મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

મોંઘવારી માટે તૈયાર રહેજોઃ પેટ્રોલ-ડીઝલ-ગેસ ભડકે બળશે

ચાલુ વર્ષે પેટ્રોલ-ડીઝલ ભાવ નવા શિખરે પહોંચે તેવી શકયતાઃ ક્રુડના ભાવ એકધારા વધી રહ્યા છેઃ ડીમાન્‍ડ પણ વધવા લાગી : કુદરતી ગેસના ભાવ પણ વધે તેવા એંધાણઃ અમેરિકામાં ઘરેલુ માંગ વધવા લાગતા અને પ્રોડકસન ઘટતા કુદરતી ગેસના ભાવ ૨૬૫ રૂા. પ્રતિ એમએમબીટીયુથી ૨૮૩ રૂા. બતાડે તેવી શકયા

નવી દિલ્‍હી, તા.૧૧ :. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ નવી ઉંચાઈએ જઈ રહ્યા છે અને તેમા ચાલુ વર્ષે પણ કોઈ રાહત મળવાની સંભાવના છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ક્રુડનુ વેચાણ ખૂબ ઓછુ થયુ કારણ કે પરિવહન બંધ થવાની સાથે સાથે ઉદ્યોગ-ધંધા પણ ઠપ્‍પ થયા હતા. જો કે લોકડાઉન બાદ ધીમે ધીમે ઈકોનોમી સ્‍પીડ પકડી રહી છે. આ દરમિયાન ક્રુડના ભાવ વધી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલ પણ સતત મોંઘા થઈ રહ્યા છે.

કોરોના મહામારી અને સાઉદી અરેબીયા તથા રૂસ વચ્‍ચે ભાવયુદ્ધના કારણે ૨૦૨૦માં ક્રુડના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો. જો કે પછી તેમા રીકવરી થઈ પરંતુ તેની માંગમાં વર્ષે ૧૯.૬૫ ટકાના દરથી ઘટાડો જોવા મળ્‍યો હતો. હવે ગ્‍લોબલ ઈકોનોમીમાં રીકવરીને કારણે તેનુ વેચાણ વધી રહ્યુ છે અને તે વધુ આગળ વધવાની શકયતા છે. એવામાં ક્રુડના ભાવ વધવા લાગ્‍યા છે. હજુ પણ તે મોંઘુ થવાની શકયતા છે. હાલ ક્રુડનો ભાવ એમસીએકસ પર ૩૮૦૦ રૂા. પ્રતિ બેરલ આસપાસ છે. ચાલુ વર્ષે એવુ અનુમાન છે કે તે ૪૦૦૦થી ૪૧૫૦નું સ્‍તર બતાડી શકે છે. કુદરતી ગેસની વાત કરીએ તો અમેરિકામા હીટીંગ ડીમાન્‍ડ અને ઉત્‍પાદન ઘટવાને કારણે તેના ભાવ પણ વધવાની શકયતા છે.

કોરોના મહામારી વચ્‍ચે દુનિયાભરમાં નાણાકીય માર્કેટ માટે ગયુ વર્ષ કોસ્‍ટર રાઈડ જેવુ રહ્યુ હતુ. મહામારીને કારણે ગ્રોથમાં ઘટાડો, રાહત પેકેજોની જાહેરાત અને અત્‍યંત ઢીલી નાણાકીય નીતિઓને કારણે ગયા વર્ષે સતત ચડ-ઉતર રહી હતી હવે વેકસીન આવી છે તેથી નવી આશા છે. આનાથી નિવેશમાં વધારો થશે અને ખર્ચ વધશે. તેથી કોમોડીટીના ભાવ વધી શકે છે.

ક્રુડના ભાવ ગયા વર્ષે પહેલીવાર શૂન્‍યની નીચે ચાલ્‍યા ગયા હતા. ઓઈલની હવે ડીમાન્‍ડ વધશે અને તેના ભાવ પણ ઉંચા થશે. કુદરતી ગેસના ભાવ ગયા વર્ષે પણ વધ્‍યા હતા. ૨૦૨૦માં તેના ભાવ પર ૧૬.૬૮ ટકા અને એમસીએકસ પર ૧૬.૬૮ વધ્‍યા હતા. લોકડાઉન પુરુ થયા બાદ અમેરિકા અને યુરોપમાં તેની માંગ વધી. આ વર્ષે અમેરિકામાં માંગ વધવાની છે અને પ્રોડકસન ઓછુ હોવાને કારણે તેના ભાવમાં વધારો થાય તેવી શકયતા છે. આ વર્ષે તેનો ભાવ ૨૬૫ રૂા. પ્રતિ એમએમબીટીયુ અને તે પછી ૨૮૩ રૂા.નુ લેવલ પણ બતાડી શકે છે.

(10:21 am IST)