રદુષણમુક્ત બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આજ કારણસર ગેસ આધારીક ઈકોનોમિની વાત થઈ રહી છે સાથે સાથે મફત ગેસ કનેકશન પણ અપાઈ રહ્યા છે.

 

(12:00 am IST)