મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

જમ્મુ કાશ્મીરમાં નોર્મલ પણ કોંગ્રેસમાં નોર્મલ સ્થિતિ નથી

નેતાઓની ચિંતા કોંગ્રેસને વધારે સતાવે છે : અમિત શાહ : લીડરોની ચિંતા કરવાના બદલામાં સામાન્ય લોકોની ચિંતા કરવા કોંગીને સલાહ : ફોન કરી તંત્રને નિર્દેશ કરતા નથી

નવીદિલ્હી,  તા.૧૦ : લોકસભામાં મંગળવારના દિવસે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોંગ્રેસને રાજકીય નેતાઓથી વધારે સામાન્ય લોકોની ચિંતા કરવાની આજે સલાહ આપી હતી અને કહ્યું હતું કે, નેતાઓને કસ્ટડીમાંથી છોડવાનો નિર્ણય સ્થાનિક વહીવટીતંત્ર તરફથી લેવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના પુરક પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કસ્ટડીમાં લેવામાં આવેલા નેતાઓને છોડવાનો નિર્ણય સ્થાનિક વહીવટીતંત્ર તરફથી લેવામાં આવશે તથા ત્યાના મામલામાં કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરતી નથી. તેમણે કહ્યું હતું કે, જે રાજકીય નેતાઓને પ્રતિબંધિત આદેશ હેઠળ રાખવામાં આવ્યા છે. સરકારની તેમાંથી કોઇપણને એક દિવસ કરતા પણ વધારે સમય સુધી જેલમાં રાખવાની કોઇ ઇચ્છા નથી. અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાને ૧૧ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ બાબતો કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીના સમયમાં થઇ હતી.

          તેમણે ઉમેર્યું હતું કે, તેમના પગલે આગળ વધવાની અમારી કોઇપણ યોજના નથી જ્યાં પણ સ્થાનિક તંત્ર નિર્ણય લેશે તેમાં અમે દરમિયાનગીરી કરીશું નહીં. ફારુકને મુક્ત કરી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે ફોન કરીને વહીવટીતંત્રને આદેશ કરતા નથી. વિપક્ષની અગાઉની સરકાર આ પ્રકારના કામ કરતી હતી. ભાજપ સરકાર આ પ્રકારના કામ કરતી નથી. કાશ્મીર ખીણમાં સામાન્ય સ્થિતિને લઇને વિપક્ષના પ્રશ્નોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સંચારબંધી દૂર કરી લેવામાં આવી છે. સ્થિતિ ખુબ સામાન્ય છે. કલમ ૧૪૪ પણ દૂર કરી દેવામાં આવી છે. માત્ર વિપક્ષને જ સ્થિતિ સામાન્ય દેખાતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું પણ મોત થયું નથી.

            વાહન વ્યવહારની સ્થિતિ સામાન્ય બનેલી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીને સ્થિતિ સામાન્ય દેખાતી નથી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તેમની ચિંતા એવી છે કે, રાજકીય ગતિવિધિ ક્યારે શરૂ થશે પરંતુ આના માટે સામાન્ય સ્થિતિ નથી. તેમને રાજકીય ગતિવિધિ શરૂ થવાની ચિંતા સતાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી ખીણના નેતાઓની ચિંતા કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી નેતાઓના બદલે કાશ્મીર ખીણમાં રહેતા લોકોની ચિંતા કરે તો તે બાબત વધારે ઉપયોગી રહેશે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં મોદીના નેતૃત્વમાં સરકારે રાજકીય ગતિવિધિની પણ ચિંતા કરી છે ત્યાં ૪૦૦૦૦ પંચ અને સરપંચોની ચૂંટણી યોજાઈ ચુકી છે. તાલુકા અને બ્લોક સ્તર પર પણ ચૂંટણી થઇ ચુકી છે. મોટાપાયે મતદાન થઇ ચુક્યું છે. અધિર રંજન ચૌધરીના પ્રશ્નોના જવાબમાં તેમણે સ્પષ્ટપણે અનેક બાબતોનો ઉલ્લેખ ક્યો હતો.

(7:59 pm IST)