મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

મુંબઇમાં એન્ટીબોડીને થાપ આપતો કોરોના સ્ટ્રેન મળ્યો

ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા ૩ દર્દીમાં આવા સ્ટ્રેનની પુષ્ટિ

નવી દિલ્હી, તા.૧૧: દુનિયાભરમાં વૈશ્વિક વાયરસનો કહેર છેલ્લા એક વર્ષથી કેડો મુકવા તૈયાર નથી. હાલમાં યુકેથી આવેલા કોવિડના નવા સ્ટ્રેનનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતમાં નવા સ્ટ્રેનના દર્દીઓનો આંકડો ૧૦૦ની નિકટ પહોંચી ચૂકયો છે. આ દરમિયાન મુંબઇમાં ત્રણ દર્દીઓમાં કોવિડના એવા સ્ટ્રેનનું સંક્રમણ જોવા મળ્યુ છે, જેની પર એન્ટીબોડીની કોઇ અસર થઇ રહી નથી.

મુંબઇના ખારઘર સ્થિત ટાટા મેમોરિયલ સેન્ટરમાં કોરોનાનો નવો ન્યૂટેન્ટ મળ્યો છે. આ મ્યૂટેશન E484K નામથી ઓળખાય છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ દક્ષિણ આફ્રીકામાં દેખા દીધેલા કોરોનાના સ્ટ્રેનથી સંબંધિત છે. મીડિયા રીપોર્ટ મુજબ આ દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા ત્રણ મ્યૂટેશન્સ (K417N, E484K and N501Y માંથી એક છે. ટાટા મેમોરિયલ સેન્ટરના હોમિયોપેથી વિભાગના પ્રોફેસર ડો.નિખિલ પટકરએ તેની જાણકારી આપી છે. ડો.નિખિલની ટીમે જ કોવિડ -૧૯ના ૭૦૦ સેમ્પલના જિનોમ સિકવેન્સિંગ માધ્યમથી તપાસ કરી હતી. તેમાંથી ત્રણ સેમ્પલમાં કોરોનાનો E484K મ્યુટેન્ટ મળ્યો છે. કોવિડના આ મ્યૂટેન્ટ મળતા તબીબોની ચિંતા વધી છે. કારણ જૂના વાયરસના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શકિતના કારણે બનેલી ત્રણેય એન્ટીબોડીની તેની પર અસર કોઇ થતી નથી.

ત્રણેય દર્દીઓ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચેપગ્રસ્ત થયા હતા

મુંબઇમાં જે ત્રણ દર્દીઓમાં નવો મ્યૂટેન્ટ જોવા મળેલ છે. તે ત્રણેય વર્ષ ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્રણેયની વય ૩૦, ૩૨ અને ૪૩ વર્ષની છે. તેમાંથી બે દર્દી રાયગઢ અને એક થાણેનો રહેવાસી છે. તેમાંથી બે દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો હતા અને તેમણે હોમ આઇસોલેસનમાં જ સારવાર લીધી હતી. જયારે એકને હોસ્પિટલમાં દાખલ થવુ પડયુ હતું. તેને પણ ઓકિસજન સપોર્ટ કે વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. કેટલાક તજજ્ઞો આ મ્યૂટેન્ટને વધારે ખતરનાક માની રહ્યા નથી. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ડો. ગિરિધર બોબના કહેવા મુજબ આ મ્યૂટેન્ટ સપ્ટેમ્બરથી ભારતમાં હાજર છે. જો એટલો ખતરનાક હોત તો ભારતમાં અત્યાર સુધીમાં હાહાકાર મચી ગયો હોત.

(3:36 pm IST)