મુખ્ય સમાચાર
News of Saturday, 11th January 2020

યુપી : કન્નોજ બસ દુર્ઘટના સંદર્ભે મોતને લઇ સસ્પેન્સ

ડીએનએ મેચ કરવામાં આવ્યા બાદ આંકડા મળશે : ડબલ ડેકર બસ-ટ્રક ટકરાયા બાદથી વિનાશક આગ લાગી હતી : ખરાબરીતે મૃતદેહો બળી ગયા : સહાયની જાહેરાત

લખનૌ,તા. ૧૧ : ઉત્તરપ્રદેશના કન્નોજમાં શુક્રવારે મોડી રાત્રે ડબલ ડેકર સ્લીપર બસ અને ટ્રકમાં જોરદાર ટક્કર થયા બાદ વિનાશક આગ ફાટી નિકળી હતી. બનાવમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે પરંતુ હજુ સુધી મોતના આંકડાને લઇને કોઇ માહિતી મળી શકી નથી. પ્રચંડ અકસ્માત છિબારમઉ પોલીસ સ્ટેશનના ચિલઈ ગામ નજીક બન્યો હતો. પોલીસ અધિકારીનું કહેવું છે કે, ડીએનએ મેચ કરવામાં આવ્યા બાદ વાસ્તવિક સંખ્યા અંગે માહિતી મળી શકશે. બસમાં કુલ ૪૫ યાત્રીઓ હતા અને બસ ફરુકાબાદથી જયપુર જઇ રહી હતી. બળી ગયેલી બસમાંથી પોલીસને જે અવશેષ મળ્યા છે તેમને કન્નોજ પોસ્ટ મોર્ટમ હાઉસમાં લાવવામાં આવ્યા છે. ૧૦ કંકાલ પોસ્ટ મોર્ટમ હાઉસમાં લાવવામાં આવ્યા છે. મૃતદેહ ખુબ ખરાબરીતે દાઝી ગયા છે જેથી તેમની ઓળખ થઇ રહી નથીપોલીસે કહ્યુ છેકે કેટલાક લોકો લાપતા પણ થયેલા છે.

                વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અકસ્માત અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતના કારણમાં પણ શોધ કરવામાં આવી રહી છે. બસમાંથી કોઇ રીતે બચી ગયેલા પીડિતોને સરકાર તરફથી મદદ પહોંચી ચુકી છે. કેબિનેટ મંત્રી રામનરેશ અગ્નિહોત્રીએ કહ્યું છે કે, કુલ ૧૬ લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાના ચેક સોંપવામાં આવ્યા છે જ્યારે છિબરામઉમાં દાખલ કરાયેલા ૧૦ પીડિતો અને તિરવા મેડિકલ કોલેજમાં ભરતી કરાયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયા ચેક આપવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે અકસ્માત બાદ ઉત્તરપ્રદેશ સરકાર ખુબ ગંભીર બનેલી છે. મુખ્યમંત્રીના આદેશ ઉપર કેબિનેટ મંત્રી અગ્નિહોત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

               અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા હતા. ઘિલોઈમાં ઘટનાસ્થળની ચકાસણી કર્યા બાદ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળવા પ્રધાનો પહોંચ્યા હતા. બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતના સંદર્ભમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયસિંહ લલ્લુએ કહ્યું છે કે, ઘટના ખુબ દુખદ છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી પીડિતોની સાથે છે. કન્નોજ બસ અકસ્માતમાં મોતના આંકડાને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. પ્રાથમિક અહેવાલમાં ૨૦ના મોતનો આંકડો આપવામાં આવ્યો હતો ત્યારબાદ કેટલાક લોકોએ ૨૫નો આંકડો આપ્યો હતો. કેટલાકે ૧૦નો આંકડો આપ્યો છે. ડીએનએ તપાસ બાદ તમામ બાબત નક્કી થઇ શકશે.

(7:43 pm IST)