મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

૪ મોટા અધિકારીને પટાવાળા અને ચોકીદાર બનાવી દીધા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની કડક કાર્યવાહી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારનો અયોગ્ય રીતે પ્રમોશન મેળવી ચૂકેલા ચારેય ઓફિસરોનું ડિમોશન કરી નાખવાનો નિર્ણય

લખનઉ, તા. ૧૦ : ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કડક પગલું ભર્યું છે. સીએમ યોગી આદિત્યનાથે ચાર અધિકારીઓને ચોકીદાર અને પટાવાળા બનાવી દીધા. આ ચારેય અત્યાર સુધી એડિશનલ ડિસ્ટ્રીસ્ટ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ખોટી રીતે પ્રમોશન મેળવીને ઓફિસર બની ગયા હતા. સીએમ યોગીએ હવે તેમનું ડિમોશન કરી દીધુ છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી  આદિત્યનાથની સરકારે અયોગ્ય રીતે પ્રમોશન મેળવી ચૂકેલા ચારેય ઓફિસરોનું ડિમોશન કરી નાખવાનો નિર્ણય લીધો. મળતી માહિતી મુજબ નવેમ્બર ૨૦૧૪માં આ તમામ અધિકારીઓને નિયમ વિરુદ્ધ પ્રમોટ કરાયા હતા.

હાઈકોર્ટના આદેશ મુજબ ડિમોટ કરાયેલા અધિકારીઓને તેમના મૂળ પદ પર પાછા મોકલી દેવાયા છે. અત્રે જણાવવાનું કે યોગી સરકારે આવી કડકાઈ આ પહેલીવાર નથી કરી. થોડા સમય પહેલા પણ એક એસડીએમને તહસીલદાર બનાવી દેવાયા હતા. મળતી માહિતી મુજબ ક્ષેત્રીય પ્રચાર સંગઠન હેઠળ જ્યારે નિયમો વિરુદ્ધ પ્રમોટ કરાયા ત્યારે ચારેય કર્મચારી સૂચના કાર્યાલયમાં તૈનાત હતા. પદોન્નતિ બાદ આ કર્મચારીઓ એડિશનલ ડિસ્ટ્રીસ્ટ ઇન્ફોર્મેશન ઓફિસર બની ગયા.

નિદેશક સૂચના શિશિર તરફથી બહાર પાડવામાં આવેલા એક આદેશ મુજબ બરેલીમાં એડિશનલ ડિસ્ટ્રીસ્ટ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે તૈનાત નરસિંહને ડિમોશન કરીને પટાવાળા બનાવી દેવાયા છે. જ્યારે ફિરોઝાબાદના એડિશનલ ડિસ્ટ્રીસ્ટ ઇન્ફોર્મેશન ઓફિસર દયાશંકરને ચોકીદાર તરીકે જોઈન કરવાનું કહેવાયું છે. આ જ રીતે મથુરાના વિનોદકુમાર શર્મા અને ભદોહીના અનિલકુમાર સિંહને એડિશનલ ડિસ્ટ્રીસ્ટ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું હતું. હવે આ બંને અધિકારીઓ સિનેમા ઓપરેટર કમ પ્રચાર સહાયક તરીકે ફરીથી પોતાની ગત પ્રોફાઈલ પર કામ કરશે.

         ૬ જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા આદેશને તત્કાળ રીતે લાગુ કરાયો છે. આ સાથે જ ચારેય કર્મચારીઓને આદેશ અપાયો છે કે તેઓ પોતાના મૂળ પદ પર રિપોર્ટ કરીને કાર્યભાર સંભાળે અને તેનો રિપોર્ટ તરત મુખ્યાલયને સોંપે. અત્રે જણાવવાનું કે સૂચના વિભાગમાં એક સહાયકે આ ચારેયના અયોગ્ય ઢબે થયેલા પ્રમોશન વિરુદ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. કોર્ટે નિદેશક (સૂચના)ને નિર્દેશ આપ્યા કે તેઓ પ્રતનિધિદ્વ પર નિર્ણય કરે અને અરજીકર્તાની ફરિયાદ પર વિચાર કરે. કોર્ટના નિર્દેશ બાદ સૂચના વિભાગે રેકોર્ડની તપાસ કરી અને જાણવા મળ્યું કે ચારેય કર્મચારીઓને પ્રમોશન આપવામાં નિયમો નેવે મૂકાયા હતા. એક સરકારી પ્રવક્તાએ કહ્યું  કે એવું નક્કી કરાયું કે તમામ ચાર વ્યક્તિઓને ડિમોશન કરી નાખવામાં આવે કારણ કે આ પ્રકારે પ્રમોશનના કોઈ નિયમ નથી.

(12:00 am IST)