મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

દેશમાં ૭ મહિનામાં ૩૩૦૦૦ ટન કોવિડ બાયોમેડિકલ કચરો

૩ એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો : બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરનારા રાજ્યોમાં ગુજરાત ૧થી ૫માં : ૩,૫૮૭ ટન કચરા સાથે મહારાષ્ટ્ર ટોચ પર

નવી દિલ્હી, તા. ૧૦ : ભારતમાં પાછલા ૭ મહિનામાં ૩૩,૦૦૦ ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયો છે, જેમાં ૩,૫૮૭ ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર છે. આ આંકડા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટામાં જણાવાયો છે.

અત્યાર સુધીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ૫,૫૦૦ કરતા વધુ ટન કોવિડ વેસ્ટ ભેગો થયો છે. એક ગણતરી પ્રમાણે સંપૂર્ણ એફિલ ટાવરનું વજન ૧૦,૧૦૦ ટન થાય છે. એટલે કે જો ભારતમાં ૭ મહિનામાં એકઠા થયેલા બાયોમેડિકલ વેસ્ટની વાત કરીએ તો તેનું વજન ત્રણ એફિલ ટાવર કરતા પણ વધારે થાય છે.

રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા પ્રમાણે જૂન ૨૦૨૦થી તમામ રાજ્યોમાંથી ૩૨,૯૯૪ ટન કોરોનાના કારણે બાયોમેડિકલ વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે. કોવિડ ૧૯ બાયોમેડિકલ વેસ્ટમાં મુખ્ય કચરો PPE કિટ, માસ્ક, જૂત્તાના કવર, મોજા, હ્યુમન ટિસ્યુસ, લોહી માટે વપરાતો પ્લાસ્ટિકનો સામાન, ડ્રેસિંગ માટે વપરાયેલો સામાન, પ્લાસ્ટર કાસ્ટ (પ્લાસ્ટર ઓફ પેરિસથી થયેલો કચરો), કોટન સ્વેબ, લોહીની થેલીઓ, નીડલ્સ, સિરિન્જ વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૫,૩૬૭ ટન કોવિડ વેસ્ટ જૂનથી સાત મહિનામાં થયો છે. જ્યારે તે પછી કેરળ (૩,૩૦૦ ટન), ગુજરાત (૩,૦૮૬ ટન), તામિલનાડુ (૨,૮૦૬ ટન), ઉત્તર પ્રદેશ (૨,૫૦૨ ટન), દિલ્હી (૨,૪૭૧ટન), પશ્ચિમ બંગાળ (૨,૦૯૫), કર્ણાટકા (૨,૦૨૬) ક્રમશઃ આવે છે. લગભગ ૪,૫૩૦ ટન જેટલો કચરો ડિસેમ્બર દરમિયાન થયો છે જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૬૨૯ ટન અને તે પછી કેરળમાં ૫૪૨ ટન અને ત્રીજા નંબરે ૪૭૯ ટન સાથે ગુજરાતનો નંબર આવે છે. વિવિધ મહિનાઓના આંકડા પ્રમાણે ગુજરાત બાયોમેડિક વેસ્ટ જનરેટ કરવામાં લગભગ ઉપરના સ્થાને જ રહ્યું છે. આ સિવાય રાષ્ટ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે દિલ્હીમાં ૩૨૧ ટન બાયોમેડિકલ વેસ્ટ ડિસેમ્બરમાં થયો છે. આ સિવાય જૂનથી ૭ મહિનામાં ગુજરાતનો બાયોમેડિકલ વેસ્ટ લગભગ ૧થી ૫ નંબરમાં રહ્યો છે. જેમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાત બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરનારું દેશનું ટોચનું રાજ્ય રહ્યું હતું. આ દરમિયાન અહીં ૬૨૨ ટન કચરો એકઠો થયો હતો. આ પછી ભારતીય પ્રદૂષણ નિંયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે ક્રમશઃ તામિલનાડુ (૫૪૩ ટન), મહારાષ્ટ્ર (૫૨૪ ટન), ઉત્તરપ્રદેશ (૫૦૭ ટન) અને કેરળ (૪૯૪ ટન) રહ્યા છે.

(12:00 am IST)