મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

પીએમ મોદીને લખ્યો પત્ર

બ્રાઝીલે તાત્કાલિક માંગ્યા વેકસીનના ૨૦ લાખ ડોઝ

બ્રાઝીલ પર કોરોના વેકસીનેશન કાર્યક્રમ શરૂ કરવાના વધી રહેલા દબાણ વચ્ચે બાલસોનારોએ પીએમ મોદીને માંગી મદદ

નવી દિલ્હી,તા. ૧૧: : દેશમાં કોરોનાની બે વેકસીનને મંજૂરી મળવાની સાથે જ દુનિયાની નજર હવે ભારત પર ટકેલી છે. બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જાયર બાલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી એસ્રે જેનેકા વેકસીનના ૨૦ લાખ ડોઝ આપવાનો અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે, DCGIએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેકસીન કોવેકસીનને ઇમરજન્સી ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે.

બોલસોનારોના પત્રને તેમની પ્રેસ ઓફિસમાંથી જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અમેરિકા બાદ બ્રાઝીલમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. બ્રાઝીલમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨,૦૧,૫૪૨ લોકોનાં મોત થઈ ચૂકયા છે, જયારે આ બીમારીના ઝપટમાં ૮૦,૧૫,૯૨૦ લોકો આવી ચૂકયા છે. રાષ્ટ્રપ્રમુખ જાયર બોલસોનારોએ પત્ર લખીને નરેન્દ્ર મોદીને કહ્યું છે કે બ્રાઝીલ પર વેકસીનેશન કાર્યક્રમની શરૂઆત કરવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે.

તેઓએ કહ્યું કે, જયારથી બ્રાઝીલની આસપાસના દેશોમાં કોરોના વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ થવો છે ત્યારથી બ્રાઝીલની જનતા સતત સરકાર પર આ વાતને લઈ દબાણ ઊભી કરી રહી છે. બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે ભારત સરકારને પત્ર લખીને કહ્યું છે કે અમારા રાષ્ટ્રીય કાર્યક્રમને વહેલી તકે શરૂ કરવામાં ભારત અમારી મદદ કરે. તેઓએ કહ્યું કે હું ઈચ્છું છું કોવિડ વેકસીનના ૨૦ લાખ ડોઝ, ભારતીય વેકસીનેશન અભિયાનને નુકસાન પહોંચાડ્યા વિના ઝડપથી અમને મોકલવમાં આવે.

નોંધનીય છે કે, બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જાયર બોલસોનારોનો આ પત્ર વડાપ્રધાન મોદીને ત્યારે આવ્યો છે જયારે બ્રાઝીલની સરકારી સંસ્યા ફિઓક્રૂઝ બાયોમેડિકલ સેન્ટરને એસ્ટ્રાજેનેકાની વેકસીન માટે જરૂરી પ્રોડકટની આપૂર્તિ થવામાં વિલંબ થવાનો છે. ફિઓક્રૂઝ બાયોમેડિકલ સેન્ટરને શનિવાર સુધી પ્રોડકટ મળવાની આશા હતી પરંતુ હવે આ સપ્લાય આ મહીનાના અંત સુધીમાં થશે.

(10:14 am IST)