મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ : ફેંસલો સુરક્ષિત રખાયો

બધા પક્ષકારોએ પોતાના પક્ષ રજૂ કર્યા

નવી દિલ્હી : નવા કૃષિ કાયદાને લઈને અનેક વિવાદો અને આંદોલન થયા છે. ત્યારે નવા કૃષિ કાયદા વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં બધા પક્ષકારોએ પોતાના પક્ષ રજૂ કર્યા હતાં. જો કે નવા કૃષિ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે તેનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે જે આવનારા દિવસોમાં જાહેર કરાશે. નવા કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે વિરોધ અને આંદોલનની સ્થિતી જો યથાવત રહેશે અને મડાગાંઠ નહીં ઉકેલાય તો સુપ્રીમ કોર્ટ નવા કાયદા પર રોક લગાવશે.

 સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે સરકાર આ મુદ્દે ગંભીર થઈને ખેડૂતો સાથે ચર્ચા કરે. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે અનેકવાર નવા કાયદા પર સ્ટે લગાવવાની વાત કરી હતી. સાથે જ કેસના પક્ષકાર ખેડૂત સંગઠનોને પૂછ્યું હતું કે જો કાયદાને રોકી લેવાય તો આંદોલન છોડી દેશો કે કેમ? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ખેડૂતોને પ્રદર્શન કરતા રોકી શકાય નહીં

(6:58 pm IST)